Abtak Media Google News

કૃષિ યુનિ.ના વૈજ્ઞાનીકોના માર્ગદર્શનથી ડ્રીપ એરીગેશનની મદદથી જીવામૃતનો ઉપયોગ કર્યો: નજીવા ખર્ચમાં પુષ્કળ ઉત્પાદન

ખેતી કર્મઠ અને ઉતમ વેપાર આ વાતને હાલના વૈજ્ઞાનિક યુગમાં ઉલટી કરી બતાવી છે. તજજ્ઞોના માર્ગદર્શન અને ખેડૂતની પોતાની ઈચ્છાશકિત નાના એવા ખેતરને મોટી ઈન્ડસ્ટ્રીઝ બનાવી શકે છે. આવી જ એક વાત જુનાગઢના વડાલ ગામે જોવા મળી હતી. આ ગામના ખેડૂતે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનો લાભ લઈ રાસાયણીક ખાતરોની પળોજણમાંથી બહાર આવી જૈવિક ખેતી તરફ વળી નાનકડા એવા ખેતરમાં શાકભાજીનું વાવેતર કરી લાખોની કમાણી કરી ખુશહાલ થયાનું જાણવા મળ્યું હતું.

આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢના વડાલ ગામે રહેતા અભ્યાસુ અને ખંતીલા ખેડૂત હિતેષભાઈ હરીભાઈ દોમડીયાએ પોતાના ત્રીસ વિઘા ખેતરમાં જૈવિક ખેતીનો ઉપયોગ કરી સાથે સાથે આ બાબતે કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોનું માર્ગદર્શન લઈ નાના એવા ખેતરમાંથી લાખોની કમાણી કરી ખુશહાલ થયા હતા અને એક તબકકે કર્મઠ ખેતી અને ઉતમ વેપારન જુના કથનને રીતસર ખોટુ પાડી ઉતમ ખેતી અને કર્મઠ વેપાર આવુ નવુ સુત્ર તૈયાર કર્યુ હતું. કૃષિ યુનિવર્સિટીના ડો.પારખીયા તેમજ ડો.ગોહેલની ટીમના માર્ગદર્શન નીચે ખેડૂતે પોતાના ખેતરમાં ડ્રીપ એરીગેશનની મદદથી જીવામૃતનો ઉપયોગ કરી મબલખ પાક મેળવ્યો હતો. રાસાયણીક ખેતીની સામે નજીવા ખર્ચમાં જૈવિક ખેતી થતી હોવાનું તેમણે સ્વિકારી સાથે સાથે આપણી સંસ્કૃતિમાં પણ ગાયનું મહત્વ અને આ જીવામૃત પઘ્ધતિમાં ગાયની મોટી ભૂમિકા હોય આવકની સાથે સંસ્કૃતિની પણ માવજત થતી હોવાનું તેમણે સ્વિકાર્યું હતું.

બાર ધોરણ સુધી અભ્યાસ કરેલા ખેડુતે પોતાની ત્રીસ વિઘા ખેતીને રીતસર નાની ફેકટરી બનાવી દીધી છે. ગાય આધારીત જીવામૃત એક એકરમાં ૨૦૦ લીટર જેટલુ ચડાવવાથી ખેતીને સારો એવો ફાયદો થયો હોવાનું તેમણે સ્વિકાર્યું હતું. સાથે-સાથે રસાયણિક ખાતરનું પ્રમાણ તેમજ જંતુનાશક દવાઓનું પ્રમાણ નહિવત થઈ જવાને કારણે ઉતમ કવોલીટીનો પાક તેઓ ઉત્પાદન કરી શકયા હતા. રસાયણિક ખાતરની જગ્યાએ જીવામૃત અને જંતુનાશક દવાની જગ્યાએ ગૌમુત્ર વાસી છાશ તેમજ દુધ તેમણે ખેતી ઉપર છંટકાવ કરી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોના માર્ગદર્શનથી ખેતીમાં ઉભા થતા રોગો સામે સારુ એવું રક્ષણ મેળવ્યું હતું. છેલ્લા વર્ષ દરમિયાન તેમણે મુખ્ય ટમેટા સહિત પોતાના ખેતરમાંથી છાણા, લસણ, કપાસ જેવા અનેક પાકોમાં ઉત્પાદન મેળવી લાખોની કમાણી કરી ખુશહાલ થયા હતા. સાથે સાથે પોતાના ગામના અને સેઢા પાડોશી અન્ય ખેડુતોએ પણ તેમને અનુસરી જૈવિક ખેતી તરફ વળવાનું નકકી કર્યું હોવાનું તેમની એક મુલાકાતમાં જાણવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.