Abtak Media Google News

ગિફ્ટ ખાલી ભારત જ નહીં વિશ્વ આખાને ’ભેટ’ દેવા સજ્જ બનવાનું છે. ગિફ્ટ સિટીને જમીનથી જોડાયેલ ટાપુ બનાવાશે એટલે કે ભલે આવ્યું ગાંધીનગરની નજીક પણ તેના વિશેષ કાયદા હશે, ખાસ વ્યવસ્થા હશે. આમ વિશ્વના નકશા ઉપર ગિફ્ટને ચમકાવવા માટે સરકાર તનતોડ પ્રયાસો કરી રહી છે.

એક સમય હતો જ્યારે ભારત વિશ્વના હોંગકોંગ, સિંગાપોર અને દુબઇ જેવા ફાઇનાન્સિયલ સિટીને જોઈને બસ સ્વપ્ન જ જોતું હતું. પણ હવે એવો સમય આવ્યો છે કે આ સ્વપ્ન સાકાર થઈ ગયું છે. ગુજરાતમાં નિર્માણ પામેલા ગિફ્ટ સિટીએ અત્યારથી જ વિશ્વની જાયન્ટ કંપનીઓને ઘેલું લગાડ્યું છે. આ ઉપરાંત અત્યારથી જ ગિફ્ટ સિટીએ અનેક નવા વિક્રમો સર્જવાનું શરૂ કરી દીધું છે.

ગિફ્ટ સિટીને જમીનથી જોડાયેલ ટાપુ બનાવાશે એટલે કે ભલે આવ્યું ગાંધીનગરની નજીક પણ તેના વિશેષ કાયદા હશે, ખાસ વ્યવસ્થા હશે

સિંગાપોર, હોંગકોંગ અને દુબઇ જેવા ફાઇનાન્સિયલ સિટીને ગિફ્ટ ટક્કર મારશે : માત્ર દારૂથી ગિફ્ટને ડેવલપ કરવાની વાત નથી, પણ વિશ્વના નકશામાં ચમકાવવા માટે ગિફ્ટને વિશેષ સિટી બનાવવા સરકારની કવાયત

તાજેતરમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ જાહેર કરવામાં આવી હતી. ત્યારે સોશિયલ મીડિયા ઉપર ગિફ્ટ સિટીને લઈને વિવિધ પ્રકારની કોમેન્ટ પાસ થતી હતી. વાસ્તવિકતા તો એ હતી કે ગિફ્ટ સિટીમાં જે કામ કરતા હોય તેઓને પરમીટને આધારે દારૂની છૂટ મળવાની હતી. ઉપરાંત બહારથી જે ઓથોરાઈઝડ મુલાકાતીઓ આવે છે તેઓને ટેમ્પરરી પરમીટ કાઢી આપીને દારૂની છૂટ આપવામાં આવી છે.

જો કે આ પરમીટધારકને પણ નિયત રેસ્ટોરન્ટ કે હોટેલના કર્મચારીની હાજરીમાં જ દારૂનું સેવન કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. ત્યાથી દારૂ ટેક અવે કરવાની છૂટ આપવામા આવી નથી. હવે ગુજરાતની વાસ્તવિકતા જોઈએ તો અત્યારે આખા રાજ્યમાં દારૂની પરમીટ નીકળે છે. ડોકટરના અભિપ્રાયને આધારે નીકળતી પરમીટ બાદ નિયત વાઇન શોપમાંથી ઘરે દારૂ લઈ પણ જવા દેવાની છૂટ આપવામાં આવે છે. તો ખરેખર દારૂબંધી હળવી ગિફ્ટ સિટીમાં છે કે બાકીમાં વિસ્તારમાં ?

વધુમાં જેમ કોઈ એરિયા સ્પેશિયલ ઇકોનોમીક ઝોન હોય તેમ ગિફ્ટ સિટી તો આખું વિશેષ શહેર છે. તેના માટે અલગ કાયદા અલગ નિયમ અને અલગ વ્યવસ્થાની જરૂર છે. સરકાર દ્વારા ગિફ્ટ સિટીને ડેવલપ કરવાનું જે પગલું છે જે ખૂબ મોટું છે. બીજી આ સિટીમાં અનેક છૂટછાટ આપવી પડે તેમ છે કારણકે વિદેશી કંપનીઓ જે અહીં હજારો કરોડોનું રોકાણ કરવા આવે છે તેઓને અહીં કાયદાના બંધનમાં રાખવામાં આવશે તો અહીંનો વિકાસ કેવી રીતે શક્ય બનશે.

15 વર્ષ પહેલા ગિફ્ટએ માત્ર કલ્પના જેવું લાગતું હતું.  જો કે, ગિફ્ટ સિટી અત્યારે જ્યાં છે તે જોતાં, એવું લાગે છે કે ભારતે કલ્પનાને હકીકત બનાવી દીધી છે. હજુ  કેટલાક વધુ સુધારાઓ અને પ્રયત્નો સાથે, ગિફ્ટને ખરેખર હજુ ઊંચા સ્તર પર લઈ જઈ શકાય છે, અને કદાચ તેની સફળતા અન્ય શહેરો માટે એક નમૂનો હશે.

ગિફ્ટના રહેવાસીઓને અલગ ઓળખ આપવી જોઈએ

ગિફ્ટ શહેરના રહેવાસીઓ પાસે અલગ આઇડી હોવા જોઈએ. દારૂની પરમિટ માત્ર ગિફ્ટ સિટીના રહેવાસીઓ માટે જ છે તે જોતાં સરકારે આ અલાયદા આઇડી કાર્ડ માટે કંઈક તો વિચાર્યું જ હશે. ગિફ્ટ રેસીડેન્સી ધરાવનારાઓ અન્ય લાભો પણ મેળવશે. વિવિધ કર કાયદા માત્ર ગિફ્ટમાં રહેલી કંપનીઓને જ નહીં, પણ ત્યાં રહેતા લોકોને પણ લાગુ પડી શકે છે.  આ લોકોને ત્યાં જવા માટે પ્રોત્સાહિત કરશે.  દાખલા તરીકે, ગિફ્ટના રહેવાસીઓને એનઆરઆઈ પ્રકાર, અથવા મોડીફાઇડ એનઆરઆઈ પણ જાહેર કરી શકાય છે.

ગિફ્ટ સિટીને બિઝનેસ અને ટેક્સના હળવા નિયમો સાથે અલગ કોર્ટની જરૂર પડશે

ગિફ્ટ સિટીને બિઝનેસ અને ટેક્સના અલગ કાયદા સાથે અલગ કોર્ટની જરૂર પડશે. આવુ કરવા માટે  સરકારે રાષ્ટ્રીય સ્તરેથી નિયમોને લઈને અનેક નિર્ણયો લેવા પડે તેમ છે કારણકે વિદેશી કંપનીઓ અહીં આવી કાયદાની ગુંચવણમાં ફસાય તે સ્વાભાવિક ગિફ્ટ સિટીને નડતરરૂપ બનશે. આમ ટૂંકમાં કાયદાકીય પ્રક્રિયા જેટલી સરળ હશે ગિફ્ટ સિટી તેટલું જ ગ્લોબલી બનશે.

માત્ર પૈસા કમાવવા માટે જ નહીં, રહેવા માટે પણ ગિફ્ટ સિટી વૈભવી હશે

ગિફ્ટને એવું સ્થળ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે કે જ્યાં માત્ર પૈસા કમાવવાના પ્રોત્સાહનની જ વાત નથી  તે રહેવા માટે પણ એક વૈભવી સ્થળ છે.  ઉદ્યાનો, રનિંગ ટ્રેક, સાયકલિંગ ટ્રેક, રમતગમતના વિસ્તારો, પર્ફોર્મિંગ આર્ટની જગ્યાઓ, બાળકોની પ્રવૃત્તિઓ, વરિષ્ઠ નાગરિકોની પ્રવૃત્તિઓ આ બધું એક નવા શહેરને ખરેખર જીવંત બનાવી શકે છે અને ત્યાં રહેવાનો એક ઉત્તમ અનુભવ બની શકે છે.  સ્વચ્છ શેરીઓ અને પાણીની સુવિધાઓ, ટેક્સ પ્રોત્સાહનોથી ગિફ્ટ સિટી ખરેખર ચમકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.