રખડતું ભટકતું જીવન જીવતો ગાડલીયા લુહાર સમાજ વર્તમાન સદી અને સમયથી લાખો જોજન દૂર છે

ઐ જિંદગી ગલે લગાલે….

‘શિક્ષિત જ્ઞાતિઓએ શીખવું રહ્યું કે આ પછાત જ્ઞાતિમાં દહેજનું દૂષણ લેશમાત્ર નથી’

‘ફરતે ગાડે, ભમતે પૈડે, વગર દિવે વાળું ઉંઘા ખાટલે વગર સિંચણીયે પાણી’

રાણા પ્રતાપના વફાદારો સમયની સાથે તાલમેલ મેળવવામાં ‘પછાત’

આપણે એકવીસમી સદી તરફ ઉડાન ભરી રહ્યા છીએ ટેકનોલોજીની એક રોમાંચક સફરને માણી રહ્યા છીએ. પરંતુ આજે અહી જે વાત થઈ રહી છે તે સમાજ તેની રૂઢીગત વિચારધારા સાથે સદીઓથી ચાલી આવતી પરંપરાને વળગી રહ્યો હોય હજુ દશમી સદીમાં જીવી રહ્યો છે.

મોટાભાગે રખડતું ભટકતું જીવન જીવી રહેલી ગાડલીયા લુહાર જ્ઞાતિ વિચરતી અને વિમુકત જાતી છે. પછાત અને વંચિત વિસ્થાપિત સમાજ છે. જીંદગીની રફતાર દિશા વિહીન છે.

વિરપૂર (જલારામ) ખાતે હાઈવેનાં કાંઠે અને થોડીઘણી વસાહત વિરપૂરમાં છે. ગાડલીયા લુહાર તરીકે ઓળખાતી જ્ઞાતિનું મૂળ રાજસ્થાન છે.

ગાડલીયા લૂહાર જ્ઞાતિ મહારાણા પ્રતાપનું સૈન્યબળ ગણાતુ, આ જ્ઞાતિનાં પુરૂષો મુખ્યત્વે રાણા પ્રતાપનાં સૈન્યમા હતા યુધ્ધ માટે તલવાર, ભાલા, બરછી જેવા હથીયારો ઘડવાનું કામ કરતા, મોગલો સામેની લડાઈમાં મહારાણાની પીછેહટ થઈ વિપરીત સમયગાળામાં ગાડલીયા અને ભીલ જ્ઞાતિ ચિતોડ અને રાજસ્થાન છોડી અન્ય સ્થળોએ સ્થળાંતર કરી વિચરતું જીવન શરૂ કર્યું. કેટલાક પરીવારો ગુજરાતમાં આવીને વસ્યા જયારે સ્થળાંતર કર્યું ત્યારે ગાડામાં ઘર વખરી ભરી નિકળ્યા પણ ગાડુ તેમના જીવનનું એક અંગ બની ગયું કાળક્રમે ગાડાને લીધે ગાડલીયા અને લુહારી કામનાં હુન્નરને કારણે લુહાર કહેવાયા.

ગાડલીયા લુહાર જ્ઞાતિ અલગ અલગ જુથમાં રખડતું ભટકતું, જીવન જીવે છે. અલબત સમય બદલાતા કેટલાક ગામમાં વસાહતો સ્થપાઈ છે. વિરપૂર, મંડલીકપૂર, મોવિયા, ભેસાણ, રાજકોટ, ગઢડા, બોટાદ, મોટીમારડમાં આવી વસાહતો છે. સૌરાષ્ટ્રમાં ગાડલીયા લુહાર જ્ઞાતિનીની અંદાજે બારથી પંદર હજારની વસ્તી છે. ગુજરાતભરમાં આ જ્ઞાતિનાં સીતેરથી એંસીહજાર લોકોની વસ્તી છે. ગુજરાતભરમાં આ જ્ઞાતિનાં સીતેરથી એંસી હજાર લોકોની વસ્તી છે. વિરપૂરમાં પચાસથી સાઈઠ પરિવારોવસી રહ્યા છે.

ચિતોડ છોડી અજાણી ભોમકામાં પગરવ આપતી વખતે આ જ્ઞાતિનાં પૂર્વજોએ પાંચ પ્રતિજ્ઞા લીધી હતી.

‘ફરતે ગાડે ભમતે પૈડે, વગર દિવે વાળુ’

ઉંધા ખાટલે, અને વગર સિંચણીયે પાણી’

આ પ્રતિજ્ઞાને કારણે આ જ્ઞાતિ કસ્બામાં રહેવાને બદલે ભટકતા જીવન સાથે અલગ અલગ સ્થળોએ વિચરતી રહી સને ૧૯૫૫માં દેશનાં વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ જ્ઞાતિનાં વડવાઓનું માથે સાફા પહેરાવી સન્માન કર્યંુ અને જ્ઞાતિની ખમીરી તથા વફાદારીને બીરદાવી હતી. જવાહરલાલ નહેરૂનો પ્રયત્ન આ જ્ઞાતિને તેણે લીધેલી પાંચ પ્રતિજ્ઞામાંથી મૂકત કરવાનો હતો જેથી કરી આગામી પેઢી સ્થાપિત જીવન જીવી શકે. જે દાયકાઓ પછી હવે શકય બની રહ્યું છે.

ગાડલીયા લુહાર સમાજના પુરૂષો ભંગારમાંથીલઈ આવેલા પતરામાંથી ચુલા, રમકડા બનાવે અને મહિલાઓ શહેરોમાં જઈ તેનું વેચાણ કરે. આ તેમનો મુખ્ય વ્યવસાય, જ્ઞાતિનાં હિરાભાઈ ચૌહાણ કહે છે કે હાલ પ્લાસ્ટીક અને ફાયબરનો વપરાશ વધ્યો હોય પતરાની વસ્તુઓ માંડ વેચાય છે. જ્ઞાતિનાં કેટલાક યુવાનો રોજીરોટી માટે કારખાનાઓમાં મજુરીએ જાય છે.

ગાડલીયા લુહાર જ્ઞાતિમાં કલા ભરપૂર પડી છે. જીરો ટકા ભણતર હોવા છતાં કલા કારીગરીને કારણે અદભૂત કહી શકાય તેવા નકશીકામ સાથેનાં રજવાડી ઢોલીયા, પટારા, મંજૂક, ચબુતરો અને પિતળના પતરામાંથી કલાત્મક શૈલીના નકશીકામ દ્વારા દેશી ગાડાને મઢવાની કલા કારીગીરી અખૂટ ભરી પડી છે. હિરાભાઈ ચૌહાણ આ કલા શૈલીનાં માહિર કારીગર છે. તેમની કારીગરી જોઈને કોઈ આર્ટીટેક કે એન્જીનીયર ને પણ શરમાવું પડે, મહિલાઓ ઘરકામ સંભાળે છષ. હાથમાં હાથીદાતનાં હોય તેવા સફેદ બલોયા, ભરત ગુંથળ સાથેનોઘેરદાર ચણીયો, બ્લાઉઝ ચુંદડી મહિલાઓનો પહેરવેશ છે. મુખ્યત્વે ફળીયામાં ચુલા પર રસોઈ બને , જુવાર બાજરાનાં રોટલા અને શાક હતા માતિનો ખોરાક છે. દાળભાત કે મીઠાઈ સાથેના ભોજન કોઈ ખોરડે જોવાનાં મળે, જ્ઞાતિનો આગેવાન યુવાન દેવરાજ રાઠોડ કહે છે કે અમારી જ્ઞાતિએ દેશમૂકયો છે. પણ વેશ નથી મૂકયો, સદીઓ પુરાણી પરંપરાઓ આજે પણ અકબંધ છે.

આજે ઉચ્ચ જ્ઞાતિઓ પણ દહેજનાં દુષણથી મૂકત નથી અરમાનો ભરેલી અનેક ક્ધયાઓનાં જીવન દહેજને કારણે ધૂળધાણી બની રહ્યા છે. ત્યારે ખૂબી એ વાતની ગણાય કે અશિક્ષીત ગણાતી આ જ્ઞાતિમાં દહેજ પ્રથા નથી, કોઈપણ લેતીદેતીનાં વ્યવહાર વગર,દહેજવગર લગ્નો થાય છે. ઉચ્ચ જ્ઞાતિનાં ઠેકેદારોએ આ શિખવા જેવું છે.

સદીયોથી રખડતા ભટકતા જીવન સાથે જીવી રહેલી આ જ્ઞાતિને સમયની સાથે કદમ મિલાવવા પ્રયત્ન થઈ રહ્યા છે. જ્ઞાતિનો હોશીલો યુવાન દેવરાજ રાઠોડ આ પ્રયત્નો કરી રહ્યો છે. બીએ, એલએલબી, અને એમએસ ડબલ્યુનો અભ્યાસક્રમ કરનાર દેવરાજ શિક્ષણનો ગણ્યોગાંઠયો દાખલો ગણાય, કારણ કે આ જ્ઞાતિનાં પુરૂષો અને મહિલાઓ અશિક્ષીત છે. બાળકો પણ સ્કુલનું પગથીયું ચડતા નથી.

દેવરાજ રાઠોડ કહે છે કે, બચપનમાં અન્ય જ્ઞાતિનાં બાળકો ખંભે દફતર ભરાવી સ્કુલે જતા તે જોઈને મને પણ ભણવાની ઈચ્છા થઈ, બચપનથી જ આંખોમાં સ્વપ્નોને આંજીને જીવતા દેવરાજને ભણવા માટે તેના ફૈબા અને પરિવારે પ્રોત્સાહીત કર્યો અશિક્ષીત વંચીત સમાજનાં દેવરાજ રાઠોડ પાસે આજે શિક્ષણની ખુમારી છે. કલાસવન ઓફીસર બનવાની તેની તમન્ના છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને મિશાઈલબેન ડો. અબ્દુલ કલામને દેવરાજ તેની પ્રેરણા માને છે. દેવરાજ રાઠોડ તેના શિક્ષણ દ્વારા તેના પછાત અને વંચિત સમાજનું ઉત્થાન થાય અન્ય સમાજની હરોળમાં આવે તેવા પ્રયત્ન કરી રહ્યો છે.

આશ્ર્ચર્ય એ વાતનું કે ગાડલીયા લુહાર સમાજના લોકો પાસે નથી રેશનકાર્ડ, કે નથી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પણ ન હોવાથી કયારેય મતદાન પણ નથી કર્યું, જયાં કોઈ ઓળખ જ પ્રસ્થાપિત નથી થઈ ત્યાં સરકારી યોજનાઓનો લાભ પણ કઈ રીતે મળે?

દેવરાજ રાઠોડે આ દિશામાં પ્રયત્નો કર્યા અને બે પાંચ ટકા સફળતા મળી, ગોંડલના પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ સુધી ગાડલીયા લૂહાર જ્ઞાતિની સમસ્યાઓ પહોચતી કરી, પ્રાંત અધિકરી વિરપૂર દોડી ગયા, પરિવારો વચ્ચે ખાટલો ઢાળી દિલચસ્પીથી તેમની કથની જાણી, અચરજ થયું કે સદીઓથી આ સમાજ હજુ અંધકારમય જીવન જીવે છે ??

પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ દ્વારા આ વંચીતોનાં ઉત્થાન માટે સચ્યુત પ્રયાસો હાથ ધરાયા, ફલ સ્વરૂપે વિરપૂરમાં સીતેરથી એંસી ગાડલીયા લુહાર વ્યકિતઓનો રેશનકાર્ડ, આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ તૈયાર થયાં તેમના આવાસ માટેની દરખાસ્ત પણ વેગવંતી બની છે. કાચા પાકા ઝુપડા જેવા મકાનોમાં રહેતા લોકો વરસોની પીડાબાદ સુવિધા ભર્યા પાકા મકાનોમાં રહેશે.

દેવરાજ રાઠોડ કહે છેકે ‘પ્રાંત અધિકારી આલ જેવા સંવેદનશીલ અધિકારીઓની અમારા સમાજને હૂંફની જરૂર છે. જેથી કરીને આગામી પેઢીનું અંધકારમય જીવન ઉજજવળ બની રહે.

અહી એ નોંધવું પડે કે ભ્રષ્ટ અને રાજકીય હાથા બની ફરજ બજાવતા અધિકારીઓએ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલની કર્તવ્યનિષ્ઠામાંથી ધડો લેવો જોઈએ, દાયકાઓથી રઝળપાટ કરતી જીંદગીઓ માટે તેમણે એક આધાર સાથે સ્થાપીત જીવન જીવી શકાય તેવા પ્રયત્નો હાથ ધર્યા છે. દેવરાજ રાઠોડ માટે ગાડલીયા લુહાર સમાજનાં ઉત્થાન માટેના પ્રયાસો ખાસ્સા મુશ્કેલ છે. કારણ કે સદીયો જુની પરંપરાઓ, રૂઢીગત માન્યતાઓ અને માનશીકતા છોડવા આ સમાજ તૈયાર નથી, એકવીસમી સદી તેમના માટે ખુબ દૂરની વાત છે.

દેવરાજ રાઠોડ હરિવંશરાય બચ્ચનની કવિતાની પંકિત યાદ કરીને કહે છેકે ‘લહેરો સે ડરકર નૈયા પાર નહી હોતી, કોશિષ કરને વાલો કી કભી હાર નહી હોતી’, આ પંકિતઓ દેવરાજના જીવનનો ધ્યેય બની છે.

આપણા મહોલ્લા કે ગલીમાં બકડીયા તગારા રીપેર કરવાવાળો ઝભ્ભો ચોરણો અને માથે ફાળીયું વિટેલો પુરૂષ જોવા મળે તો ઓળખજો કે આ એ સમાજ છે જે આજે વર્તમાન સદી અને સમયથી વિખુટો અને વંચીત છે.