Abtak Media Google News

40 ટિમોએ વહેલી સવારથી અનેક વિસ્તારો ધમરોળ્યા

 

Advertisement

માધાપર, વાવડી, ખોખળદળ, મવડી રોડ, કાલાવડ રોડ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં એસઆરપીની 13 અને લોકલ પોલીસની 6 ટિમો સાથે રાખી ચેકીંગ ઝુંબેશ હાથ ધરાઈ

ચેકીંગ દરમિયાન 134 કનેકશનોમાં ગેરરીતિ ઝડપાઇ, 30.94 લાખનો દંડ ફટકારાયો

અબતક, રાજકોટ : શહેરમાં વીજ ચોરીને ડામવા માટે પીજીવીસીએલ તંત્રએ કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત આજે સતત ત્રીજા દિવસે પીજીવીસીએલની 40 ટીમોએ શહેરના પાંચ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. આ વીજ ચેકીંગમાં 134 કનેકશનોમાં ગેરરિતી ઝડપાઇ હતી. જે સબબ ગેરરીતિ આચરણતાઓને રૂ. 30.94 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

પીજીવીસીએલ દ્વારા આજે સતત ત્રીજે દિવસે શહેરમાં માધાપર, વાવડી, ખોખળદળ, મવડી રોડ, કાલાવડ રોડ સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં વીજ ચેકીંગ ડ્રાઇવ હાથ ધરી હતી. જેમાં 40 ટિમો દ્વારા વાવડી, વિશ્વકર્મા સોસાયટી, ઉદયનગર, શ્રીનાથજી સોસાયટી, 25 મિટર ક્વાર્ટર, સીંધોયનગર, જયનગર, સોમનાથ સોશિયલ, ગોકુલ પાર્ક, નટરાજનગર, ભગતસિંગ આવાસ યોજના સહિતના વિસ્તારોમાં એસઆરપીની 13 અને લોકલ પોલીસની 6 ટિમો સાથે રાખી દરોડા પાડ્યા હતા.

આ દરોડાની કાર્યવાહી દરમિયાન 40 જેટલી ટીમોએ 1042 જેટલા વિજ કનેક્શનો ચેક કર્યા હતા. આ દરમિયાન 134 જેટલા કનેક્શનોમાં ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે આ તમામ કનેક્શનોને 30.94 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલ દ્વારા પ્રથમ દિવસે બેડીનાકા, પ્રદ્યુમનનગર અને ઉદ્યોગનગર સબ ડિવિઝન હેઠળના રૂખડીયાપરા, પોપટપરા, રઘુનંદન સોસાયટી, રેલવે સ્ટેશન નજીકનો વિસ્તાર, સંજયનગર, વાંકાનેર સોસાયટી, મોચીનગર-1, રાજીવનગર, બજરંગવાડી, શીતળ પાર્ક, મોમીન સોસાયટી, ભીલવાસ, ખત્રીવાડ, જિલ્લા પંચાયત ચોક, સદરબજાર, નવલનગર, લોહાણાનગર, કૃષ્ણનગર, સ્વામિનારાયણનગર, ગોકુલધામ આવાસ ક્વાર્ટર્સ સહિતના વિસ્તારોમાં વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે કોઠારિયા રોડ સબ ડિવિઝન હેઠળના જંગલેશ્વર શેરી નં. 1થી લઈને શેરી નં. 32 તેમજ રાધાકૃષ્ણ સોસાયટી શેરી નં. 1થી લઈને શેરી નં. 20 સુધીના કનેક્શનોનું ચેકીંગ હાથ ધરવામા આવ્યું હતું. આજે સતત ત્રીજા દિવસે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવતા વિજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.