Abtak Media Google News

રાજકોટના બંને શખ્સ પાસેથી એલસીબીએ રૂ.૭૨ હજારનો મુદામાલ કબ્જે લીધો

મોરબીમાં મહિલાને પેસેન્જર તરીકે રીક્ષામાં બેસાડી તેમના સોનાના દાગીના સેરવી લેનાર રાજકોટના બે શખ્સોને મોરબી એલસીબીએ ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક રિક્ષામાં બે ઈસમો શંકાસ્પદ હાલતમાં ચોરી કે છળકપટથી મેળવેલ ચીજ વસ્તુ વેચવાની ફિરાકમાં છે. જેને આધારે રીક્ષા નં. GJ-૦૧-XX-૭૨૯૭ની ઇ-ગુજકોપ પોકેટ એપ દ્વારા સર્ચ કરતા કોઈ રીક્ષા શંકાસ્પદ હોય તેથી તેમાં બેઠેલ મહેશ ઉર્ફે લાલો ઉર્ફે મિથુન ચમનભાઈ મકવાણા +રહે. રાજકોટ, જંગલેશ્વર શેરી નં.૩, હુસેની ચોક) તથા બૈરજુભાઈ ગાંડુભાઈ સોલંકી (રહે. બાપુનગર, ૮૦ ફૂટ રોડ) વાળાની પુછતાછ કરી હતી. જે દરમ્યાન બૈરજુએ પેસેન્જર તરીકે બેઠેલો હોવાનું જણાવ્યું હતું. તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી સોનાનો લેડીઝ ચેઇન મળી આવેલ હતો. જે ચેઇન તથા ઓટો રીક્ષા બન્નેના આધાર પુરાવા માંગતા તે નીકળ્યા ન હતા. બન્ને શખ્સોની સઘન પુછતાછ આદરતા બન્ને મહિલા સાગરીત બાલુબેન રામજીભાઈ પરમાર (રહે. કુબલિયાપરા) વાળા સાથે મળીને દસથી બાર દિવસ પૂર્વે મોરબી સરકારી દવાખાના પાસેથી એક મહિલાને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી મહિલાના ગળામાંથી સોનાનો ચેઇન નજર ચૂકવી સેરવી લઈ ચોરી કરેલ હોય જે ચેઇન વેચવા માટે નીકળ્યા હોવાનું જણાવ્યું હતું.

જેથી એલસીબીએ ચેઇન કિંમત રૂ. ૫૭,૩૧૦/- અને ઓટો રીક્ષા કિંમત રૂ.૧૫૦૦૦/- મળીને કુલ ૭૨,૩૧૦/-નો મુદામાલ કબ્જે કરી એ ડિવિઝનને સોંપેલ છે. પકડાયેલ આરોપીઓ એક મહિલા સાગરીત સાથે રિક્ષામાં અલગ અલગ શહેરોમાં જઈ એકલ-દોકલ મહિલાઓને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી નજર ચૂકવી મહિલાઓના શરીર ઉપર પહેરેલા દાગીનાઓની ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવતા હોવાનું ખુલ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.