Abtak Media Google News

હાર્દિક કાર્યકારી અધ્યક્ષની ભૂમિકા તો ઠીક કાર્યકરની ભૂમિકા ભજવવામાં પણ ઉણો ઉતર્યો હોય તેવો ઘાટ

પાટીદાર સમાજને અનામત આપવાની ચળવળથી જેનો ઉદય થયો હતો તેવા હાર્દિક પટેલ તે સમયે યુવાનોના આઇકન બને તેવું લાગી રહી ગયું હતું. હાર્દિક પટેલ જે રીતે ખૂબ ઝડપે વિશાળ કદ પ્રાપ્ત કરી રહ્યો હતો તે જોતાં ચોક્કસ લાગી રહ્યું હતું કે, ટૂંક સમયમાં જ આ યુવાન પાટીદાર સમાજનો આગેવાન બની સામે આવશે. પરંતુ હાર્દિકે રાજકીય પક્ષનો હાથ પકડતાં પોતે તો દિશા શૂન્ય બન્યો જ પરંતુ સાથોસાથ રાજકીય પક્ષો પણ દિશા શૂન્ય બની હોય તેવું સામે આવ્યું છે. હાર્દિક પટેલને એવું હતું કે, મારી સાથે પાટીદાર સમાજ છે એટલે સમાજના બળે હું ગમે તે કરી શકું. રાજકીય પક્ષોને પણ એવું જ લાગી રહ્યું હતું તેના કારણે કોંગ્રેસે હાર્દિક માટે લાલ જાજમ પાથરી હતી પરંતુ સમય જતાં કોંગ્રેસને ખબર પડી કે, હાર્દિકે સમાજને તરછોડી દીધું છે તો સામે સમાજે પણ હાર્દિકને તરછોડી દીધો છે.

Advertisement

હાર્દિકે ગુજરાત કોંગ્રેસમાં એન્ટ્રી કરતાની સાથે જ પાસની ટીમના સાથીદારોની અવગણના કરી હતી અને હાર્દિકએ મનોમન એવું વિચારી લીધું હતું કે, હાર્દિક છે તો પાસ છે પરંતુ પાસે હવે હાર્દિકને ’નાપાસ’ કરી દીધો છે. હવે ’ટીમ હાર્દિક’ માં ફક્ત હાર્દિક રહ્યો છે. રાહુલબાબાની જેમ પાટીદાર સમાજની સાથે તમામ સમાજે હાર્દિકને તેની જગ્યા બતાવી દીધી છે. જે રીતે નબળો કારીગર હથિયારનો વાંક કાઢે તેમ હાર્દિક પટેલને કોંગ્રેસે કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છતાં ’મને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈએ કંઈ પણ કામ સોંપ્યું નહીં’ અને ’મારું મંતવ્ય પણ લેવામાં આવ્યું નહીં’ તેવું હાર્દિકે નિવેદન આપ્યું છે. ત્યારે સવાલ થાય છે કે, પ્રમુખે કામ લેવાનું હોય કે દેવાનું હોય ? હાર્દિક પટેલ પ્રમુખ બન્યા બાદ પ્રમુખની ભૂમિકા તો ઠીક પરંતુ એક કાર્યકરની ભૂમિકા પણ ભૂલી ગયો હોય તેવું લાગી રહ્યું છે. હાર્દિકની હાલની પરિસ્થિતિ જોતા ચોક્કસ એવું લાગી રહ્યું છે કે, ’બુંદ સે ગઇ હોજ સે નહીં આતી’ જેવી પરિસ્થિતિ હાર્દિક પટેલની થઈ છે. જે રીતે હાર્દિકે સમાજની અપેક્ષા-આકાંક્ષાને ઠુકરાવી તેના કારણે હાર્દિકની હાલત ધોબીના…. જેવી બની છે.

હાર્દિક પટેલે રવિવારે કોંગ્રેસ પક્ષ પર આક્ષેપ કરતા કહ્યું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મને કોઈપણ જાતની ભૂમિકા આપવામાં આવી ન હતી, મને કોઈ કામ પણ સોંપવામાં આવ્યું ન હતું, મારું મંતવ્ય પણ લેવાયું નહોતું અને ત્યાં સુધી કે ઉમેદવારોને ટિકિટ આપવા બાબતે પણ મારો સુજાવ લેવાયો ન હતો. હાર્દિકે એક ઇન્ટરવ્યૂમાં નિવેદન આપતા કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ નેતૃત્વના અભાવે વિરોધ પક્ષની ભૂમિકા પણ મજબૂતાઈથી ભજવી શકતું નથી.

હાર્દિકના આવા નિવેદનથી ચોક્કસ સવાલ ઊભો થાય છે કે, જે રીતે હાર્દિકે કહ્યું છે કે, નેતૃત્વના અભાવે કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષની પણ ભૂમિકા ભજવી શકતું નથી ત્યારે હાર્દિકને કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી તો ખરા અર્થમાં કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ હાર્દિકે કરવાનું હોય છે. કોંગ્રેસને હાલની નબળી પરિસ્થિતિમાંથી બહાર કાઢી એક મજબૂત રાજકીય પક્ષ બનાવવાની જવાબદારી પણ હાર્દિકના ખભે હોવી જોઈએ પરંતુ હાર્દિક પોતે પોતાની ભૂમિકા ભજવવામાં ક્યાંક નિષ્ફળ રહ્યો છે ત્યારે હવે તે કોંગ્રેસ પક્ષ ઉપર આક્ષેપ કરી રહ્યો છે.

હાર્દિકના આવા નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે, હવે હાર્દિક દિશા શૂન્ય બન્યો છે. હાર્દિકના આવવાથી કોંગ્રેસની ’દિશા’ અને ’દશા’ બદલાઈ જશે તેવું કોંગ્રેસના નેતાઓને લાગ્યું હશે પરંતુ હાલ કોંગ્રેસની દિશા અને દશા તો ચોક્કસ બદલાય છે પરંતુ આ ’દિશા’ અને ’દશા’ કોંગ્રેસને વધુ નબળી બનાવી રહી હોય તેવું પણ સ્પષ્ટ જોઈ શકાય છે.

સોનિયાએ “સ્ટાલિન” સાથે હાથ મિલાવ્યો!!

તમિલનાડુમાં યોજાનાર આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને સત્તામાં લાવવા સોનિયા ગાંધીએ ડીએમકે ના અધ્યક્ષ એમ.કે. સ્ટાલિન સાથે શનિવારે હાથ મિલાવ્યો છે. રવિવારના રોજ સોનિયા ગાંધી અને સ્ટાલિન વચ્ચે સમજૂતી થઈ છે. હવે તમિલનાડુની 25 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી નહીં લડે પરંતુ ડીએમકેના ઉમેદવારનું સમર્થન કરશે. જે રીતે દિનપ્રતિદિન કોંગ્રેસની પરિસ્થિતિ નબળી બનતી જઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને સોનિયા ગાંધીએ તમિલનાડુના સ્થાનિક રાજકીય પક્ષ સાથે હાથ મિલાવી કોંગ્રેસને મજબૂતાઈ આપવા માટે તેમજ તમિલનાડુમાં કોંગ્રેસની સરકાર બનાવવા માટે પ્રાયોગિક ધોરણે ડીએમકે સાથે ગઠબંધન યોજી 25 બેઠકો ની સમજૂતી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.