Abtak Media Google News

રાજયમાં મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ.૮૦ને પાર લોકોનું બજેટ વેરવિખેર

અમેરિકન ડોલર સામે રૂપિયાનું સતત અવમુલ્યન ક્રુડના સતત વધતા ભાવોના કારણે દેશમાં પેટ્રોલ તથા ડીઝલના ભાવો આસમાને પહોંચી ગયા છે. આજે ગુજરાતના મોટાભાગના શહેરોમાં પેટ્રોલના ભાવ ૮૦ રૂપિયાને પાર થઈ ગયા હતા હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વચ્ચે બે રૂપિયાનો પણ તફાવત રહ્યો નથી.

Advertisement

છેલ્લા એક પખવાડીયાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ગત સોમવારે કોંગ્રેસ સહિત ૨૧ વિરોધપક્ષો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હોવા છતાં કેન્દ્ર સરકારના પેટનું પાણી પણ હલતું નથી. સતત ભાવ વધારાનો ડામ ચાલુ છે. આજે પણ પેટ્રોલ તથા ડીઝલની કિંમતોમાં વધારો થવા પામ્યો છે. રાજયમાં મોટાભાગના શહેરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો રૂ.૮૦ને પાર થઈ ગયો છે.

આજે રાજકોટમાં પેટ્રોલનો ભાવ રૂ.૮૦.૨૩ અને ડીઝલનો ભાવ રૂ.૭૮.૪૯ આંબી ગયો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં માત્ર રૂ.૧.૭૪નો તફાવત રહ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ રૂ.૮૦.૪૯ અને ડીઝલના ભાવ રૂ.૭૮.૭૩, વડોદરામાં પેટ્રોલના ભાવ રૂ.૮૦.૮૧ અને ડીઝલના ભાવ રૂ.૭૮.૪૫, સુરતમાં પેટ્રોલનો ભાવ રૂ.૮૦.૪૨ અને ડીઝલનો ભાવ રૂ.૭૮.૬૮, બોટાદમાં પેટ્રોલનો ભાવ રૂ.૮૧.૩૧ અને ડીઝલના ભાવ રૂ.૭૯.૫૫, જુનાગઢમાં પેટ્રોલના ભાવ રૂ.૮૦.૯૫ અને ડીઝલનો ભાવ રૂ.૭૯.૨૦, ગીર સોમનાથમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ રૂ.૮૧.૬૭ અને ડીઝલનો ભાવ રૂ.૭૯.૮૮ જયારે અંબાજીમાં પેટ્રોલનો ભાવ રૂ.૮૧.૦૧ અને ડીઝલના ભાવ રૂ.૭૯.૨૦ રહેવા પામ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.