Abtak Media Google News

અન્ડર-19 કેટેગરીમાં તસનીમનો પ્રથમ ક્રમાંક:ઓસમાણ મીરે શુભકામના પાઠવી

તાજેતરમાં બેડમિન્ટનમાં જુનિયર કેટેગરીમાં વર્લ્ડ રેંકીંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહેસાણાની દિકરી તસનીમ મીરનું  ખ્યાતનામ ગાયક ઓસમાણ મીરે સન્માન કર્યુ હતું.

મીર સમાજની દિકરી તસનીમે માત્ર 16 વરસની વયે બેડમિન્ટમાં અન્ડર -19 કેટેગરીમાં વર્લ્ડ જુનિયર નંબર વન રેંકીગ પ્રાપ્ત કરી ચુકી છે. આ સ્થાન પામનાર તસનીમ દેશની પ્રથમ દિકરી બનવાનું પણ તેને બહુમાન મળ્યુ છે. તસનીમને બેડમિન્ટનમાં રર વખત નેશનલ ચેમ્પીયન છ વખત આંતરરાષ્ટ્રિય ટુર્નામેન્ટમાં ચેમ્પિયન થઇ છે માત્ર 16 વરસની નાની વયે ઇન્ડિયન સિનિયર બેડમિન્ટન ટીમમાં પસંદગી પામી છે. ઓસમાણ મીરે તસનીમને બેડમિન્ટન ક્ષેત્રે વિશ્વમાં દેશનું નામ રોશન કરવાની શુભકામના પાઠવી હતી.

બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન(બીડબલ્યુએફ) અન્ડર -19  રેન્કીંગ તાજેતરમાં જાહેર થઇ છે. જેમાં 16 વરસની નાની વયની તસનીમ નંબર વન બની છે, મહત્વની વાત એ છે કે તસનીમ ભારતની પ્રથમ દિકરી છે જેણે આ કેટેગરીમાં નંબર વન મેળવ્યો છે. આ પૂર્વે દિગ્ગજ બેડમીન્ટન ખેલાડી શાઇના નેહવાલ, પી.વી સિંધુ પણ આ રેન્ક મેળવી શકી નથી.

સીંગલમાં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરનાર તસનીમે અન્ડર -1પમાં તથા અન્ડર 19માં હાઇએસ્ટ નેશનલ રેન્કીંગ પ્રાપ્ત કર્યુ છે.તસનીમ  સાનિયા નેહવલા અને પીવી સિંધુનો બેડમિન્ટન વારસો સંભાળી શકે અને ઓલમ્પિકમાં ભવિષ્યમાં ભારતની આશા બની શકે છે.

તસનીમના પિતા ઇરફાન મીરના જણાવ્યા મુજબ ખુબ જ નાની વયે બેડમિન્ટનની તાલીમ લેવા માંડી હતી. ખુદ ઇરફાન મીર પોલીસ તંત્રમાં એએસઆઇ છે. જાણીતા કોચ પણ છે. તેમની પુત્રી તસનીમને દેશ નાનપણથી પોતે જ તાલીમ આપ્યા બાદ આ ક્ષેત્રના દેશના કોચ પાસે તાલીમ આપી હતી.  ભારતીય બેડમીન્ટન ટીમમાં પસંદગી પામેલી તસનીમ મીરના પિતાએ ગર્વ મહેસુસ કર્યો હતો.

પોતાના શહેરમાં જયારે બેડમીન્ટન રમવા જતા ત્યારે પોતે તસનીમને સાથે લઈ જતા હતા. તેનું બેડમીન્ટનનું ટેલેન્ટ ત્યાંથી જ ઉભરાયું હતું ત્યારબાદ તસનીમના પિતા ઈરફાન મીરે જાતે જ તેની પુત્રીને તાલીમ આપવાનું શરૂ કર્યું હતું. છ વર્ષની ઉંમરે જ તસનીમ મીરે બેડમીન્ટનમાં પોતાનો જાદુ બતાવ્યો હતો ત્યારબાદ અભ્યાસ અને રમતને સંલગ્ન થઈ બેડમીન્ટનમાં પોતાનું ઉજળી કારકિર્દી ઉપસાવી છે.

તસનીમ મીર અત્યાર સુધીમાં જુદી-જુદી કેટેગરીમાં 22 વખત ચેમ્પ્યિનનો ખિતાબ જીતી ચુકી છે. આજે તસનીમ મીર બેડમીન્ટનની રમતમાં પોતાનો ડંકો વગાડીને ફકત ગુજરાત જ નહીં પરંતુ દેશનું નામ પણ રોશન કરી રહી છે. તસનીમ આજ રીતે બેડમીન્ટનમાં સુરજની જેમ ચમકે તેવી શુભકામના ચારે દિશામાંથી આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.