Abtak Media Google News

માર્ગ અકસ્માતના કલેઈમ કેસમાં ૧૦૦ અરજદારો સાથે આઈસીઆઈસીઆઈ વીમા કંપની સાથે થયું સુખદ સમાધાન

કોરોનાના કારણે લાંબા સમયથી કોર્ટ કાર્યવાહી ઠપ્પ થઈ ગયા બાદ કેસનું ભારણ ઘટાડવા માટે યોજાયેલી લોક અદાલતમાં માર્ગ અકસ્માત કેસ અંગે વિવિધ વિમા કંપનીઓ સાથે ૧૦૦ જેટલા અરજદારોએ લોક અદાલતના માધ્યમથી કરેલા સમાધાન બાદ રૂા.૧.૬૭ કરોડનું વળતર ચુકવવા હુકમ થયો છે.

ન્યાય પ્રણાલીને ઝડપી બનાવવા અનેકવિધ પ્રયત્નો કરવામાં આવતા હોય છે ત્યારે રાજકોટ સેશન્સ કોર્ટ ખાતે કલેઈમ બાર એસોસીએશન દ્વારા ઈ-લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ યુ.ટી.દેસાઈ, સ્પેશિયલ ટ્રિબ્યુનલ જજ ડી.એ.વોરા, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં સેક્રેટરી હરેશ જોટાણીયા તેમજ ડી.કે.દવે સહિતના ટ્રિબ્યુનલ જજ તેમજ એમ.એ.સી.પી. બારના પ્રમુખ આર.આર.મહેતા સહિતનાં ધારાશાસ્ત્રીઓ હાજર રહ્યા હતા.

કોરોનાના કહેર વચ્ચે છેલ્લા લાંબા સમયથી કોર્ટની ફિઝીકલ કામગીરીઓ બંધ અવસ્થામાં છે. જરૂરી જામીન પ્રક્રિયા સહિતની અમુક ગણતરીની કામગીરીઓ ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવે છે તેવા સંજોગોમાં રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં કલેઈમ સ્વરૂપના રૂપિયા ૨૫ કરોડ જમા પડયા હતા ત્યારે ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટના પ્રિન્સીપાલ જજ યુ.ટી.દેસાઈના માર્ગદર્શન હેઠળ પ્રથમ ઈ-લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, લોક અદાલત એવી વ્યવસ્થા છે કે જયાં બંને પક્ષોનો વિજય થાય છે. કલેઈમના સંદર્ભમાં વાત કરવામાં આવે તો કેસ ચલાવીને વળતર મેળવવામાં સામાન્ય રીતે પાંચેક વર્ષનો સમય લાગતો હોય છે. ત્યારે લોક અદાલતમાં અરજદારોને તાત્કાલિક બેથી ત્રણ માસમાં વળતર આપી દેવામાં આવે છે.

હાલનાં કોવિડ-૧૯ વાયરસની મહામારીના અતિવિકટ સમયમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જન. ઈન્સ્યોરન્સ કંપની લિ.એ સામાજીક જવાબદારીના ભાગરૂપે પહેલ કરીને લોક અદાલતના સમાધાનમાં ચુકતે કરવાની વળતરની રકમના ડિમાન્ડ ડ્રાફટ ડિસ્ટ્રીકટ કોર્ટ ખાતે જમા કરાવ્યા છે જેથી અરજદારોને સુનાવણી થયા બાદ આશરે એક સપ્તાહમાં વળતરની રકમ ચુકવી દેવામાં આવશે. આજરોજ યોજાયેલી ઈ-લોક અદાલતમાં કુલ ૪૪ કેસના સમાધાન થયા હતા જે કેસોની કુલ સમાધાન-વળતરની રકમ ૧,૬૭,૭૩,૫૦૦ રૂપિયા ડિમાન્ડ ડ્રાફટથી ટ્રિબ્યુનલમાં જમા કરાવી છે.

ઝડપી ન્યાય પ્રણાલીમાં લોક અદાલતના ભૂમિકા મહત્વપૂર્ણ: સ્પેશિયલ ટ્રિબ્યુનલ જજ ડી.એ.વોરા

Dsc 1035

ઈ-લોક અદાલત અંગે સ્પેશિયલ ટ્રિબ્યુનલ જજ ડી.એ.વોરાએ અબતક સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાના કાળમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પૈસાની તાતી જરૂરીયાત રહેતી હોય છે તેવા સમયમાં નામદાર હાઈકોર્ટની સુચના મુજબ રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે ઈ-લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે ૧૦૦ જેટલા અરજદારો વિડીયો કોન્ફરન્સ મારફત હાજર રહ્યા હતા.

વિડીયો કોન્ફરન્સ મારફતે સામ-સામે બંને પક્ષકારોને રાખી સુખદ સમાધાન કરાવવામાં આવ્યું છે. તેમજ સમાધાન બાદ વળતર પેટેની રકમ ટુંક સમયમાં અરજદારોને ચુકવી દેવામાં આવે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જે રીતે ઝડપી ન્યાય પ્રણાલી માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તે મુજબ ઈ-લોક અદાલત તેમજ લોક અદાલત ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જે કેસમાં બંને પક્ષકારો સમાધાન માટે તૈયાર હોય તેવા કેસોને એક જ સ્થળે ટુંકા સમય મર્યાદામાં ચુકાદો આપી સુખદ સમાધાન કરાવી દેવામાં લોક અદાલતની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ છે. મારા મત મુજબ અવાર-નવાર આ પ્રકારે લોક અદાલતનું આયોજન કરવું જરૂરી છે.

અરજદારોનું સુખદ સમાધાન, ટુંક સમયમાં વળતર ચુકવી દેવાશે: હરેશ જોટાણીયા

Dsc 1040

ઈ-અદાલત બાદ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં સેક્રેટરી જજ હરેશ જોટાણીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આશરે ૧૦૦ જેટલા પક્ષકારોને લોક અદાલતમાં વિડીયો કોન્ફરન્સ મારફતે હાજર રાખીને કોર્ટે ઝડપી ન્યાય પ્રણાલી સ્વરૂપે સુખદ સમાધાન કરાવી વળતરની રકમ ચુકવવા તજવીજ હાથધરી છે. ટુંકાસમયગાળામાં અરજદારોને વળતરની રકમ પણ ચુકવી દેવામાં આવશે. નામદાર પ્રિન્સીપાલ જજ યુ.ટી.દેસાઈના માર્ગદર્શન હેઠળ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

માર્ગ અકસ્માત સહિતના કિસ્સાઓમાં બંને પક્ષે સુખદ સમાધાન કરાવતી કોર્ટ: આર.આર.મહેતા

Dsc 1016

એમ.એસ.સી.પી. બાર એસોસીએશનનાં પ્રમુખ આર.આર.મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા લાંબા સમયથી કોર્ટ કાર્યવાહી ફિઝીકલ બંધ હોવાથી કેસોનો ભરાવો થઈ રહ્યો હતો ત્યારે કેસનો નિકાલ કરવા તેમજ અરજદારોને વળતર પેટે રકમ વહેલી તકે ચુકવાય તે હેતુસર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે ૧૦૦ જેટલા અરજદારો હાજર રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી કોર્ટની કાર્યવાહી બંધ હોવાથી અનેકવિધ અરજીઓનો ભરાવો થઈ જતા લોક અદાલતનું આયોજન કરી અરજદારોને વિડીયો કોન્ફરન્સ મારફતે સાંભળવામાં આવ્યા હતા. તમામ કેસોમાં અરજદારોને વિડીયો કોન્ફરન્સથી સાંભળ્યા બાદ બંને પક્ષે સમાધાન થતા આશરે ૧.૬૭ કરોડ રૂપિયાની રકમ વળતર પેટે ટ્રિબ્યુનલમાં જમા કરાવી દેવામાં આવી છે. આશરે ૫ દિવસમાં તમામ અરજદારોને તેમની વળતરની રકમ ચુકવી દેવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં ઈજા, મૃત્યુ સહિતના કિસ્સામાં વળતર પેટે ચુકવવાની થતી રકમ માટે કલેઈમ બાર એસોસીએશન દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું છે તેમજ સાથે સાથે આઈસીઆઈસીઆઈ ઈન્સ્યોરન્સ કંપનીએ પણ ખુબ સારી કામગીરી કરી સમાધાન પેટેની રકમ ત્વરીત ધોરણે ટ્રિબ્યુનલમાં જમા કરાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.