Abtak Media Google News

સોશિયલ સાઇટ ફેસબુકમાં અપલોડ કરેલ હેશટેગ કપલ ફોટો તાત્કાલીક ડિલીટ કરવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ નો  અનુરોધ

રાજકોટ શહેરમાં ચાલતી સાઇબર ક્રાઇમ અંગેની પ્રવૃત્તિ રોકવા માટે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સતત કાર્યરત છે. આજકાલ સોશિયલ મીડિયામાં  ફેસબુક પર કપલ ચેલેન્જ સ્વીકારી પોતાની જીવનસંગીની જોડે ફોટો અપલોડ કરવાની લોકોને ઘેલછા લાગી છે. રાજકોટ શહેરમાં ગાડરિયા પ્રવાહની જેમ મોટા ભાગના ફેસબુક યુઝર્સ કપલ ફોટો અપલોડ કરી રહ્યા છે. સાઇબર ક્રાઇમને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશ્નર ખુર્શીદ અહેમદ સહિત સાયબર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તમામ શહેરીજનો કે જેઓ ફેસબુક  યુઝર્સ છે  તેઓને સખ્ત ભાષામાં ચેતવણી આપી છે.  પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે ફેસબુક પર “હેશટેગ કપલ ચેલેન્જ” ફોટો અપલોડ કરવાની લોકોને ઘેલછા લાગી છે પરંતુ આ ઘેલછા લોકોને ખૂબ જ ભારે પડી શકે તેમ છે. કપલ ચેલેન્જની સાથે અન્ય પણ વિવિધ ચેલેન્જ લોકો સ્વીકારી અનેક ફોટા અપલોડ કરી રહ્યા છે. વધુ પડતા કપલ ફોટા અપલોડ કરવાથી આ ફોટા નું મોફિંગ થવાને કારણે સોશીયલ મીડિયામાં વિવિધ સાયબર ક્રાઇમના બનાવો બનવાની શકયતા છે . ફેસબુકમાં આ પ્રકારની ચેલેન્જ ના નામે કોઈ પણ ફેસબુક યુઝર્સએ ભ્રમિત થઈને પોતાના કપલ ફોટા અપલોડ કરવા નહીં, અને જો કપલ ફોટો અપલોડ કરેલા હોય તો તે તાત્કાલિક  “ડીલીટ”  કરી નાખવા પોલીસ કમિશ્નરે શહેરીજનોને અનુરોધ કર્યો છે. પોલીસ કમિશ્નરે વધુમાં કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે ફોર વ્હીલ વાહન ચલાવતા આવડતું ન હોય, છતાં પણ ડ્રાઇવિંગ સીટ પર બેસીને વાહન ચલાવીએ તો અકસ્માત થવાનો જ છે. એ જ પ્રકારે સોશિયલ મીડિયા યુઝર્સે સાયબરના નિયમો જાણીને જ સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.

આડેધડ સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગને કારણે લોકોને સાયબર ક્રાઇમનો ભોગ બનવાનો વારો આવે છે. લોકોને વિનંતી છે મહેરબાની કરીને ફેસબુક પર આવતી કોઈ પણ ચેલેન્જ સ્વીકારશો નહીં અને તમે અપલોડ કરેલા કપલ ફોટા તાત્કાલિક ડીલીટ કરશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.