Abtak Media Google News

રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના ખાડા ‘કિલર’ સાબિત થાય તે પૂર્વે જ કેન્દ્રીય પરિવહન મંત્રાલય એક્શન મોડમાં

આગામી એક માસમાં દેશના તમામ રાષ્ટ્રીય ધોરી માર્ગોને ’ખાડામુક્ત’ બનાવી દેવા પરિવહન મંત્રાલયે આદેશો આપ્યા છે. વરસાદને લીધે દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગોને નુકસાન થયું છે અને ધોરીમાર્ગો પર ખાડા પડવાને લીધે અકસ્માત સર્જાવાનો ભય ઉભો થયો છે ત્યારે કેન્દ્રીય પરિવહન મંત્રાલયે નેશનલ હાઇવે ઓથોરિટીને એક માસમાં તમામ ધોરીમાર્ગોને ખાડામુક્ત કરવા આદેશો આપ્યા છે.

સૂત્રોએ જણાવ્યું છે કે, આ અઠવાડિયાની શરૂઆતમાં એક બેઠકમાં માર્ગ પરિવહન સચિવ ગિરધર અરમાણેએ સંબંધિત તમામ અધિકારીઓને જાહેર ફરિયાદ સંદર્ભોને સંબોધવા માટે ચાલી રહેલા વિશેષ અભિયાનના ભાગ રૂપે ખાડાઓ પર વિશેષ ધ્યાન આપવાનો નિર્દેશ આપ્યો હતો. સેક્રેટરીએ કહ્યું હોવાનું જાણવા મળે છે કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના ખાડાઓ અસ્વીકાર્ય છે અને તેથી ફિલ્ડ ઓફિસરોએ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના ખાડાઓ મોટું જોખમ ઊભું કરે છે કારણ કે આવા માર્ગો પર વાહનોની સરેરાશ ઝડપ વધુ હોય છે અને ખાડાઓના લીધે અચાનક બ્રેક મારવાથી મોટી દુર્ઘટના થઈ શકે છે. એક્સપ્રેસ વે પર જ્યાં સ્પીડ લિમિટ વધારે હોય ત્યાં ખાડાઓ ’કિલર’ સાબિત થઈ શકે છે.  તાજેતરના મહિનાઓમાં ઘણા હાઇવે ખાડાયુક્ત બન્યા છે. જેમ કે એનએચ-44 તિરાડોથી ભરાયેલો છે. હવે જ્યારે ચોમાસું પૂરું થઈ ગયું છે, ત્યારે તેમને રિપેર કરવાનો આ યોગ્ય સમય છે. માર્ગ પરિવહન મંત્રાલયે પણ સમયમર્યાદા આપી છે જે ચોક્કસપણે પ્રક્રિયાને ઝડપી બનાવશે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓએ આ કાર્યને ટોચની પ્રાથમિકતા તરીકે હાથ ધર્યું છે અને રોજિંદા ધોરણે પ્રગતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં માર્ગ પરિવહન મંત્રાલયે જાળવણીના કામોની દેખરેખ માટે ગુજરાતમાં બે વરિષ્ઠ અધિકારીઓને તૈનાત કર્યા હતા. જાણવા મળ્યું છે કે ગુજરાતમાં ટોચના અધિકારીઓ દ્વારા સમીક્ષાના ઘણા રાઉન્ડ થયા હતા, જેમાં પીએમના સલાહકાર તરુણ કપૂર, માર્ગ પરિવહન સચિવ અને હાઇવે ઓથોરિટીના ચેરપર્સન અલકા ઉપાધ્યાયનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.