Abtak Media Google News

વારંવાર નાપાસ થયા હોય તેવા વિધાર્થીઓને તક આપવા માટે ફરી પરીક્ષા લેવાઈ: જીયુની જ ડિગ્રી મળશે

ગુજરાત યુનીવર્સીટીમાંથી ઇજનેરી-ફાર્મસી સહીત કોલેજો અલગ પડ્યા પહેલા જે વિધાર્થીઓ અભ્યાસ કરતા હતા તે પૈકી જેઓ વારંવાર નાપાસ થયા હોય તેવા વિધાર્થીઓને વધુ એક તક આપવા માટે 10 વર્ષ પછી ફરીવાર પરીક્ષા લેવામાં આવી છે. યુનિવર્સીટી દ્વારા શરુ કરવામાં આ પરીક્ષા 14 જુલાઈ સુધી ચાલશે. પરીક્ષા આપનાર માત્ર 11 વિધાર્થીઓ છે. પરંતુ પરીક્ષા 50 વિષયની લેવા ફરજ પડી છે.

રાજ્યમાં ટેક્નોલોજીકલ યુનિવર્સીટી અલગ બની તે પેહલા દરેક ઇજનેરી, ફાર્મસી અને એમબીએ-એમસીએ કોલેજો જે તે યુનિવર્સીટી સાથે જોડાયેલી હતી. મોટાભાગની કોલેજો ગુજરાત યુનિવર્સીટી સાથે જોડાયેલી હોવાથી તમામ વિધાર્થીઓ પરીક્ષા પણ યુનિવર્સીટી દ્વારા લેવામાં આવતી હતી. 10 વર્ષ પહેલા જીટીયુની સ્થાપના થઇ ત્યારે આ તમામ કોલેજોને ગુજરાત યુનિવર્સીટી સહિત તમામ યુનિવર્સીટીઓમાંથી દૂર કરીને જીટીયુ સાથે જોડી દેવામાં આવી હતી.

આમ ઇજનેરી-ફાર્મસી સહિતની કૉલેજોં જીટીયુમાં સામેલ થઇ તે પહેલા ગુજરાત યુનિવર્સીટી દ્વારા લેવાયેલી પરીક્ષાઓમાં જે વિધાર્થીઓ નાપાસ થયા હતા તેઓની પરીક્ષા ગુજરાત યુનિવર્સીટીએ જ લેવાનું નક્કી કર્યું હતું. યુનિવર્સીટી દ્વારા જુદા જુદા સમયે આ વિધાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કેટલાક વિધાર્થીઓ પાસ થઇ ગયા પરંતુ કેટલાક વિધાર્થીઓ એવા હતા કે જેઓ અનેક પ્રયાસ છતાં નિષ્ફળ ગયા હતા.

યુનિવર્સીટીના પૂર્વ કુલપતિ ડો.હિમાંશુ પંડ્યાએ જે તે સમયે જુદા જુદા વિધાર્થીઓ એટલે કે ઇજનેરી-ફાર્મસી સહિતની કોલેજોના જુના વિધાર્થીઓને ડિગ્રી મેળવવાની બાકી હોય તેમના માટે વધારાની પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના અનુષધાનમાં હાલમાં પરીક્ષા લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. યુનિવર્સીટીના પરીક્ષા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ 4 થી 14 જુલાઈ દરમિયાન લેવાનારી પરીક્ષામાં હાલ 11 વિધાર્થીઓ નોંધાયા છે. જો કે, આ વિધાર્થીઓ વિષય અને કોર્ષ અલગ અલગ હોય કુલ 50 વિષયોની પરીક્ષા લેવામાં આવશે. હવે અભ્યાસ છોડ્યાના આટલા વર્ષો બાદ આ વિધાર્થીઓ પરીક્ષા આપે છે ત્યારે તેઓ પાસ થશે કે કેમ એ પણ સવાલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.