Abtak Media Google News

સીસીટીવીથી અને હથિયારબદ્ધ જવાનોથી સજ્જ જેલમાં હત્યાની ઘટના બનતા જેલ પ્રશાસન પર ઉઠ્યા સવાલ

તિહાડ જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયા ઉર્ફે સુનીલ માનની હત્યા કરવામાં આવી છે. મંગળવારે સવારે જેલમાં બંધ બદમાશોએ લોખંડની ગ્રીલ તોડીને તેના પર હુમલો કર્યો હતો. બદમાશોએ ટિલ્લુના પેટમાં લોખંડનો સળિયો માર્યો હતો . આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેલના કર્મચારીઓએ તેને ઝડપથી દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હવે જયારે તિહાડ જેલ કે જેને દેશની સૌથી સુરક્ષિત જેલ માનવામાં આવે છે ત્યાં જ 100 ઘા ઝીંકી હત્યા નીપજવવામાં આવી છે ત્યારે તિહાડ જેલ સુરક્ષિત કેવી રીતે? તે સવાલ ઉઠ્યો છે.

અંદાજિત 3 સપ્તાહ પૂર્વે તિહાડ જેલમાં જ પ્રિન્સ તીવેટિયા નામના શખ્સની હત્યા કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, તિહાડ જેલ સીસીટીવી કેમેરાથી સજ્જ છે ત્યારે હત્યારાઓ જેલની બેરેક તોડીને બહાર આવ્યા, ટીલ્લું સુધી પહોંચી ગયાં અને 100 ઘા પણ ઝીંકી દીધા તો ત્યાર સુધી સીસીટીવી કેમેરામાં હલચલ કેમ દેખાઈ નહીં? હત્યારાઓ પાસે બેરેક તોડવા હથિયાર ક્યાંથી આવ્યુ? આ તમામ સવાલો ઉઠ્યા છે.

તિહાડ જેલમાં બંધ ટીલ્લુ તાજપુરિયાનું સવારે સાડા છ વાગ્યે દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં નિધન થયું હતું. ટિલ્લુ પર હુમલો કરનાર બદમાશનું નામ યોગેશ ટુંડા છે. આ હુમલામાં યોગેશના સાથીઓએ પણ તેને સાથ આપ્યો હતો. જોકે પોલીસે હવે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, ટિલ્લુ તાજપુરિયા સામે હત્યા સહિતના અનેક ગુના નોંધાયેલા છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આજે સવારે માહિતી મળી હતી કે, જેલમાં બે લોકો ઘાયલ થયા છે. તેને દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટિલ્લુને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહીં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ તરફ હુમલામાં ઘાયલ થયેલા રોહિતની સારવાર ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, રોહિણી કોર્ટની અંદર કોર્ટ રૂમમાં ગેંગસ્ટર જિતેન્દ્ર ગોગીની હત્યામાં ટિલ્લુ સામેલ હતો. આ દરમિયાન દિલ્હી પોલીસે એન્કાઉન્ટરમાં ટિલ્લુ ગેંગના બે શૂટરોને ઠાર માર્યા હતા. જીતેન્દ્ર ગોગી અને ટિલ્લુ તાજપુરિયા વચ્ચે કોલેજકાળથી જ દુશ્મની હતી, તેઓ એકબીજા પર હુમલો કરતા હતા. ગેંગ વોરમાં બંને ગેંગના ડઝનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, જીતેન્દ્ર ગોગીની હત્યા બાદ આ ઘટના બદલાની ભાવનાથી તો નથી ને.

ટિલ્લુ વિરુદ્ધ હત્યા-ગેરકાયદેસર કબજો અને ખંડણી સહિતના ગુનાઓ નોંધાયેલા છે. કહેવાય છે કે, ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગી અને ટિલ્લુ બેસ્ટ ફ્રેન્ડ હતા. પરંતુ કોલેજની ચૂંટણી દરમિયાન બંને વચ્ચે મુકાબલાની સ્થિતિ સર્જાવા લાગી હતી. આ માટે એક કારણ હતું. કારણ કે બંને અલગ-અલગ ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા હતા. કોલેજ છોડ્યા બાદ બંને ગુનાની દુનિયામાં આવ્યા. આ પછી બંનેએ એકબીજા પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.