Abtak Media Google News

15મીથી નવી જંત્રીનો અમલ વધુ એકવાર ઘોંચમાં પડશે?

જંત્રી દર વધવાના હોવાથી, હાલ પૂરતી અરજીઓ પેન્ડિંગ રાખીને સરકારની આવક વધારવાના પ્રયાસ ? : કોર્ટ

15મીથી નવી જંત્રીનો અમલ વધુ એકવાર ઘોંચમાં પડે તેવી સ્થિતિ ઉદભવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. કારણકે ગુજરાત હાઈકોર્ટે તમામ જિલ્લા કલેક્ટરને 13 એપ્રિલ પહેલા અટવાયેલી બિનખેતીની અરજીઓ પર નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે.

15 એપ્રિલથી નવી જંત્રી અમલમાં આવનાર છે. કોર્ટે કહ્યું કે આવી અરજીઓ પર ચુસ્તપણે નિર્ણય ન લેવાનું વલણ અપનાવવું એ ઊંચા દરોને અમલમાં મૂકવાનો પ્રયાસ છે જેથી સરકારને બિનખેતીની પરવાનગી માટે પ્રીમિયમમાં વધુ આવક મળે.

ખેતીની જમીનનો દરજ્જો રૂપાંતરિત કરવા માટેની અરજીઓ પર સજ્જડ બેઠેલા રાજ્યભરના મહેસૂલ સત્તાવાળાઓની નોંધ લેતા જસ્ટિસ ભાર્ગવ કારિયાએ આદેશ આપ્યો હતો કે, “ગુજરાતના તમામ કલેક્ટરને 13 એપ્રિલ, 2023ના રોજ અથવા તે પહેલાં તેમની સમક્ષ પડતર તમામ બિનખેતીની અરજીઓ પર પ્રક્રિયા કરવા માટે નિર્દેશિત કરવામાં આવે છે.”  કોર્ટે તમામ કલેક્ટરને તાત્કાલિક આ આદેશની જાણ કરવા સરકારને નિર્દેશ આપ્યો હતો.

આ નિર્દેશ વિજય પટેલ નામના અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન આવ્યા હતા, જેમની ખેડા જિલ્લાની જમીનને બિનખેતી કરવાની અરજી જિલ્લા કલેક્ટર સમક્ષ પેન્ડિંગ હતી.  તેઓને તેને ગતિમાં લાવવા માટે હાઈકોર્ટમાં જવું પડ્યું.

ઓથોરિટી તેમની અરજીમાં ખામીઓ દર્શાવતી હોવાથી કોર્ટે તેમને નવી અરજી દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.  તદનુસાર, તેમણે 6 એપ્રિલે બીજી અરજી દાખલ કરી, પરંતુ રાજ્ય સરકારને ફરીથી તેમાં ખામી મળી.  જસ્ટિસ કારિયાએ ખેડા કલેક્ટર કચેરીને આ પ્રક્રિયા ઝડપથી હાથ ધરવા આદેશ આપ્યો હતો.

શુ ક્લેકટરોને હમણાં બિનખેતીની અરજીઓ પેન્ડિંગ રાખવાની સૂચના મળી છે ? કોર્ટનો સવાલ

ન્યાયાધીશે ત્યારબાદ 15 એપ્રિલની સમયમર્યાદાનો ઈશારો કર્યો અને કહ્યું, નવા જંત્રી મુજબ વધુ આવક મળે તેવો રાજ્ય સરકારનો પ્રયાસ છે. આ ખૂબ જ સ્પષ્ટ છે. શું આ મામલે તમામ કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે તેઓ બિનખેતીની અરજીઓનો હમણાં નિકાલ ન કરે જેથી સરકારની આવક વધુ થાય.

બિનખેતીની અરજીઓનો ધડાધડ નિકાલ ગૂંચવણો પણ ઉભી કરે તેવી શક્યતા

હાઇકોર્ટ દ્વારા બિનખેતીની અરજીઓ અંગે ત્રણ દિવસમાં નિર્ણય લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ આ આદેશથી હવે તંત્ર ધડાધડ અરજીઓનો નિકાલ કરશે. જેમાં અનેક અરજીઓ જે ઉતાવળમાં રિજેક્ટ થશે તો તેને જંત્રી દરનો માર સહન કરવો પડશે. આવી સ્થિતિના ગૂંચવણ ઉભી થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.