Abtak Media Google News

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં સતત ૧૨ દિવસથી વરસાદ ચાલુ રહેતા હવે અતિવૃષ્ટિની દહેશત

ગુજરાત પર ઈન્દ્રદેવ જાણે કોપાયમાન થયા હોય તેમ છેલ્લા ૧૨-૧૨ દિવસથી અવિરત વરસાદ ચાલુ હોવાના કારણે રાજયમાં હવે અતિવૃષ્ટિનો ખતરો ઝળુંબી રહ્યો છે. મેઘરાજાને હવે ખમૈયા કરવા માટે લોકો રીતસર વિનવી રહ્યા છે. આગામી ૨૪ કલાક ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ધીમીધારે વરસાદ ચાલુ છે. ઉતર ગુજરાતને મેઘાએ ધમરોળી નાખ્યું છે. સર્વત્ર ૨ થી લઈ ૯ ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પુરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. સતત ૧૨ દિવસથી વરસાદ ચાલુ હોય રાજયમાં જનજીવન પર વ્યાપક અસર પડી છે.

Advertisement

દેશભરમાં આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ સૌથી વધુ સક્રિય થયું છે. રાજયમાં ૧૨ દિવસથી અવિરત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રને ધમરોળીયા બાદ છેલ્લા ત્રણ દિવસથી વ‚ણદેવ ઉતર ગુજરાત પર કોપાયમાન થયા હોય તે રીતે અનરાધાર વરસી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૨૫ જિલ્લાના ૧૬૦ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની સરખામણીએ છેલ્લા ત્રણ દિવસ ઉતર ગુજરાતમાં સુપડાધારે વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન હિંમતનગરમાં ૯ ઈંચ, અમીરગઢ અને ધનેરામાં ૬ ઈંચ, ડિસા, પ્રાંતીજ, મોડાસામાં ૫ ઈંચ, દાતા, દિયોદર, સાતલસાણા, ધનસુરા, વિજાપુર, કલોલ અને માણસામાં ૪ ઈંચ જયારે વડનગરમાં ૩ ઈંચ જેટલો અનરાધાર વરસાદ વરસી ગયો હતો. ભારે વરસાદના કારણે રાજયમાં ૫૦ હજારથી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા અને પાટણમાં રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની ૯ અને બીએસએફની બે ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. વરસાદના કારણે ગુજરાતમાં અબજો ‚પિયાનું નુકસાન થવા પામ્યું છે. ગઈકાલે ગુજરાતમાં પુરગ્રસ્ત વિસ્તારોના નિરીક્ષણ કયર્ા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાત્કાલિક સહાય પેટે ગુજરાતને ૫૦૦ કરોડ ‚પિયા આપવાની જાહેરાત કરી હતી.

બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી સહિતના ઉતર ગુજરાતના તમામ જિલ્લાઓની હાલત ભારે કફોડી બની જવા પામી છે. આ જિલ્લાના સેંકડો ગામો સંપર્કવિહોણા થઈ ગયા છે. છેલ્લા ૩ દિવસથી સતત વરસાદ ચાલુ હોવાના કારણે રાહત અને બચાવ કાર્ય પર પણ વ્યાપક અસર પડી રહી છે. ભારે વરસાદના કારણે રાજયમાં એસ.ટી.બસની ૧૧૪૬ ટ્રીફ રદ કરી દેવામાં આવી છે. માળીયામિંયાણા અને ડિસા વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને ૧૧ ટ્રેનો રદ કરી દેવાઈ છે. વરસાદથી ખેતીનો સત્યનાશ નિકળી ગયો છે. રાજયના કૃષિમંત્રી ચીમનભાઈ શાપરીયાએ પાકધોવાણ માટે સેટેલાઈટ સર્વે કરવા અને તાત્કાલિક સહાય ચુકવવા આદેશ આપી દીધો છે. અમદાવાદ અને સૌરાષ્ટ્ર વચ્ચે રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો છે.

ભારે વરસાદની આગાહી ચાલુ કાલથી મેઘાનું જોર ઘટશે

હવામાન વિભાગે આગામી ૨૪ કલાક સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારે વરસાદની આગાહી આપી છે. અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે. દરમિયાન આવતીકાલથી રાજયમાં વરસાદનું જોર ઘટશે અને મેઘવિરામ જેવો માહોલ જોવા મળશે. હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, હાલ લો-પ્રેશર મધ્ય રાજસ્થાન અને તેના સાથે જોડાયેલા વિસ્તારો પર કેન્દ્રિત થયું છે અને અપરએર સાયકલોનીક સરકયુલેશન દરિયાઈ સપાટીથી ૭.૬ કિલોમીટરની ઉંચાઈ પર છે. જેની અસરતળે રાજયમાં આગામી ૨૪ કલાક ભારે વરસાદ વરસી શકે છે. અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના રહેલી છે. આવતીકાલથી વરસાદનું જોર ઘટશે અને ઉખાડ નિકળશે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સવારથી ધીમીધારે વરસાદ

છેલ્લા ૧૨ દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે મંગળવારે એકંદરે મેઘવિરામ જેવો માહોલ જોવા મળ્યો હતો. આજે સવારથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ૧૨ દિવસથી સુર્યનારાયણની ગેરહાજરી અને વરસાદી વાતાવરણના કારણે હવે રોગચાળો ફાટી નિકળવાની પણ દહેશત ઉભી થવા પામી છે. લોકો મેઘરાજાને ખમૈયા કરવા આજીજી કરી રહ્યા છે ત્યારે આજે સવારથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આગામી ૨૪ કલાક સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. નદી, નાલા સતત છલકાય રહ્યા હોય જળાશયોમાં નવા નીરની આવક સતત ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.