Abtak Media Google News

જામનગર મહાનગર પાલિકાના અંઘેર તંત્રનો વધુ એક નમૂનો પ્રકાશમાં આવ્યો છે. રણજીતસાગર રોડ પર મહાનગર પાલિકા દ્વારા નિર્મિત આવાસ યોજનાની ઈમારત ખાનગી માલિકીની જમીન પર બનાવી દેવામાં આવતાં જમીન માલિકે રજુઆત કરતાં મહાનગરપાલિકા તંત્ર વિમાસણમાં મુકાઈ ગયું છે.

Advertisement

આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે મહાનગર પાલિકાને આવાસ યોજનાના નિર્માણ માટે રણજીતસાગર રોડ પર રાજ્ય સરકારે જમીન ફાળવી હતી. આ જમીન રાજ્ય સરકારને અર્બનલેન્ડ સીલીંગ એક્ટ હેઠળ પ્રાપ્ત થઈ હતી.

પરંતુ યુએલસની જમીન મેળવતી વખતે સરકારી વિભાગના સ્ટાફે લાઈન દોરી કરી નકશા તૈયાર કરતા તેમાં ગંભીર બેદરકારી અને ભૂલના કારણે ખાનગી જમીન માલિકની જમીનનો થોડો ભાગ ૫ણ દર્શાવાઈ ગયો અને મહાનગરપાલિકાના અધિકારીના જણાવ્યા પ્રમાણે અમે તો તે નકશા અને આર્કિટેકના માર્ગદર્શન પ્રમાણે આવાસ યોજનાની ચાર બહુમાળી ઈમારતો બનાવી નાખી છે.

મહાનગર પાલિકાના સીટી એન્જીનીયર શૈલેષભાઈ જોષીએ ’નોબત’ સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે માત્ર ખાનગી માલીકીનો ૧૫ ચો.મી. જેટલો ભાગ આવાસ નિર્માણમાં આવી ગયો છે. અને આ જમીન કંડોરીયા અટકધારી આસામીની છે.

મહાનગર પાલિકા તંત્ર દ્વારા આ આસામી સાથે વાટાઘાટ કરી વળતર કે એટલી વૈકલ્પિક જમીન આપી સમાધાન કરી લેવામાં આવશે. કારણકે ચાર બિલ્ડીંગમાંથી એક બિલ્ડીંગના ભાગનું ચણતર આ ૧૫ ચો.મી. જગ્યામાં થતું હોય તે બિલ્ડીંગમાં ભાંગતોળ કરવી યોગ્ય નથી!

આમ સરકારી તંત્રની ઘોર બેદરકારી અને મહાનગરપાલિકાની પણ ચોક્કસાઈ કરવામાં બેપરવાહી ભરી કામગીરી પ્રકાશમાં આવી છે. આખું કોળું શાકમાં જતા રહી ગયું એટલું વળી સારૃં થયું?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.