Abtak Media Google News

રાજકોટ ખાતે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મ દિવસ સમાજને નવતર રાહ દર્શાવી યાદગાર રીતે ઉજવાશે

જન્મદિવસ એટલે વ્યક્તિના લાગણી અને સંવેદનાને ઝંકૃત કરતો દિવસ. સંવેદનશીલ વ્યક્તિ સમાજ માટે આ દિવસે ખાસ પોતાની  સંવેદના અને લાગણીને મૂર્ત સ્વરૂપ આપી સમાજ માટે સીમાચિન્હ સ્વરૂપ માર્ગદર્શક રેખા કંડારે છે.

Advertisement

રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સંવેદનશીલ રીતે યોજનાઓના  ઘડતર અને અમલ માટે જાણીતા છે. આવતી તા.૨જી ઓગષ્ટે ૬૩માં જન્મદિવસની ઉજવણી દિવ્યાંગ અને જરૂરિયાતમંદ બાળકો તથા લોકોને મદદરૂપ થઇને તેઓની વચ્ચે ઉજવણી કરી સમાજ અને નાગરિકો માટે નવો રાહ દર્શાવી કરશે. આ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મ દિવસ ખાસ રીતે ઉજવવામાં આવશે, વિવિધ પ્રોગ્રામ પૈકી મુખ્યમંત્રી દિવ્યાંગ બાળકો સાથે ગોષ્ઠિ કરી ૬૩ મોં જન્મ દિવસ યાદગાર બનાવશે. જેમાં જિલ્લા વહિવટી તંત્ર અને સમાજ કલ્યાણ વિભાગ સહયોગી બનશે.

જેમાં મુખ્યમંત્રી કાલાવડ રોડ સ્થિત મેન્ટલી રીટાર્ડેડ સેન્ટર ખાતે પધારશે ત્યારે તેમનું દિવ્યાંગ બાળકોનું બેન્ડ સંગીતની સુરાવલી રેલાવી ભવ્ય સ્વાગત કરશે.  આ તકે ખાસ રાજય સરકારની વિશેષ યોજના હેઠળ કોકિલિયર ઇમ્પ્લાન્ટ કરાવેલા અને તદન બોલી કે સાંભળી ન શકતા બાળકો કે જે હાલમાં જ બોલતા થયેલા ૧૦ બાળકો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કહેશે ‘હેપી બર્થડે’.

મુખ્યમંત્રી વિજયભાઈ આ બાળકોને ચોકલેટ બોક્સ આપી તેમની લાગણી વ્યકત કરશે. એમ.આર. (મનોદિવ્યાંગ બહેનો) માટેની સંસ્થા રાજકોટ ખાતે સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર શરૂ કરવામાં આવી છે જેનું તેમજ અન્ય સમાજ સુરક્ષા ખાતા હેઠળમાં અમલમાં રહેલ વિવિધ યોજનોનું ડોક્યુમેન્ટરી નિદર્શન કરાશે.

૧૪ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વિચારોની પ્રેરણાથી અને રાજકોટ જિલ્લાના કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલા વાઉ પ્રોજેક્ટના હજારો લાભાર્થીઓની હ્રદયદ્રાવક આપવીતી તથા વાઉ પ્રોજેક્ટને કારણે તેમને મળેલી સહાયથી જીવનમાં આવેલા હકારાત્મક બદલાવનું નિરૂપણ કરતી દ્રષ્ટાંતરૂપ ૬૩  પરિવારોની એક પુસ્તિકા વાઉની વિજયગાથા પુસ્તિકાનું પણ એ દિવસે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. જેની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ રજૂ થશે. 

આ ઉપરાંત મુખ્યમંત્રી દિવ્યાંગ સહાય યોજના હેઠળ ૧૫૦ લાભાર્થીઓને કીટ જેમાં ટ્રાઇસિકલ, સિલાઈ મશીન, બ્યુટીપાર્લર કિટ, હાર્મોનિયમ સહિતના સાધનોનું વિતરણ કરાશે. લગ્ન સહાય યોજના હેઠળ લાભાર્થીઓને કુલ ૪,૭૦,૦૦૦ની રકમના સહાય ચેકોનું વિતરણ કરાશે. વિશિષ્ઠ જરૂરિયાત બાળકોના ગૃહના ૭૧૦ બાળકોને ‘માં અમૃતમ કાર્ડ’ તેમજ પાલક માતા-પિતા યોજના હેઠળના  બાળકોને માં અમૃતમ યોજના હેઠળ કાર્ડ વિતરણ કરાશે.  ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના ૫૦૫ બાળકોને સ્કૂલ બેગ અને પુસ્તક કિટનું વિતરણ કરાશે.

આમ કુલ ૨૫૫૫ લાભાર્થીઓને સહાય અપાશે. આમ મુખ્યમંત્રી જરૂરીયાતમંદ અને દિવ્યાંગ બાળકોને મદદરૂપ બની સમાજને નવો રાહ દર્શાવી પોતાનો ૬૩મો જન્મદિન યાદગાર બનાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.