Abtak Media Google News

અઠવાડિયા પૂર્વે કચ્છમાં બિલ વગરની જીરૂ ભરેલી ટ્રક પકડાયાને પગલે યાર્ડમાં તપાસ : યાર્ડમાં ટપોટપ દુકાનો બંધ : રાજકીય ભલામણને પગલે નજીવો દંડ

કચ્છમાં અઠવાડિયા પૂર્વે બિલ વગરની જીરું ભરેલી ટ્રક પકડાતા આજે તપાસ છેક હળવદ યાર્ડ સુધી લંબાઈ હતી અને એક પેઢીમાં રાજકોટ જીએસટીની ટીમ દ્વારા તપાસ કરી નજીવો દંડ ફટકારી તોડ કરી લેવામાં આવ્યો હોવાની વ્યાપક ચર્ચા હળવદમાં ઉઠી છે, બીજી તરફ યાર્ડમાં જીએસટીની ટીમ આવતા તમામ પેઢીઓના શટર ટપોટપ પડી જવા પામ્યા હતા.

હાલમાં તમામ માર્કેટિંગ યાર્ડમાં જીરૂની ચિક્કાર આવક થઈ રહી છે ત્યારે વેપારી પેઢીઓ દ્વારા ખેડૂત પાસે ખરીદેલ જીરું સ્થાનિક બજારમાં અને રાજ્ય બહાર મોટાપાયે મોકલવામાં આવી રહ્યું છે જેમાં અઠવાડિયા પૂર્વે કચ્છ તરફ જતી ટ્રકમાં બિલ વગરનો જીરુનો મોટો જથ્થો પકડાઈ જતા જીએસટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો  હતો.

દરમિયાન બિલ વગરનો જીરૂનો જથ્થો હળવદ યાર્ડમાં આવેલી માતાજીના નામ સાથે જોડાયેલ પેઢી દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું ખુલતા જીએસટી રાજકોટ વિભાગની ટીમે આજે સાંજે હળવદ યાર્ડમાં ધામા નાખતા યાર્ડની પેઢીઓમાં દોડધામ મચી ગઇ હતી અને મોટાભાગના વેપારીઓ પેઢીને અલીગઢિયા તાળા મારી ચાલતી પકડી હતી.

દરમિયાન અત્યંત સુમાહિતગર વર્તુળોએ જણાવ્યું હતું કે બિલ વગર જીરુનો જથ્થો મોકલનાર પેઢીમાં જીએસટીની તપાસ શરૂ થતાં જ રાજકીય ભલામણનો ધોધ વછૂટતા જીએસટી અધિકારીઓ દ્વારા નજીવો દંડ ફટકારી તપાસનો આટોપી લીધી હતી, જો કે, તપાસ આટોપવાના બદલામાં જીરૂની પેઢીના માલિકે અધિકારીઓને રાજી – રાજી કરી દેતા જીએસટીના અધિકારીઓના તોડ પ્રકરણની ચર્ચા સમગ્ર હળવદમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.