Abtak Media Google News

સોફિયા ડંકલી અને હરલીનની સટાસટીએ બેંગ્લોરને ઘૂંટણિયે પાડ્યું

વુમેન્સ પ્રીમિયર લીગની પહેલી સિઝનની છઠ્ઠી મેચ ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ગુજરાત જાયન્ટ્સ સામે 11 રનથી પરાજય થયો હતો. ગુજરાતે આપેલા 202 રનના ટાર્ગેટની સામે બેંગ્લોર 6 વિકેટે 190 રન જ બનાવી શકી હતી. બેંગ્લોરની આ સતત ત્રીજી હાર છે. બેંગ્લોર તરફથી સૌથી વધુ સોફી ડિવાઇને 45 બોલમાં 66 રન બનાવ્યા હતા. જ્યારે એલિસ પેરીએ 25 બોલમાં 32 રન કર્યા હતા તો હીથર નાઇટે 11 બોલમાં 30 રન બનાવી નબાદ રહી હતી.

ગુજરાત તરફથી સૌથી વધુ એશ્લે ગાર્ડનરે 3 વિકેટ ઝડપી હતી, જ્યારે એનાબેલ સધરલેન્ડને 2 વિકેટ અને માનસી જોશીને 1 વિકેટ મળી હતી.ગુજરાતે નિર્ધારિત ઓવરમાં 7 વિકેટે 201 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી ઓપનર સોફિયા ડંકલીએ ઝડપી અર્ધસદી ફટકારી હતી અને 65 રન બનાવ્યા હતા. જ્યારે હરલીન દેઓલે 67 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી શ્રેયંકા પાટીલ અને હીથર નાઈટને 2-2 વિકેટ મળી હતી. સોફિયા ડંકલીએ આ ટૂર્નામેન્ટની સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી હતી.

તેણે માત્ર 18 બોલમાં જ પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. મેચ જીતતાની સાથે જ વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં ગુજરાતે પોતાની પ્રથમ જીત મેળવી હતી. આ સાથે વુમન્સ પ્રીમિયર લીગમાં એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે પોઇન્ટ ટેબલમાં પ્રથમ રહેલી ટીમ સુધી ફાઈનલ મેચ રમશે ત્યારે બીજા અને ત્રીજા ક્રમ ઉપર રહેનારી ટીમ વચ્ચે સેમી ફાઇનલ મેચ યોજાશે જેમાં વિજય બનેલી ટીમ ફાઇનલમાં પ્રવેશશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.