Abtak Media Google News

શ્રી કોલોની, સાધુ વાસવાણી રોડ, કાલાવડ રોડ અને અંકુર સોસાયટીમાંથી મળી આવ્યા કોરોનાનાં નવા કેસ: કુલ આંક ૧૪૫એ પહોંચ્યો, ૩૩ સારવાર હેઠળ: ૪૫૨ લોકો હોમ કવોરોન્ટાઈન અને ૭૩ વ્યકિતઓ ફેસેલીટી કવોરોન્ટાઈન હેઠળ

શહેરમાં કોરોનાનો પગપેસારો સતત વિકરાળ બની રહ્યો છે. બે દિવસમાં ૧૫ પોઝીટીવ કેસો મળી આવ્યા બાદ આજે સતત ત્રીજા દિવસે શહેરમાં કોરોનાનો બ્લાસ્ટ થયો હતો. પંચવટી સોસાયટી, સાધુ વાસવાણી રોડ, કાલાવડ રોડ અને અંકુર સોસાયટી જેવા વિસ્તારમાંથી આજે કોરોનાનાં વધુ પાંચ પોઝીટીવ કેસો મળી આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. બીજી તરફ રેલનગરમાં શ્રીનાથદ્વારા પાર્ક-૨માં રહેતા ભાનુબેન ધી‚ભાઈ સોલંકી નામના વૃદ્ધાએ આજે દમ તોડી દેતા શહેરમાં કોરોનાથી મોતને ભેટનારાની સંખ્યા પાંચે પહોંચી જવા પામી છે. કુલ ૧૪૫ કેસ નોંધાયા છે જે પૈકી ૩૩ દર્દીઓ હાલ અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.

આ અંગે મહાપાલિકાનાં સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે અલગ-અલગ વિસ્તારોમાંથી કોરોનાનાં પાંચ પોઝીટીવ કેસો મળી આવ્યા છે. શહેરનાં પંચવટી સોસાયટી પાછળ પશુપતિનાથ મંદિરવાળી શેરીમાં શ્રી કોલોની ૧૨/બીમાં રહેતા ભરતસિંહ ઝાલા નામના ૬૨ વર્ષનાં પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓ બરોડાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. સાધુ વાસવાણી રોડ પર ગંગોત્રી ડેરી સામે ૪૦૨ શ્રી મા‚તી મેનોટ એપાર્ટમેન્ટમાં રહેતા ૪૬ વર્ષીય ભાવિનભાઈ નિરંજનભાઈ દફતરી અને તેના પત્ની નેહાબેન દફતરીનો કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.

તેઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી કે અન્ય કોઈ કોરોના પોઝીટીવ દર્દીઓનાં સંપર્કમાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું નથી. કાલાવડ રોડ પર વોકહાર્ટ હોસ્પિટલ સામે બંસી પાર્ક શેરી નં.૨માં શ્રી ઉમિયા કૃપા નામના મકાનમાં રહેતા ૫૮ વર્ષીય મહિલા મધુબેન દિનેશભાઈ ખાંટનો કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. તેઓનાં ઘેર થોડા દિવસ પહેલા અમદાવાદથી સગા રોકાવા આવ્યા હતા જેઓનાં કારણે તેઓ કોરોના સંક્રમિત થયા હોવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

શહેરમાં કોરોનાનાં હોટ સ્પોટ એવા જંગલેશ્ર્વર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાનો કેસ નોંધાયો ન હતો.

આજે ફરી જંગલેશ્ર્વર નજીક ભવાની ચોકમાં અંકુર સોસાયટી શેરી નં.૯માં વસીલા ફલોર મીલ સામે હુસેન મહમંદભાઈ ચૌહાણ નામના ૪૭ વર્ષનાં પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરનાં કોરોનાનાં ૨૦ કેસો નોંધાતા શહેરીજનોમાં ડરનું લખલખું પ્રસરી જવા પામ્યું છે.

પોતાની દિકરી યામીનીબેન અમદાવાદથી આવ્યા બાદ કોરોનાનાં સંક્રમણમાં ફસાયા હતા જેનાં કારણે શહેરનાં રેલનગર વિસ્તારમાં શ્રીનાથદ્વારા પાર્ક-૨માં રહેતા આ યુવતીનાં માતા ભાનુબેન ધીરૂભાઈ સોલંકી (ઉ.વ.૫૬) પણ કોરોના સંક્રમિત થયા હતા. તેઓને ગત ૧૫મી જુનથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ વૃદ્ધા આજે સવારે કોરોના સામેનો જંગ હારી ગયા છે. આ સાથે રાજકોટમાં કોરોનાથી મોતને ભેટનારા હતભાગીઓની સંખ્યા ૫ પહોંચી જવા પામી છે. આજે નવા પાંચ કેસ નોંધાતા અત્યાર સુધીમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા ૧૪૫એ પહોંચી જવા પામી છે. હાલ ૩૩ લોકો સારવાર હેઠળ છે.

જયારે ૧૦૭ વ્યકિતઓ કોરોના સામેની જંગ જીતવામાં સફળ થયા છે અને પાંચ લોકોનાં મોત નિપજયા છે. આજની પરિસ્થિતિએ અલગ-અલગ વિસ્તારોમાં ૪૫૨ લોકો કે જે કોરોના પોઝીટીવ દર્દીઓનાં સંપર્કમાં આવ્યા હતા તેઓને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે અને ખુબ જ નજીકનાં સંપર્કમાં આવેલા ૭૩ લોકો ફેસેલીટી કવોરન્ટાઈન હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.