Abtak Media Google News

વેરાવળથી 150 કિ.મી. દૂર હતુ ત્યારે વાયુ વાવાઝોડાએ દિશા બદલીને ઓમાન તરફ ફંટાયુ, જો કે ગુજરાત પર 15મી જૂન સુધી ખતરો યથાવત

ગીર-સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, કંડલા, પોરબંદર સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના: 130 થી લઈ 160 કિ.મી. સુધીની ઝડપે પવન ફૂંકાશે

પોરબંદર નજીકથી વાયુ વાવાઝોડુ પસાર થઈ જશે: દિશા ચોક્કસ બદલી છે પરંતુ ખતરો સંપૂર્ણપર્ણે ટળ્યો નથી

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કાળ બનીને ત્રાટકનાર વાયુ નામના વાવાઝોડાએ ગત મધરાત્રે દિશા બદલી છે. વાયુ હવે ગુજરાતમાં નહીં ત્રાટકે પરંતુ પોરબંદરના દરિયાકાંઠા નજીકથી પસાર થઈ જશે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત પરથી હાલ પુરતી ઘાત ટળી જવા પામી છે. જો કે, હવામાન વિભાગના જણાવ્યાનુસાર વાવાઝોડાની દિશા ચોકકસ ફરી છે પરંતુ ખતરો સંપૂર્ણપર્ણે ટળ્યો હોવાનો ઈન્કાર કર્યો છે. આગામી 15મી જૂન સુધી રાજ્યમાં વાયુનો ખતરો હજુ યથાવત હોય સરકાર તથા તંત્ર સંપૂર્ણપર્ણે સજ્જ છે. વાયુની અસર તળે આજે સવારથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધીંગી ધારે વરસાદ વરસી રહ્યો છે. લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સ્થળાંતરીત લોકોને જ્યાં સુધી વાયુનો ખતરો સંપૂર્ણપર્ણે ઓછો નહીં થાય ત્યાં સુધી ફરી પુન: સ્થાપિત કરવામાં આવશે નહીં. દરમિયાન આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આગાહી વચ્ચે આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં પાંચ દિવસ પહેલા લો-પ્રેસર સર્જાયું હતું જે, ડિપ્રેશન અને ત્યારબાદ ડિપ-ડિપ્રેશનમાં પરિવર્તીત થયા બાદ સાયકલોનમાં ફેરવાયું હતું. આ સાયકલોનને વાયુ નામ આપવામાં આવ્યું હતું જેને ગઈકાલે વેરી સીવીયર સાયકલોન સ્ટોર્મ અર્થાત રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. વાયુ વાવાઝોડુ વેરાવળ અને દિવ વચ્ચેથી ગુરૂવારે સવારે પસાર થાય તેવી સંભાવના હતી, જો કે ગઈકાલે બપોર બાદ વાવાઝોડાની ગતિ મંદ પડતા આજે બપોર સુધીમાં પોરબંદર અને દ્વારકાના દરિયામાંથી વાયુ પસાર થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી. ગત મધરાત્રે જ્યારે વાયુ વાવાઝોડુ પોરબંદરથી 80 કિ.મી. અને વેરાવળથી 130 કિ.મી. દૂર હતુ ત્યારે અચાનક જ વાવાઝોડાની દિશામાં પરિવર્તન આવ્યું હતું જે વાવાઝોડુ 125 થી 165 કિ.મી.ની ઝડપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું હતું અને આજે બપોરે 2 વાગ્યે સૌરાષ્ટ્રના પોરબંદર અને દ્વારકાના દરિયાકાંઠે ટકરાવાનું હતું તેની દિશા પલ્ટાતા ગુજરાત પરથી ઘાત ટળી જવા પામી છે. આજે સવારે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે એક ટવીટ કરી માહિતી આપી હતી કે, વાયુ વાવાઝોડુ ગુજરાત સાથે ટકરાય તેવી સંભાવના જણાતી નથી. હાલ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે. વાવાઝોડાએ દિશા ફેરવતા ગુજરાત પરથી ઘાત ટળી જવા પામી છે. જો કે, સવારે 9:00 કલાકે ભારતીય હવામાન વિભાગે પણ એ વાતની માહિતી આપી હતી કે, વાયુ વાવાઝોડાએ દિશા ચોકકસ ફેરવી છે પરંતુ ગુજરાત પરથી સંપૂર્ણપર્ણે ખતરો ટળ્યો હોવાનું હાલ કહી શકાય નહીં. રાજ્યમાં આગામી 15 જૂન સુધી વાયુનો ખતરો યથાવત રહેશે.

Advertisement

આજે બપોરે પોરબંદર નજીક દરિયામાંથી વાયુ પસાર થવાનું છે. વાયુ વાવાઝોડુ ગુજરાતમાં નહીં પ્રવેશે છતાં દરિયાકાંઠા વિસ્તારમાં વાયુની અસર ચોકકસ જણાશે. આજે દરિયાકાંઠા વિસ્તારમાં ખાસ કરીને ગીર-સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી 15મી જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સુચના આપવામાં આવી છે. વાયુએ દિશા ફેરવી છે છતાં રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સતત તેની પર નજર રાખી રહ્યું છે.

અગાઉ વાવાઝોડામાં પવનની ગતિ 140 થી લઈ 165 કિ.મી.ની રહેશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ જે રીતે આજે સવારે ભારતીય હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે એવી જાહેરાત કરી છે કે, વાયુ હવે ગુજરાતમાં નહીં પ્રવેશે. વાયુએ દિશા ફેરવતા અને ઓમાન તરફ ફંટાઈ જવાના કારણે પવનની ગતિમાં પણ ઘટાડો થયો છે. હવે 125 થી 140 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના જણાય રહી છે. દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાની અસર જોવા મળશે. અગાઉ વાવાઝોડાને કેટેગરી-2માં મુકવામાં આવ્યું હતું જે પરિવર્તીત કરી કેટેગરી-1માં મુકવામાં આવે તેવી સંભાવના છે. વાયુ વેરાવળથી દ્વારકા અને પોરબંદર નજીક કલ્યાણપુરથી પસાર થવાનું હતું પરંતુ ગત મધરાતથી વાયુએ દિશા ફેરવતા હવે પોરબંદર નજીક દરિયાકાંઠેથી પસાર થઈ જશે જેના કારણે પવન ફૂંકાશે અને ભારે વરસાદની પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે.

આગામી 15મી જૂન સુધી રાજ્યમાં વાયુ વાવાઝોડાની અસર યથાવત રહેશે. વાવાઝોડુ એટલુ વિનાશક હતુ કે છેલ્લા ચાર દિવસથી સમગ્ર સરકાર અને વહીવટી તંત્ર વિનાશને ખાળવા માટે કામે લાગી ગયું છે. રાજ્યના ઈતિહાસમાં સૌથી મોટુ સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું  અને ગઈકાલ સુધીમાં આશરે 2.64 લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. વાવાઝોડાએ દિશા ફેરવી છે અને ખતરો પણ ઓછો થયો છે છતાં જયાં સુધી ખતરો ટળશે નહીં ત્યાં સુધી સ્થળાંતરીત કરાયેલા લોકોને ફરી નિયત સ્થળે મોકલવામાં આવશે નહીં. વાવાઝોડાની અસર એટલી ભયાનક હતી કે રાજ્ય સરકાર દ્વારા સિંહોનું પણ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વાવાઝોડા પર નજર રાખી રહ્યાં હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ઝીરો કેઝયુલીટી સાથે સમગ્ર તંત્રને સજાગ કરી દીધુ હતું. વાવાઝોડાથી પ્રભાવિત થનારા દરિયાકાંઠાના જિલ્લાઓમાં રાજ્ય સરકારના મંત્રીઓ અને અધિકારીઓને કામગીરીના નિરીક્ષણ માટે મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા હતા. તાલુકા વાઈઝ કંટ્રોલરૂમ શરૂ કરાયા હતા અને એનડીઆરએફ, એસડીઆરએફ, બીએસએફ સહિતની ટુકડીઓને તૈનાત કરી ેદેવાઈ હતી.

ગત મધરાત્રે વેરાવળથી 130 કિ.મી. દૂર હતુ ત્યારે વાયુએ દિશા ફેરવતા ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ઓછો થઈ ગયો છે. વાયુ ગુજરાતમાં નહીં ટકરાય તે વાત હવે નિશ્ચિત થઈ ગઈ છે. પોરબંદર નજીક દરિયા કિનારેથી પસાર થઈ જશે. છતાં તેની અસર જોવા મળશે. ઘાત ટળી હોવા છતાં સરકાર હાલ એકપણ પ્રકારનું જોખમ ઉઠાવવા માંગતી નથી. 15મી જૂન સુધી વાયુનો ખતરો યથાવત હોય જયાં સુધી સંપૂર્ણ ઘાત ટળે નહીં ત્યાં સુધી સરકાર સતત સજ્જ રહેશે અને જે તે જિલ્લા તથા તાલુકા મથકે એનડીઆરએફની ટીમોને પણ યથાવત રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.