Abtak Media Google News

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, નાણાં અને ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈનો સમિતિમાં સમાવેશ:ટૂંક સમયમાં સમિતિ રિપોર્ટ આપશે

અબતક રાજકોટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતીય કિસાન સંઘ-ગુજરાત પ્રદેશ દ્વારા રજૂ થયેલા રાજ્યના ખેડૂતોના અગત્યના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે 10 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે.ભારતીય કિસાન સંઘની રજૂઆતો સંદર્ભે રાજ્ય મંત્રી મંડળના સભ્યો, સંબંધિત વિભાગોના અધિકારીઓ અને સંઘના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં અગાઉ તારીખ 3 અને 4 ઓક્ટોબરે બેઠક યોજીને ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને અનુલક્ષીને સરકાર દ્વારા વિધેયાત્મક નિર્ણયો લેવાના દિશાનિર્દેશો આપ્યા હતા.3 મંત્રીઓ સહિત 10 સભ્યોની એક ઉચ્ચ સ્તરીય સમિતિની જે રચના કરવામાં આવી છે.જેમાં ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિઓને પણ સભ્ય તરીકે નિમવામાં આવ્યા છે.

ઉચ્ચ સ્તરીય સમિતિમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, કૃષિમંત્રી રાઘવજી પટેલ, નાણાં અને ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ ઉપરાંત કૃષિ-વિભાગના અધિક મુખ્ય સચિવ, નાણાં વિભાગના તેમ જ ઊર્જા વિભાગના અગ્ર સચિવની તથા પશુપાલન અને સિંચાઈ વિભાગના સચિવનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ સભ્યો ઉપરાંત ભારતીય કિસાન સંઘના બે પ્રતિનિધિ આર. કે. પટેલ અને શામજીભાઈ મયાત્રા પણ સમિતિના સભ્યો રહેશે.

આ ઉચ્ચ સ્તરીય સમિતિ કિસાન સંઘ પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે યોગ્ય વિચારણા કરી રાજ્ય સરકારને પોતાનો અહેવાલ સુપ્રત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.