Abtak Media Google News

લોકસભા બાદ રાજયસભામાં પણ ૧૬૫ વિરૂધ્ધ ૭ મતોથી ખરડાને મંજૂરી: હવે કાયદો બનાવવા સીધુ રાષ્ટ્રપતિની મંજુરી માટે મોકલવામાં આવશે

દેશભરનાં સવર્ણોમાં આર્થિક રીતે પછાત રહેલા લોકોને અનામતનો લાભ આપવાની લાંબા સમયથી માંગો ઉઠવા પામી હતી આ મુદે વિપક્ષો પણ સરકારને ભીડવતા હોય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકસભાની ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક મારીને બંધારણમાં સુધારો કરીને આર્થિક પછાત સવર્ણોને ૧૦ ટકા અનામતનો લાભ આપવા ખાસ પેકેજનો ખરડો લાવ્યા હતા.

Advertisement

કોંગ્રેસ સહિતના વિપક્ષોએ પણ આ ખરડાનો વિરોધ કરેલો તેમને સવર્ણોની નારાજગી વ્હોરવી ન પડે તેવા ડરથી મનેકમનેઆ ખરડાને ટેકો આપ્યો હતો. જેથી, લાંબી ચર્ચા બાદ બે દિવસમાં જ આ ખરડાને લોકસભા અને રાજયસભામાં બહુમતિથી મંજૂરી મળી ગઈ હતી, આ ખરડાને શાસક અને વિપક્ષે સાથે મળીને ટુંકા સમયમાં મંજુરી આપતા સંસદના ઈતિહાસમાં એક ઐતિહાસીક ઘટના સમાન બાબત બની હતી.

સર્વણોમાં આર્થિક રીતે પછાત વર્ગના લોકોને શિક્ષણ અને નોકરીમાં ૧૦ ટકાઅનામત આપવાના પેકેજના ખરડો ગઈકાલે રાજયસભામાં રજૂ થયો હતો. બંધારણમાં સુધારો કરવાના આ ૧૨૪માં ખરડાને સવારે રજૂ થતા જ વિપક્ષોએ રાજયસભાનું સત્ર એક દિવસ લંબાવવાના મુદે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

બપોર બાદ આ ખરડા પર ચર્ચા કરવાનું ઠરાવાયું હતુ. બપોર બાદ આ મુદે ચર્ચાનો પ્રારંભ થયો હતો. મોડી રાત્રી સુધી ચાલી હતી. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ આ ખરડાને સંસદની સિલેકટ કમિટી સમક્ષ મૂકવાની માંગ વચ્ચે આ ખરડાનું સમર્થન કર્યું હતુ. આ ચર્ચાના અંતે ખરડા પર રાત્રે ૧૦.૨૦ કાલાકે મતદાન હાથ ધરાતા ૧૬૫ વિરૂધ્ધ ૭ મતથી રાજયસભાએ આ ખરડાને મંજૂરી આપી હતી.

આ પહેલા પરમ દિવસે એટલે કે મંગળવારે લોકસભાએ પણ આ ખરડાને ૩૨૩ વિરૂધ્ધ ૩ મતોની બહુમતિથી મંજૂરી આપી હતી. સામાન્ય રીતે કોઈ પણ ખરડાને સંસદની મંજૂરી મળ્યા બાદ તેને કાયદાનું સ્વરૂપ આપતા પહેલા રાજય વિધાનસભાઓમાં મંજુરી માટે મોકલવામાં આવે છે.

તે બાદ રાષ્ટ્રપતિ પાસે કાયદા બનાવવા સહી કરવા માટે મોકલવામાં આવે છે. પરંતુ આ ખરડાને રજૂ કરતી વખતે મોદી સરકારે સ્પષ્ટ કર્યું હતુ કે આ ખરડાને રાજયોની મંજુરી લેવાની કોઈ જરૂર નથી જેથી આ ખરડાને હવે સીધુ જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે કાયદા બનાવવાની ભલામણ સાથે સહી માટે મોકલવામાં આવશે.

રાજય સભામાં આ ખરડા પર ૧૦ કલાક લાબી થયેલી ચર્ચા દરમ્યાન ડીએમકે અને આઈયુએમ એલ સહિતની પાર્ટીઓએ તેનો વિરોધ કર્યો હતો. જયારે, કોંગ્રેસ, બસપા, સપા, એનસીપી સહિતની વિપક્ષી પાર્ટીઓએ લોકસભાની ચૂંટણી પહેલા સવર્ણો માટે આ ખરડો લાવવાની મોદી સરકારના નિર્ણય સામે વાંધો ઉઠાવીને આ બાબતને ભાજપનો ચૂંટણીલક્ષી વચન ગણાવ્યું હતુ.

જેના જવાબમાં કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતુ કે ક્રિકેટમા આખરી મહત્વની ઓવરોમાં જ છકકા લાગે છે. જોકે આ ખરડોને મોદી સરકારનો પ્રથમ છકકો ગણાવીને હજુ અનેક છકકા લાગશે તેમ જણાવીને હજુ મોદી સરકાર અનેક પ્રજાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણયો લેશે તેવો ઈશારો કર્યો હતો.

જેના જવાબમાં બસપાના સાંસદ સતીષચંદ્ર મિશ્રાએ જણાવ્યું હતુ કે મોદી સરકારનો આ છકકોનો પ્રયત્ન બાઉન્ડ્રી પર કેચ થઈ જશે અને આ ખરડાને સર્વર્ણોના ગરીબ પરિવારો સાથે મજાક સમાન ગણાવ્યો હતો.

જયારે કોંગ્રેસના સાંસદ કપિલ સિબ્બલે ચર્ચા દરમ્યાન જણાવ્યું હતુ કે મંડલ પંચની ભલામણોને યોગ્ય રીતે લાગુ પાડવામાં કેન્દ્ર સરકારને ૧૦ વર્ષલાગ્યા હતા. જયારે આર્થિક પછાતો માટેનો અનામતનો આ ખરડો કોઈ પણ ડેટા વગર લેવામાં આવ્યો છે. જે પણ નોટબંધીની જેમ નિષ્ફળ જશે. અને જુમલાથી વિશેષ કાંઈ નહી એનસીપીનાં સાંસદ પ્રફુલ પટેલે પણ આ ખરડાને ચૂંટણી જુમલા સમાન ગણાવ્યો હતો.

આ ખરડો પસાર થતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ટેકો આપનારા તમામ સાંસદોનો આભાર માનુ છું ટવીટ કર્યું હતુ તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે પણ તમામ પક્ષોનો આભાર માનીને આ ખરડો બે દિવસમાં પસાર થવાની બાબતને ઐતિહાસીક ઘટના બતાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.