Abtak Media Google News

કોરોનાને જૂન સુધીમાં ‘નાથવા’ને લઇ સરકારને ‘અસમંજસ’!

લોકોની માનસિક સ્થિતિ સમજવી મોટા પડકાર સમાન  : લોકડાઉન-૩માં બેદરકારી દાખવાશે તો મહિનાના અંત સુધીમાં ૮ લાખ કેસની દહેશત

કોરોનાની મહામારીને નાબુદ કરવા લોકડાઉન-૩ અગત્યનો ભાગ ભજવશે. જૂન મહિના પહેલા કોરોનાને નાથવા માટે સરકાર માટે લોકડાઉન-૩ વધુ અગત્યનું રહેશે. અલબત માત્ર કડક પગલા જ નહીં પરંતુ છુટછાટ આપવામાં પણ સરકારને સંતુલન જાળવવાનું રહેશે. એક રીતે કોરોનાને નાથવા સરકારને ‘નટ ચાલ’નો સહારો લેવો પડે તેવું જણાય રહ્યું છે. લોકડાઉન-૩માં સ્થળાંતરીત શ્રમિકો, શરતી છુટછાટ, અર્થતંત્ર સહિતના મુદ્દા સરકાર માટે પડકાર છે. એક તરફ લોકોના આરોગ્યને જાળવવાનું છે અને બીજી તરફ અર્થતંત્ર પડી ભાંગે નહીં તે પણ જોવાનું છે.

Advertisement

કોરોના વાયરસે વિશ્ર્વના વિકસીત દેશોને હંફાવી દીધા છે.  અમેરિકા, બ્રિટન, જાપાન, ઈટાલી અને સ્પેન સહિતના વિકસીત દેશોના જનજીવન અને અર્થતંત્ર પર કોરોના વાયરસે ઘેરી અસર પહોંચાડી છે. આ દેશોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ વધ્યા બાદ લોકડાઉન જાહેર થયા હતા. જો કે ભારતમાં કોરોના વાયરસ મુદ્દે આગોતરી તૈયારી કરવામાં આવી હતી. એરપોર્ટ પર થર્મલ સ્કેનર મુકાયા હતા. કોરોનાગ્રસ્ત દેશમાંથી આવતા યાત્રીકોને ૧૫ દિવસ માટે કવોરન્ટાઈન કરાયા હતા. આ તમામ તકેદારીઓ રાખી હોવા છતાં ભારતમાં કેસ ૪૦,૦૦૦ના આંકને આંબી ગયા છે. પરંતુ આ આંકડો લાખોમાં આંબી જાય તેવી પણ દહેશત હતી. અન્ય દેશોની સરખામણીએ ભારતમાં મેડિકલ સંશાધનો સીમીત છે. જેની સામે સરકારે લીધેલા પગલા મહત્વનો ભાગ ભજવે છે.

લાંબા સમયથી લોકડાઉનના કારણે ભારતનું અર્થતંત્ર ધીમી ગતિએ શ્ર્વાસ લઈ રહ્યું છે. દેશમાં વર્તમાન સમયે ૨૦ લાખ શ્રમિકો સરકારના માથાનો દુ:ખાવો બની ગયા છે. અત્યાર સુધી આ શ્રમિકોને યેનકેન પ્રકારે રોકવામાં સરકારને સફળતા મળી હતી. પરંતુ હવે માનસીક રીતે ધીરજ ખુટી જતા શ્રમિકો પોતાના વતન જવા તલપાપડ છે. ગુજરાત સહિતના રાજ્યોમાં ઠેર-ઠેર શ્રમિકોના ટોળા ઉમટી પડે છે અને પોતાના વતન પરત પહોંચાડવામાં આવે તેવી માંગણી કરી રહ્યાં છે. સ્થળાંતરીતોનો પ્રશ્ર્ન ઉકેલવો સરકાર માટે સરળ નથી. કેટલીક વ્યવસ્થાઓ ગોઠવાઈ છે. પરંતુ તે પુરતી નથી, જો એકદમ છુટછાટ આપી દેવાય તો કોરોનાના કેસ ફાટી નીકળે અને કાબુ બહાર જતા રહે તેવી દહેશત છે. માટે સરકાર માટે એક તરફ કુવા તો બીજી તરફ ખાઈનો પ્રશ્ર્ન ઉભો થયો છે.

વર્તમાન સમયે દેશમાં મોટાભાગના કેસ મહાનગરોમાંથી આવી રહ્યાં છે. મહાનગરોમાં લોકડાઉનની સજ્જડ અમલવારી થઈ રહી છે. જો કે, ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગો શરૂ  કરવા સહિતની ગતિવિધિ માટે મોટા પ્રમાણમાં છુટછાટ અપાઈ છે. સરકારે લોકડાઉનથી જૂનના અંત સુધીમાં કોરોનાને કાબુમાં રાખવા મોટાભાગની સફળતા મેળવી છે. રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોન થયા હોય અને ત્યારબાદ ગ્રીન ઝોનમાં પરિવર્તીત થયા હોય તેવું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત રિકવરીનો રેસીયો પણ અન્ય દેશોની સરખામણીએ ટોચે પહોંચ્યો છે. વર્તમાન સમયે દર ૧૦૦ દર્દીમાંથી ૨૫થી વધુ દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફરે છે.

તાજેતરમાં આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે, દેશમાં કોરોનાના કેસને સ્થિર કરવામાં સફળતા મળી છે. તેની સામે રિકવરી રેટ પણ વધ્યો છે. અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા છે. પરિણામે લાંબા ગાળે કોરોના સામે જીત મળશે તેવું તેમના નિવેદનમાંથી ફલીત થઈ રહ્યું હતું. મળેલા આંકડા મુજબ છેલ્લા પાંચ દિવસથી કોરોનાનો ડબલીંગ રેટ ૧૨નો છે. દર ૧૨ દિવસે કોરોનાના કેસ ૨ ગણા થશે તેવી શકયતા છે. અત્યાર સુધીમાં ૧૦ લાખ ટેસ્ટ થઈ ચૂકયા છે અને દરરોજ ૭૪૦૦૦ ટેસ્ટ કરવાની ક્ષમતા ભારે હાંસલ કરી છે. અન્ય દેશોની સરખામણીમાં ભારત વધુ સારા પગલા લઈ રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે, રેડઝોનમાંથી અત્યારે વધુને વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. ૩૧મી મે સુધી જો લોકડાઉનની કડક અમલવારી કરવામાં આવશે તો ભારતને કોરોનાથી રક્ષણ મળી જશે, નહીંતર સપ્ટેમ્બર મહિના સુધી ભારત આરોગ્ય અને આર્થિક ક્ષેત્રે કોરોનાની મહામારીનું ભોગ બનતું રહેશે. હજારો લોકોના જીવ જોખમમાં મુકાઈ જશે. આ મુદ્દે તાજેતરમાં વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ સરકારનું ધ્યાન ખેંચવામાં આવ્યું હતું. જો યોગ્ય સમયે લોકડાઉનની યોગ્ય અમલવારી થશે અને આર્થિક ક્ષેત્રે પગલા લેવાશે તો ભારતની મહેનત રંગ લાવશે. હાલ શું ખુલ્લુ રાખવું અને શું બંધ રાખવું તેની પળોજણ પણ માથાનો દુ:ખાવો બની ચૂકી છે. લોકો રોજગારી કમાવવા માટે તલપાપડ છે અને ઉદ્યોગ ધંધા અને નાની દુકાનો લાંબા સમયથી બંધ હોવાથી વેપારીઓની ધિરજ ખુટી રહી છે. આવા સમયે કોરોનાને નાથવા લદાયેલા લોકડાઉનને વધુ કડકથી અમલ કરાવવું પણ જરૂ રી છે.

ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો આંક વધી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૭૪ કોરોનાના નવા કેસ નોંધાયા હતા જયારે એક દિવસમાં મોતનો આંક ૨૮ હતો જયારે અમદાવાદમાં જ ૨૩ના મોત થયા હતા રાજયમાં એકંદરે ૫૪૨૮ કોરોનાગ્રસ્ત છે. અને ૨૯૦ના મોત થયા છે.તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતુ.

રાજયમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧ હજારનો આંક વટાવી ૧૦૪૨ થઈ છે. અમદાવાદમાં ૨૭૪ નવા કેસ નોંધાયા છે. જયારે વડોદરા અને સુરતમાં ૨૫-૨૫ કેસ નોંધાયા છે. મહેસાણામાં ૨૧ નોંધાયા છે. રાજયમાં કોરોનાની સૌથી વધારે ખરાબ અસર અમદાવાદને થઈ છે. અમદાવાદમાં ૩૮૧૭ કેસ છે. જયારે સુરતમાં ૬૮૬ અને વડોદરામાં ૩૫૦ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૮ના મોત થયા છે. જેમાં અમદાવાદ ૨૩, સુરતમાં ૨ અને વડોદરા, આણંદ અને ગાંધીનગરમાં એક એકના મોત થયા છે.

રાજયનાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતુકે જે ૨૮ના મોત થયા છે.તેમાં ૨૪ વ્યકિતનો ફેફસાની બિમારી, અસ્થમા, ડાયાબીટીસ, કીડની વગેરે રોગથી પીડાતા હતા આજ સુધીમાં અમદાવાદમાં કોરોનાથી ૨૦૮ લોકોના મોત થયા છે. રાજયમાં કોરોનામાંથી સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. રવિવાર સુધીમાં સાજા થયેલાઓની સંખ્યા ૧૦૪૨ થઈ છે જેમાં રવિવારે ૧૪૩ દર્દી સાજા થતા ઘરે જવા દેવાયા હતા રવિવારે અમદાવાદમાં ૭૧ અને સુરતમાં ૫૭ વ્યકિત સજા થયા હતા રાજયનાં અન્ય આઠ જિલ્લામાં પણ કોરોનામાંથી સાજા થઈ રહેલાની સંખ્યા વધી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ કેસ નવા નોંધાયા છે. એ સાથે આ જિલ્લો ૩૧મો કોરોનાગ્રસ્ત જિલ્લો બન્યો છે. મહાસાગર ૧૦, ગાંધીનગર ૩, પાટણ ૧, બનાસકાંઠા ૭, બોટાદ ૩, દાહોદ ૧, અને અરવલ્લી જિલ્લામાં ૧ કેસ નવા નોંધાયા છે. રાજયમાં હાલ ૪૦૯૬ કેસ કોરોનાના છે જેમાં ૩૧ વ્યકિતને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. રાજયમાં અત્યાર સુધીમાં ૮૦૦૬૦ નમુના તપાસવામાં આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ૫૯૪૪ નમુના તપાસવામાં આવ્યા હતા.

  • તબક્કાવાર લોકડાઉન પાછળની રણનીતિ શું?

સરકારે લોકડાઉનની જાહેરાત ત્રણ તબક્કામાં કરી છે. એકંદરે લોકડાઉન ૫૦ દિવસથી વધુનું રહેશે.  જો સરકારે અગાઉથી જ એક સાથે બે મહિનાના લોકડાઉનની જાહેરાત કરી હોત તો અફરા-તફરીનો માહોલ સર્જાય જાય તેવી દહેશત હતી. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં ગયેલા શ્રમિકો, મુસાફરો અને વિદ્યાર્થીઓ સહિતના પણ એકાએક ચિંતામાં મુકાઈ ગયા હોત તેવું પણ માનવામાં આવ્યું હતું. અનેક લોકોનો આત્મવિશ્ર્વાસને પણ લોકડાઉનથી અસર પડે તેવી ધારણા હતી. આવા સંજોગોમાં સરકારે તબક્કાવાર લોકડાઉનનો નિર્ણય લીધો હતો. પહેલા ૨૧, ત્યારબાદ ૧૯ અને હવે ૧૫ દિવસના લોકડાઉનની અમલવારી કરાવવામાં આવી રહી છે. આવા સંજોગોમાં જો એકસાથે લોકડાઉન થઈ જાય તો મુશ્કેલી સર્જાય તે વાત સરકારે ધ્યાને લીધી છે. ઉપરાંત વર્તમાન સમયે જે રીતે શ્રમિકોનો પ્રશ્ર્ન નડી રહ્યો છે તે પ્રશ્ર્ન વધુ ગંભીર બન્યો હોત તેવું પણ મનાય છે.

  • લોકડાઉને કોરોના સામે આરોગ્ય વ્યવસ્થા મજબૂત બનાવવાની તક આપી : ડબલ્યુએચઓ

મહામારીને રોકવા ભારતે તબક્કાવાર ત્રણ લોકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉન દરમિયાન એક તરફ કોરોનાના કેસ કાબુમાં લેવાના પ્રયાસો થયા છે. બીજી તરફ આગામી સમયમાં કોરોનાનો જે તબક્કો શરૂ  થવાનો છે તેની સામે આરોગ્ય વ્યવસ્થા પણ મજબૂત કરાઈ છે. કોરોના વાયરસની પેટર્ન તોડવા લાદવામાં આવેલા લોકડાઉનથી આરોગ્ય વ્યવસ્થા મજબૂત થશે તેવો દાવો વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ કર્યો છે. ભારત જેવા વિશાળ વસ્તીવાળા દેશમાં લોકડાઉન રાખવું મુશ્કેલ છે. બીજી તરફ મેડિકલ ક્ષેત્રમાં પણ ભારતમાં અનેક ઉણપ હોવાથી એકાએક ટેસ્ટ કરવા અશક્ય હતા. જેથી લોકડાઉને વધુને વધુ ટેસ્ટ કરવાની તક આપી હતી. આર્થિક વ્યવસ્થાને પાટે ચઢાવવા ધીમી ગતિએ ઉદ્યોગો શરૂ  કરાયા છે. આગામી સમયે કોરોનાને નાથવાની સાથે સાથે ફરીથી અર્થ વ્યવસ્થા સદ્ધર બને તેવા પગલા કેન્દ્ર સરકારે લીધા છે.

  • રાજ્યના છ મહાનગરોમાં છૂટછાટ કેમ નહીં?

લોકડાઉન-૩નો પ્રારંભ થઈ ચૂકયો છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા સહિતના છ મહાનગરોમાં સરકારે છુટછાટ ન આપવાની જાહેરાત કરી છે. સામાન્ય રીતે સરકારે રેડ, ઓરેન્જ અને ગ્રીન એમ ત્રણ ઝોન જાહેર કર્યા છે. રેડ ઝોનમાં કોઈપણ છુટછાટ રહેશે નહીં. ઓરેન્જમાં થોડી છુટછાટ અપાશે અને ગ્રીનમાં શરતી છુટછાટ રહેશે. અલબત રાજકોટ જેવા કેટલાક શહેરો એવા છે જે ઓરેન્જ ઝોનમાં હોવા છતાં કોઈપણ છુટછાટ આપવામાં આવી નથી. સમગ્ર નિર્ણય લેવાની જવાબદારી જે તે શહેર કે જિલ્લાના કલેકટરને સોંપાઈ છે. કલેકટર તે સ્થળની સ્થિતિનું આંકલન કરીને છુટછાટ આપવી કે નહીં તે નિશ્ર્ચિત કરશે. અગાઉ કેટલાક વિસ્તારોને કેન્દ્ર સરકારે ઓરેન્જ અને ગ્રીન જાહેર કરી છુટછાટ આપવાની મંજૂરી આપી હતી. અલબત જે તે વિસ્તારમાં સ્થાનિકોની ગતિવિધિ અને તેમની આદતો મુજબ છુટછાટ આપવામાં આવશે. સરકારે અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગરને રેડ ઝોનમાં મુક્યા છે. રાજકોટને ઓરેન્જ ઝોનમાં મુક્યું છે. આ ઉપરાંત બોટાદ, બોપલ, ખંભાત, બારેજા, ગોધરા અને ઉમરેટ સહિતના સ્થળોને રેડ ઝોનમાં મુકવામાં આવ્યા છે. વર્તમાન સમયે અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા નગરો કુલ ૫૦૫૪ કેસમાંથી ૪૫૦૦ કેસ મહાનગરોમાં નોંધાયા છે. ૯૦ ટકા કેસ મહાનગરોમાંથી હોવાથી વિવિધ છુટછાટો આપવાનો સરકારે ઈન્કાર કર્યો છે.

  • ચાલુ મહિનાના અંત સુધીમાં ૧ લાખ કેસની ધારણા

લોકડાઉનની અમલવારી છતાં દેશમાં ધીમીગતિએ કોરોના વધી રહ્યો છે. અલબત વર્તમાન સમયે કોરોનાની ઝડપ સરકારના કાબુમાં છે. લોકડાઉનના કારણે વર્તમાન સમયે કોરોનાના માત્ર ૪૦,૦૦૦ કેસ છે. જે મહિનાના અંત સુધીમાં ૧ લાખ સુધી પહોંચી જશે. જો લોકડાઉનની અમલવારી કરવામાં ન આવી હોત અને લોકડાઉનમાં બેખૌફ લોકોને મરજી મુજબ ફરવા દીધા હોત તો આ આંકડો ૮ લાખ કેસથી વધી જાત તેવી દહેશત હતી. અલબત વર્તમાન સમયે સરકાર દ્વારા થઈ રહેલી કામગીરી નોંધપાત્ર સારી રહી છે. કોરોનાના કેસ શરૂ  થયા ત્યારથી લદાયેલા લોકડાઉનનો નિયમ અત્યારે મહત્વના પરિણામ આપી રહ્યો છે. જો લોકડાઉન લાદવામાં ન આવ્યું હોત તો દેશમાં ૮ લાખ કેસ નોંધાયા હોત. અલબત લોકડાઉનના કારણે અત્યારે ૪૦ હજાર કેસ નોંધાયા છે અને મે મહિનાનો અંત થશે ત્યાં સુધીમાં આ કેસ ૧ લાખ જેટલા થઈ જશે. સંખ્યા મોટી દેખાય છે પરંતુ અન્ય વિકસીત દેશોમાં કોરોનાએ મચાવેલી તબાહી સામે આ સંખ્યા નાની છે અને જેમ જેમ આરોગ્યના સુધારા થશે તેમ તેમ તિવ્રતા પણ ઓછી થશે.

  • તીવ્રતા સ્થિર કરી દરરોજ એક લાખના ટેસ્ટીંગની તૈયારી

V 1 3

રાષ્ટ્રવ્યાપની ધોરણે કોરોના સામે ચાલી રહેલી બચાવ કામગીરીઅને સોમવારથી ઘણી છૂટછાટ સાથે શરૂ  થનારા ત્રીજા તબકકાના લોકડાઉન દરમિયાન સરકાર દરરોજના ઓછામાં ઓછા એક લાખ ટેસ્ટીંગ માટે કમરકસી રહી છે. મે મહિનાના અંત સુધીમાં આરટીપીસીઆર ટેસ્ટીંગનું દરરોજનું એક લાખનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. નવી રેપીડટેસ્ટકીટના પુરવઠો મોકલવાનાં મતલબ એ થયો કે સરકાર તેના ઉપયોગ માટે સજજ છે. રેડઝોનની સાથે સાથે સંક્રમણનો ઓછો અને ધીમોદર ધરાવતા વિસ્તારમાં પણ ટેસ્ટીંગકીટના ઉપયોગથી કોરોનાના રોગચાળાનો સાચો તાગ મેળવવામાં આવશે. ચીનથી મંગાવેલી કીટ યોગ્ય કામગીરીમાં નાપાસ થયા બાદ આ કામગીરીને ઝડપથી પાટે ચડાવવામાં આવી રહી છે. આઈસીએમઆરઆઈએ ચીનની કીટમાં ક્ષતિઓ શોધી કાઢી હતી અને તે અલગ અલગ પરિણામો આપતી હોવાનું ધ્યાને આવતા ચાયનીઝ કીટને નાપાસ કરવામાં આવી હતી. સરકાર દ્વારા દસેક લાખ આરટીપીસીઆર કીટ બંને સ્થા.ઉત્પાદકો અને વધારાના સ્ત્રોત પાસેથી પણ કીટો મેળવવામાં આવશે. સાઉથ કોરીયન કંપની પાસેથી આવતા અઠવાડીયા સુધીમાં ૩ લાખકીટ ખરીદવામાં આવશે. ટેસ્ટીંગનું કામગીરી આગામી દિવસોમાં ઝડપી બનાવવામાં આવશે. ફૂટપ્રીન્ટ અને ટેસ્ટીંગનો દર અને તેની ક્ષમતા વધારીને રોજના એકલાખ દર્દીઓની તપાસનું લક્ષ્ય ૩૧મી મે સુધીમાં પ્રાપ્ત કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. અને આગામી ૪ થી ૬ અઠવાડીયામાં ૫ લાખથી વધુ ટેસ્ટીંગનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

  • અર્થ વ્યવસ્થા ડગમગે નહીં તે માટે આરબીઆઇની વ્યૂહરચના

V 2 2

અર્થ વ્યવસ્થા ડગમગે નહી તે માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યૂહ રચના ઘડી કાઢી અને એ રીતે આગળ વધી રહી છે. કોરોનાને કારણે દેશના અર્થતંત્રને માઠી અસર થાય છે.ત્યારે એ અસર ઓછામાં ઓછી થાય તે માટે રીઝર્વ બેંક દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. શનિવારે રીઝર્વ બેંકનાં ગવર્નર શશીકાંત દાસે વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી જાહેર બેંકના એજન્ડા અને મુખ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આર્થિક સ્થિતિની જાણકારી મેળવી હતી. આ બેઠક અંગે માહિતી આપતા ગવર્નરે જણાવ્યું હતુ કે લોકડાઉન દરમિયાન પણ બેંકીંગ કામગીરી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આપણને સફળતા મળી છે. આ બેઠકમાં દેશની આર્થિક સ્થિતિ, નાણા બજારને સ્થિર રાખવા સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. બેંકીંગ સિવાયની નાણાં કંપનીઓને માઈક્રોફાઈનાન્સ સંસ્થાઓ, હાઉસીંગ ફાઈનાન્સ કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડની પ્રવાહિતા વર્કીંગ કેપીટલ એમએસએનઈ ક્ષેત્રને અપાતા ધીરાણા વગેરે બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ગ્રાહકોને લોન ભરવામાં ત્રણ માસ માટે અપાયેલી છૂટની પણ ચર્ચા કરવામાં આવી હતી. દેશમાં નાણાં સંસ્થાઓ લોન લેનારા, મ્યુચ્યુઅલ ફંડ વગેરેને ટેકો આપવા માટે રિઝર્વ બેંક દ્વારા વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. રિઝર્વ બેંકે ફેબ્રુઆરીથી દેશમાં નાણા પ્રવાહીત જાળવી રાખવા અત્યાર સુધી દેશની અર્થવ્યવસ્થામાં જીડીપીના ૩.૨ ટકા યોગદાન આપ્યું છે.  બેંક અત્યાર સુધીમાં ધિરાણ દરમાં ૭૫ પોઈન્ટનો ઘટાડો કરીને ધિરાણ દર ૪.૪ ટકા લાવી દીધો છે. બેંકો પાસેથી વધારાનું ફંડ બજારમાં લાવવા પણ પગલા લીધા છે.

  • મીઠાઇ અને આઇસ્ક્રીમની દૂકાનો બંધ રખાવવા પાછળનું કારણ શું?

V 3 3

મહામારીને રોકવા લોકડાઉનમાં મિઠાઈ અને આઈસ્ક્રીમનો દુકાનો બંધ રહે તેની તકેદારી રાખવામાં આવી છે. આવી દુકાનો બંધ રાખવા પાછળ અનેક કારણો જવાબદાર છે. મિઠાઈ અને આઈસ્ક્રીમથી સુગર વધે છે. ઉપરાંત ગળુ પકડાય જાય તેવી સ્થિતિ પણ ઉભી થાય છે.આવા સંજોગોમાં વ્યક્તિ વધુ માદો પડી શકે તેવી દહેશત છે. શરદી કે ઉધરસના કારણે કોરોનાનું સંક્રમણ વધુ તિવ્રતાથી ફેલાઈ શકે. ઉપરાંત જે લોકો ડાયાબીટીશ જેવા રોગથી પીડાતા હોય તે પણ વારંવાર હોસ્પિટલ જવાની જરૂ ર પડી શકે. આવી સ્થિતિ ધ્યાને રાખી મિઠાઈ અને આઈસ્ક્રીમની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

  • વતન જવા ‘બેફામ’ બનેલાને રોકવા તખ્તો

કોરોના વાયરસના સંક્રમણને રોકવાઅમલી કરાયેલા લોકડાઉનના કારણે કોરોનાના કેસોને અસરકારક રીતે કાબુમાં રાખી શકાયા છે. પરંતુ લોકડશઉનનાં કારણે પોતાના ધંધા વ્યવસાયના સ્થાને ફસાય ગયેલા શ્રમિકોને ધીમેધીમે પાતેના વતનમાં જવાની છૂટ આપવાનો સરકારે નિર્ણય લીધો છે. આ શ્રમિકોને તેમના વતનમાં મોકલવાથી કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે માટે યોગ્ય કારણો ધરાવતા લોકોને પરિવહનની મંજૂરી આપવામાં આવી રહી છે. આ પહેલા પણ શ્રમિકોની ચકાસણી કરીને આરોગ્ય સારૂ  હોવાનું પ્રમાણપત્ર આવ્યા બાદ જ પરિવહનની મંજૂરી આપવામાં આવી રહી છે. પરંતુ આ સ્થાનાંતરીતોને તેમના વતનમાં જવા દેવાની છૂટ આપવાના નિર્ણય સરકાર માટે મુશ્કેલી રૂ પ બની રહ્યો છે. વતન જવા ઉતાવળા બનેલા શ્રમિકોને ઝડપથી પરિવહનની છૂટ ન મળતા તેઓ રસ્તાઓ પર આવીને ઠેર ઠેર દેખાવો કરવા લાગ્યા છે. એક સ્થાને એક સાથે મોટીસંખ્યામાં શ્રમિકો એકઠા થઈ જવાથી કોરોનાનું સંક્રમણ વધવાની સંભાવનાને જોતા તેને કાબુમાં લેવા પોલીસને સમજાવા અને કયારેક બળપ્રયાગે પણ કરવો પડે છે. રાજયમાં ધંધા વ્યવસાય અર્થે આવેલા ૨૦ લાખ જેટલા શ્રમિકોમાંથી મોટી સંખ્યામાં શ્રમિકો પોતાના વતન મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જવા બંને રાજયોની સરહદ સુધી પહોચી ગયા છે. પરંતુ સરહદો

સીલ હોવાના કારણે તેમના વતનમાં ન જઈ શકતા આ શ્રમિકોને ગઈકાલે દાહોદ અને શામળાજીની ચેકપોસ્ટ પર બંદોબસ્તમાં રહેલા પોલીસ સ્ટાફ પર પથ્થરમારો કયો હતો. રાજયનાં તમામ ઔદ્યોગિક શહેરોમાં વસતા પરપ્રાંતીય શ્રમિકો હવે પોતાના વતનમાં જવા બેફામ બન્યા છે. આમ સરકારેમિકોનો વતન તરફથી હિજરતથી શરૂ  કરાયેલા ઔદ્યોગિક એકમો ઠપ્પ ન થઈ જાય તે માટે યોગ્ય કારણોવાળા શ્રમિકોને જ મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. તેમાં પણ વધારે ભાડુ રાખવામાં આવ્યું હોય જરૂ રીયાત સિવાય શ્રમિકો ખોટા ડરથી પોતાના વતન તરફ જવા ઘસારો ન કરે તેવો તખ્તો તૈયાર કર્યો છે. જે શ્રમિકોને ખાનગી બસો દ્વારા પોતાના વતનમાં જવાની છૂટ આપવામાં આવી છે. તેમને પણ નિયત ભાડા કરતા વધારે ભાડૂ ચૂકવવું પડી રહ્યું છે.

  • રાજકોટમાં હોટસ્પોટ વિસ્તારમાં વધુ ૩ પોઝિટિવ કેસ : કુલ ૬૨ કોરોનાગ્રસ્ત

ભાવનગરમાં એક જ દિવસમાં વધુ ૧૭ લોકો કોરોનાની ઝપેટમાં આવતા કુલ ૭૩ પોઝિટિવ અમદાવાદમાં સ્થિતિ બેકાબુ : એક દિવસમાં સૌથી વધુ ૨૭૪ પોઝિટિવ કેસ, ૨૩ના મોત

રાજકોટમાં આખરે સમરસ હોસ્ટેલમાં કોરેઇન્ટઇનમાં રહેલા હોટસ્પોટ વિસ્તારના ૧૧લોકોના સેમ્પલ મેળવી રિપોર્ટ કરવામાં આવતા એક જ પરિવારના ૩ સભ્યો પોઝિટિવ આવતા કુલ ૬૨ પોઝિટિવ કેસ શહેરમાં નોંધાયા છે. જ્યારે આજ રોજ ભાવનગરમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. એક સાથે વધુ ૧૭ લોકક કોરોનાની સંક્રમણમાં આવતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ સાથે ભાવનગરમાં કુલ ૭૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને અમદાવાદ શહેરમાં ગઈ કાલે કોરોનાનમાં સૌથી વધુ ૨૭૪ પોઝિટિવ કેસ અને ૨૩ લોકોના મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.

રાજકોટમાં થોડા દિવસના વિરામ બાદ વધુ ૩ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. હોટસ્પોટ વિસ્તરમાંથી શંકાના આધારે સમરસ હોસ્ટેલમાં ઘણા લોકોને કોરેન્ટાઇન કરી તેમના સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. જેમાં બાકી રહેલા છેલ્લા ૧૧ સેમ્પલમાંથી ગઈ કાલે એક જ પરિવારના વધુ ૩ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ સાથે શહેરની પોઝિટિવ કેસની સંખ્યા ૬૨ થઈ છે. થોડા દિવસ પહેલા જંગલેશ્વરની અંકુર સોસાયટીમાંથી ફીનાઝબેન કુરેશીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમના સંપર્કમાં આવેલા લોકોને સમરસ હોસ્ટેલમાં કોરેન્ટાઇન કરી સેમ્પલ મેળવવામાં આવતા ભાડે રહેતા પરિવારના ૩ લોકોને પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

ભાવનગરમાં પણ આજ રોજ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગઈ કાલે લેવાયેલા સેમ્પલમાંથી એક જ દિવસમાં વધુ ૧૭ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં હોટસ્પોટ વિસ્તાર બોરડીગેઇટ ના જ ૧૫ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જ્યારે કરચલિયાપર અને

મોચી શેરીમાંથી વધુ એક એક પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગરમાં અત્યાર સુધી કોરોનાએ ૫ લોકોનો ભોગ લીધો છે. અને વધુ ૧૭ લોકો કોરોના સંક્રમણમાં આવતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૭૩ પર પહોંચી છે.

રાજ્યમાં ગઈ કાલે ૧૩ જિલ્લાઓમાંથી વધુ ૩૭૪ પોઝિટિવ કેસ અને ૨૮ના મોત નિપજ્યા છે. જેમાં એપિસેન્ટર અમદાવાદમાં સૌથી વધુ ૨૭૪ પોઝિટિવ કેસ સાથે કુલ સંખ્યા ૪૦૦૦ની પાસે પહોંચી છે. અને શહેરમાં વધુ ૨૩ લોકોના મોત નિપજતા મૃત્યુઆંક ૨૦૦ને પાર પહોંચી ગયો છે. આ સાથે દ્વારકામાં પણ ગઈ કાલે અજમેરથી આવેલા ૩ લોકોને કોરેન્ટાઇન કરી રિપોર્ટ કરાવતા ત્રણેયના રિપોર્ટ પોઝિટિવ આવતા દ્વારકામાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. આ સાથે વડોદરા-સુરતમાં ૨૫-૨૫ પોઝિટિવ, મહેસાણામાં ૨૧, મહિસાગરમાં ૧૦,ગાંધીનગરમાં ૩, બનાસકાંઠામાં ૭, બોટાદમાં ૩ અને દાહોદમાં ૧ પોઝિટિવ કેસ નોધાયા છે. રાજ્યમાં અત્યા સુધી પોઝિટિવ કેસની સંખ્યા ૫૪૪૮ નોંધાઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક ૨૯૦ નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.