Abtak Media Google News

પીજીવીસીએલ અને ગેસ કંપની દ્વારા રોડ પર ખોદકામ બાદ પુરતુ પુરાણ ન કરાતા ઠેર-ઠેર માટીના ઢગલા: સ્વચ્છતાની ડંફાશો વચ્ચે ગંદકીના ગંજ

પીજીવીસીએલ દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવા માટે અને ગેસ કંપની દ્વારા પાઈપલાઈન સહિતના કામ માટે શહેરના અનેક વિસ્તારોમાં આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ચોમાસાની સીઝન બાદ જયાં થોડા સમય પહેલા જ પેચ વર્ક કરવામાં આવ્યા હતા અને અમુક વિસ્તારો કે ત્યાં તાજેતરમાં જ પેવિંગ બ્લોકની કામગીરી પૂર્ણ થઈ છે ત્યાં ફરી રસ્તાઓ વિંછી નખાતા શહેરીજનો પરેશાન થઈ ગયા છે છતાં કોર્પોરેશનનું બિન્દાસ અને નિર્ભર તંત્ર લોકોની પરેશાનીની મજા ઉઠાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજમાર્ગો પર આડેધડ ખોદકામ બાદ પુરતુ પુરાણ કરવામાં આવતું ન હોવાના કારણે ઠેર-ઠેર માટીના ઢગલા જોવા મળી રહ્યા છે.

Advertisement

Img 20181201 Wa0011શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં હાલ પીજીવીસીએલ દ્વારા અનેક રાજમાર્ગો પર અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી શ‚ કરવામાં આવી છે. જેના કારણે રોડનું ખોદકામ ચાલી રહ્યું છે. રોડ પર મસમોટા ખાડા ખોદાયા બાદ તેમા વાયરીંગ બિછાવ્યા પછી પુરતુ પુરાણ કરવામાં આવતું ન હોવાના કારણે ઠેર-ઠેર માટીના ઢગલા નજરે પડી રહ્યા છે. સામાન્ય નિયમ અનુસાર ખાડા ખોદાયા બાદ અને બુરાયા બાદ જે વધારાની માટી નિકળે તે ઉપાડી લેવાની હોય છે પરંતુ ન્યુ રાજકોટમાં અનેક સ્થળોએ વધારાની માટી ઉપાડવાની તસ્દી પીજીવીસીએલ કે કોર્પોરેશન દ્વારા લેવામાં આવી ન હોવાના કારણે લોકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે. આટલું જ નહીં સેન્ટ્રલ ઝોનમાં અનેક વિસ્તારોમાં જયાં તાજેતરમાં જ પેવિંગ બ્લોક નાખવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે ત્યાં ફરી વાયરીંગ કે ગેસની પાઈપલાઈન માટે રોડ ખોદી નખાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જયાં ચોમાસાની સીઝન બાદ પેચવર્કનું કામ કરવામાં આવ્યું હતું તે રોડને પણ વિંછી નાખવામાં આવ્યો છે.

શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં રાજમાર્ગો પર આડેધડ ખોદકામથી લોકો તોબા પોકારી ગયા છે. સતત ટ્રાફિકથી ધમધમતા રોડ ખોદાયા બાદ પુરતુ પુરાણ કરવામાં ન આવતા વાહન ચાલકો પર અકસ્માતનો ખતરો પણ ઝળુબી રહ્યો છે. બંને સરકારી વિભાગ કોર્પોરેશન અને પીજીવીસીએલ જવાબદારીની ફેકા ફેંકી કરી રહ્યા છે. રોડ પર આડેધડ ખોદકામને કારણે લોકોને પડતી હાલાકી અંગે પદાધિકારીઓ અને અધિકારીઓ સુધી ફરિયાદો પહોંચી હોવા છતાં નિર્ભર તંત્ર લોકોની સમસ્યા હલ કરવા માટે રતિભાર પણ તસ્દી લેતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.