Abtak Media Google News

ગુજરાતમાં 1.79 કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડનું સુરક્ષા કવચ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના આયુષ્માન કાર્ડધારકોને એક મોટી ભેટ આપી છે અને તેની લાભ મર્યાદાને ₹5 લાખથી વધારીને ₹10 લાખ સુધીની કરી દીધી છે.  11 જુલાઈથી આ નિયમ ગુજરાતના તમામ આયુષ્માન કાર્ડધારક પરિવારોને લાગુ થઈ ગયો છે.

Advertisement

આજે આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલે એક કાર્યક્રમમાં  10 લાખની વીમા સહાયનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ   મનોજ અગ્રવાલ, કમિશનર શાહમીના હુસૈન, નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર ડો. રેમ્યા મોહન, આયુષ્માન યોજના સાથે સંકળાયેલા ડો. જૈન, ડો. આનંદ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય રાજ્યોમાં ઇલાજ કરાવવા પર પણ મળશે  10 લાખ સુધી મફત સારવારનો લાભ ગુજરાત સરકારના જન આરોગ્ય સુરક્ષા કવચને લઇને આ સૌથી મોટું પગલું છે, જે હેઠળ આયુષ્માન કાર્ડ ધરાવતો દરેક પરિવાર ગુજરાત ઉપરાંત દેશના કોઈપણ ખૂણે આવેલી હોસ્પિટલ, જો એ હોસ્પિટલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એમ્પેનલ્ડ હોય, તો તેમાં  10 લાખ સુધી નિ:શુલ્ક ઇલાજ કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, આયુષ્માન કાર્ડધારક પરિવારો 2471 પ્રકારની મેડિકલ પ્રોસીજર્સનો લાભ લઇ શકે છે.

રાજ્યના આયુષ્માન કાર્ડધારકને આ માટે કોઈ પણ વધારાના ખર્ચનો બોજો ઉઠાવવાની જરૂર નથી. વધારાના  5 લાખનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર વહન કરશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડધારકોને  5 લાખ સુધીની મફત સારવાર આપવામાં આવતી હતી, જે સહાય વધારીને હવે  10 લાખ કરવામાં આવી છે.

આ મહત્વપૂર્ણ ઉપલક્ષ્ય પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, અમે આયુષ્માન કાર્ડધારક પરિવારોને  5 લાખને બદલે  10 લાખ સુધીનું સ્વાસ્થ્ય કવચ આપવાનો નિર્ણય કર્યો છે. આજે 11 જુલાઈથી સમગ્ર રાજ્યમાં આ નિયમ લાગુ પણ કરી દેવામાં આવ્યો છે. આ પહેલની મહત્વપૂર્ણ વાત એ પણ છે કે રાજ્યના આયુષ્માન કાર્ડધારક પરિવાર દેશની કોઈ પણ પીએમજેએવાય એમ્પેનલ્ડ હોસ્પિટલમાં  10 લાખ સુધીની મફત સારવારની સુવિધા મેળવી શકે છે. ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ સંપૂર્ણ સતર્કતા અને ગહનતા સાથે આયુષ્માન યોજનાનો અમલ કરી રહ્યો છે. અત્યારસુધીમાં રાજ્યના 1.79 કરોડ લોકોને આયુષ્માન કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, અમે ફીડબેક મિકેનિઝમ પણ શરૂ કર્યું છે. તેના મારફતે અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે દરેક આયુષ્માન કાર્ડધારકને રાજ્યની એમ્પેનલ્ડ હોસ્પિટલો, પછી તે સરકારી હોય કે પ્રાઇવેટ, તેમાં મફત અને મુશ્કેલી રહિત સારવાર મળે.

ગુજરાતમાં અત્યારસુધીમાં  10,221  કરોડના ખર્ચે 53.99 લાખ ક્લેમ સેટલ કરવામાં આવ્યા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન આરોગ્ય સુરક્ષાના સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આયુષ્માન ભારત પીએમજે એવાય ર્માં યોજનાને પ્રાથમિકતા અને ખૂબ જ સઘનતા સાથે લાગુ કરી છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે અત્યારસુધીમાં 2848 હોસ્પિટલોને આયુષ્માન ભારત પીએમજે એવાય ર્માં  યોજના માટે એમ્પેનલ કરી લીધી છે, જેમાં રાજ્યની સરકારી હોસ્પિટલોની સંખ્યા 2027 અને પ્રાઇવેટ હોસ્પિટલોની સંખ્યા 803 છે, જ્યારે ભારત સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલોની સંખ્યા 18 છે. આયુષ્માન ભારત પીએમજે એવાય ર્માં  હેઠળ ક્લેમ સેટલમેન્ટની વાત કરીએ તો રાજ્ય સરકારે  10,221 કરોડના ખર્ચે રાજ્યના 53.99 લાખ ક્લેમ સેટલ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.