Abtak Media Google News

કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સંચાર સાથી પોર્ટલ કર્યું લોન્ચ

ચોરી થયેલો અથવા ખોવાયેલો મોબાઈલ સરળતાથી ટ્રેક કરી શકાય તે માટે કેન્દ્ર સરકારે નવી સિસ્ટમ લોન્ચ કરી છે. સરકારે મોબાઈલ ટ્રેકિંગ સિસ્ટમ માટે સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર (સીઈઆઈઆર) લોન્ચ કર્યું છે. આ માહિતી ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા અપાઈ છે.

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, હવે ખોવાયેલો અથવા ચોરી થયેલો ફોન સરળતાથી શોધી શકાશે. આવા પ્રકારની છેતરપિંડીને રોકવા સરકારે નવું પોર્ટલ સંચાર સાથી લોન્ચ કર્યું છે. જો તમારો ફોન ખોવાઈ જાય, તો તુરંત આ વેબસાઈટ પર જઈને તમે ફરિયાદ નોંધાવી શકો છો. ત્યારબાદ તમારો ફોન બ્લોક થઈ જશે. ઉપરાંત જો ચોર તમારું સિમકાર્ડ કાઢી અન્ય સિમકાર્ડ નાખશે તો પણ તમારો ફોન બ્લોક થઈ જશે અને ચોર નવા સિમકાર્ડનો ઉપયોગ નહીં કરી શકે.

જે વ્યક્તિનો મોબાઈલ ખોવાઈ કે ચોરી થઈ ગયેલો છે, તે વ્યક્તિ સીઈઆઈઆર દ્વારા તેમનો સ્માર્ટફોન બ્લોક કરાવી શકે છે. મોબાઈલ બ્લોક કરાવ્યા બાદ સરકાર ફોનને ટ્રેક કરે છે અને તે મોબાઈલને શોધવાનો પ્રયાસ કરે છે. સ્માર્ટફોન યુઝર્સ સીઈઆઈઆર વેબસાઈટ અથવા કેવાયએમ (નો યોર મોબાઈલ) એપ દ્વારા ખોવાયેલો મોબાઈલ બ્લોક કરી શકે છે. જ્યારે મોબાઈલ પરત મળી જાય ત્યારે યુઝર્સ તેનો મોબાઈલ અનબ્લોક પણ કરી શકે છે.

મહારાષ્ટ્રના થાણેમાં પોલીસે 1.28 કરોડના 711 મોબાઈલ રિકવર કર્યા છે. આ મોબાઈલો ખોવાયેલા અથવા ચોરાયેલા હતા. પોલીસે રિકવર કરેલા તમામ મોબાઈલો તેના માલિકને સોંપી દીધા છે. પોલીસે સીઈઆઈઆર દ્વારા જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન મોબાઈલ રિકવર કર્યા હતા.

સીઈઆઈઆરની સત્તાવાર વેબસાઈટમાં જણાવ્યા મુજબ, આ સિસ્ટમ દ્વારા અત્યાર સુધીમાં 4,79,511 ફોન બ્લોક કરાયા છે, જ્યારે 2,43,404 ફોન ટ્રેક કરવામાં આવ્યા છે, જ્યારે 8,498 ફોન શોધી પણ કઢાયા છે.

સીઈઆઈઆર સિસ્ટમ દ્વારા અત્યાર સુધીમાં 4,79,511 ફોન બ્લોક અને 2,43,404 ફોન ટ્રેક કરાયા

ટેક્નોલોજીની અમલવારી પૂર્વે દેશના અમુક વિસ્તારો જેવા દિલ્લી, મુંબઈ, કર્ણાટક, ઉત્તર-પૂર્વી રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન સીઈઆઈઆરની સત્તાવાર વેબસાઈટમાં જણાવ્યા મુજબ આ સિસ્ટમ દ્વારા અત્યાર સુધીમાં 4,79,511 ફોન બ્લોક કરાયા છે, જ્યારે 2,43,404 ફોન ટ્રેક કરવામાં આવ્યા છે, જ્યારે 8,498 ફોન શોધી પણ કઢાયા છે.

આઈએમઈઆઈ નંબર બદલાવી નાખવામાં આવે તો પણ મોબાઈલ ટ્રેક કરી શકાશે : વી એમ રબારી (એસીપી – સાયબર ક્રાઇમ)

આ પોર્ટલ અંગે રાજકોટ સાયબર ક્રાઇમના એસીપી વી એમ રબારીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય ટેલિકોમ મંત્રાલય દ્વારા એક ખુબ સરસ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. જેનો પાયલોટ પ્રોજેક્ટ અલગ અલગ રિજનમાં હાથ ધરવામાં આવ્યો હતો. જ્યાં મોબાઈલ ટ્રેક કરીને પરત મેળવવામાં સફળતા મળી છે. જે બાદ હવે આ પોર્ટલને દેશભરમાં લોન્ચ કરી દેવામાં આવ્યું છે.

તેમણે કહ્યું હતું કે, સંચાર સાથી નામના  પોર્ટલ પર જઈને લોકો તેમના ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલની વિગતો, પોલીસ ફરિયાદ-અરજી અથવા ઈ-એફઆઈઆરની વિગતો નાખી રજીસ્ટ્રેશન કરી શકે છે. જે બાદ આ મોબાઈલણે ટ્રેક કરવામાં આવે છે. તેમણે વિશેષ જણાવ્યું હતું કે, ગઠિયાઓ મોબાઈલનો આઈએમઈઆઈ નંબર ટેક્નિકલ મદદ મેળવીને બદલી નાખતા હતા જેના લીધે મોબાઈલ ટ્રેક કરવાની પ્રક્રિયા અતિ જટિલ બની જતી હતી પણ હવે આ પોર્ટલ થકી આ પ્રકારના મોબાઈલ પણ સરળતાથી ટ્રેક અને બ્લોક કરી શકાશે. રાજકોટ પોલીસે લોકોને આ પોર્ટલનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ પણ કરી છે.

સંચાર સાથી પોર્ટલ થકી કેવી સવલતો મળશે?

  • મોબાઈલ ફોન ખોવાઈ જાય, ચોરાઈ જાય તો તેને કેવી રીતે બ્લોક, ટ્રેક અને ટ્રેસ કરવો તેની જાગૃતતા થકી ડેટા અને અંગત વિગતો સુરક્ષિત રાખવામાં મદદ મળશે, સિમ કાર્ડ સાથેનો ફોન પણ બ્લોક કરી શકશે.
  • નો યોર મોબાઈલ : ઉપભોક્તાને એ સુવિધા મળશે કે તેના નામે કેટલા સિમ કાર્ડ છે, કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. હવે તમે તેને જાણી શકો છો અને તેને બંધ કરી શકો છો.
  • આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ દ્વારા છેતરપિંડી પર અંકુશ આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.