Abtak Media Google News

મામલતદાર અને ખારાઘોડા તલાટી દ્વારા સોલ્ટ એસો.ને. લેખીત તાકીદ કરાઈ 

છેલ્લા એક અઠવાડિયાથી મેઘો સમગ્ર ગુજરાતને ઘમરોળી રહ્યો છે. ત્યારે રણકાંઠામાં 14 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ બન્યુ છે. ખારાઘોડા રણમાં ભારે વરસાદની આગાહીના પગલે અગરિયા, મજૂરો કે વેપારીઓને 16 જુલાઇ સુધી ન જવા તંત્રની તાકીદ કરાઇ છે. જેમાં મામલતદાર અને ખારાઘોડા તલાટી દ્વારા સોલ્ટ એસોસિયેશનને લેખિત તાકીદ કરાઇ છે.

હાલમાં રણમાંથી અગરિયાઓ દ્વારા મીઠું પકવવાની સીઝન પુરી થઇ ગઇ છે. અને મીઠાના વેપારીઓ દ્વારા રણમાંથી ખારાઘોડા ગંજે મીઠું ખેંચવાની સીઝન પણ પુરી થઇ છે. અને ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં મીઠું પકવતા તમામ અગરિયાઓ પોતાના સરસામાન અને પરિવારજનો પોતાના માદરે વતન પણ પરત આવી ગયા છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી મેઘો અમદાવાદ, રાજકોટ, ભરૂચ અને કચ્છ-ભુજ સહિત સમગ્ર ગુજરાતને ઘમરોળી રહ્યો છે.

વરસાદની આગાહીના પગલે સરકારી તંત્ર પણ એલર્ટ બન્યુ છે. ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં ભારે વરસાદની આગાહીના પગલે મીઠું પકવતા અગરિયા, મજૂરો કે મીઠાના વેપારીઓને આગામી 16 જુલાઇ સુધી સાવચેતીના પગલે ન જવા તંત્રની તાકીદ કરાઇ છે. જેમાં મામલતદાર પી.કે.મોઢવાડીયા અને ખારાઘોડા ગ્રામ પંચાયતના તલાટી દ્વારા સોલ્ટ એસોસિયેશન, ખારાઘોડા તલાટી કમ મંત્રી, અગરિયા હિત રક્ષક મંચ અને પોલિસ વિભાગને લેખિત તાકીદ કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.