Abtak Media Google News

સત્તાવાર જાહેરાત બાકી: સી.આર. પાટીલે ફોર્મ ભરવા આદેશ આપી દીધાનું રટણ

ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણી માટે ભાજપ દ્વારા અલગ અલગ પાંચ યાદીઓમાં 18ર બેઠકો પૈકી 181 બેઠકો ઉમેદવારોના નામની ધોષણા કરી દેવામાં આવી હતી. દરમિયાન વડોદરાની માંજલપુર બેઠક ઉમેદવાર જાહેર કરવાના બાકી હતી. આ બેઠક પર વિજયભાઇ રૂપાણીની સરકારમાં મંત્રી રહેલા યોગેશભાઇ પટેલને રિપીટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ અંગે દિલ્હીથી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા તેઓને ફોન પર જ ઉમેદવારી ફોર્મ ભરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. આજે યોગેશભાઇ પટેલ નામાંકન પત્ર દાખલ કરશે.

Advertisement

સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ગત 10મી નવેમ્બરના રોજ ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ 160 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરાયા હતા. બીજી યાદીમાં 6 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. ત્રીજી યાદીમાં 1ર ઉમેદવારોના નામની ધોષણા કરવામાં આવી હતી. જયારે ચોથી યાદીમાં સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ બેઠક માટે જીજ્ઞાબેન પંડયાએ ચુંટણી લડવાની અનિચ્છા વ્યકત કરતા તેઓના સ્થાને જિલ્લા ભાજપ અઘ્યક્ષ જગદીશભાઇ મકવાણાને ટિકીટ આપવામાં આવી હતી. ગઇકાલે બપોરે વધુ ત્રણ નામો જાહેર  કરાયા હતા.  જેમાં ખેરાલુ માણસા અને ગરબાડા બેઠક માટે ઉમેદવાર ધોષીત કરાયા હતા. 182 બેઠકો પૈકી એક માત્ર વડોદરાની માંજલપુર બેઠક માટે ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યા ન હતા. આ બેઠક પર ભાજપે વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશભાઇ પટેલને ફરી ટિકીટ આપવામાં આવી છે.

દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં પૂર્વ મંત્રી યોગેશભાઇ પટેલે જણાવ્યું હતું કે માંજલપુર બેઠક પરથી ભાજપ હાઇકમાન્ડ દ્વારા ફરી મને ટિકીટ આપવામાં આવી હોવાની જાણ મને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ફોન કોલ પર કરી દેવામાં આવી છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય હું આજે ફોર્મ  ભરીશ. મારી સામે માંજલપુર બેઠક પર કોઇ વિરોધ ન હતો કે કોઇ આગેવાનને મને ફરી ટિકીટ આપવામાં આવે તેની સામે વાંધો પણ ન હતો જેને ઘ્યાનમાં રાખી પક્ષે મને ફરી ટિકીટ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.