Abtak Media Google News

ભારતના માનવ સંશાધન મંત્રાલયે દરેક રાજ્ય સરકારને વિદ્યાર્થીઓને ઉચકવાનો રહેતો ભણતરભાર ઘટે એ આશયથી  બાળકના સ્કૂલબેગમાં ઉંમર અને ધોરણ મુજબ વજન નક્કી કરવા અંગે પરિપત્ર લખ્યો. હાઇકોર્ટના ફરમાન મુજબ બાળકોના દફ્તરનો ભાર સત્વરે ઘટાડવો જરૂરી છે. આ નિર્ણય સાથે કેન્દ્રસરકારના શિક્ષણ વિભાગે દેશની તમામ શાળામાં ભણતા ધોરણ ૧થી૧૦ ના બાળકો માટે એમના સ્કૂલબેગનું વજન નક્કી કર્યું છે. નક્કી થયેલા વજન અને નિયમને ચુસ્તપણે અમલમાં મૂકવા માટે પણ આદેશ કર્યો છે.

બાળકના સ્કૂલબેગના વજન અંગે લેવાયેલ નિર્ણયમાં  ધો.૧ થી ૨  માટે દોઢ કિલો, ૨ થી ૫ માટે બે થી ત્રણ કિલો, ધો. ૬ થી ૭ માટે ચાર કિલો, ધો. ૮ થી ૯ માટે સાડાચાર કિલો અને ધોરણ ૧૦ માટે પાંચ કિલો નક્કી કરવામાં આવેલ છે. આ સાથે બાળકોના હોમવર્ક માટે પણ સૂચના આપવામાં આવેલ છે જે મુજબ ધો. ૧ થી ૧૦ ના બાળકોને  હોમવર્ક આપવામઆવશે નહિ સાથોસાથ ધો. ૧થી ૨ ના બાળકોને  ભાષા અને ગણિત સિવાયના પુસ્તકો લાવવા માટે દબાણ કરી શકાશે નહીં. ધો. ૩ થી ૪ માં ગણિત અને વિજ્ઞાનના વિષયોમાં એનસીઇઆરટી સિવાયના કોઈ પણ સહાયક પુસ્તક લાવવા અંગે શાળા દબાણ નહિ કરે. હાઇકોર્ટના ઓર્ડરનો અમલ બરાબર થાય એ માટે એક સમિતિની રચના પણ કરવામાં આવશે ધો. ૧ અને ૨ માટે અભ્યાસક્રમ ઘટાડવામાં આવશે ઉપરાંત ઓછી ઉપયોગિતા ધરાવતા પાઠને અભ્યાસક્રમમાંથી કાઢી નાખવાનો મુદ્દો પણ ઉમેરવામાં આવ્યો છે.

નિર્ણય ખરેખર સારો અને સાચો છે પરંતુ સવાલ એ છે કે શું માત્ર સરકારના આ નિયમ અને હાઇકોર્ટના ફેસલાથી ખરેખર બાળકનો ભાર ઘટશે??

સ્કૂલબેગના ભારથી લદાયેલું બાળક ગરદન,કરોડરજ્જુ અને કમરના દુખાવાની બીમારીઓ નાનપણથી જ ભોગ બની રહ્યું છે. સતત બદલાતા અભ્યાસક્રમ અને સતત અઘરું થતું જતું ભણતર બાળક પહેલાં વાલીઓનો ભાર વધારી રહ્યું છે. જુના અભ્યાસક્રમ મુજબ જે ૧૦માં ધોરણમાં ભણતા એ હવે આજે ૬ કે ૭ માં ધોરણમાં બાળકો ભણી રહ્યા છે.

બદલાતા સમય સાથે બાળકોનો આઈકયુ લેવલ ઉંચો ગયો છે એમા કોઈ શક નથી. ટેકનોલોજીના વિકાસ સાથે અભ્યાસમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. પહેલાના સમયમાં બાળકના ભણતરની હરીફાઈ વધીને એના જિલ્લા કે રાજ્ય પૂરતી હોતી જે હવે આંતરરાષ્ટ્રીય થઈ જવા પામી છે. અન્ય બાળક કરતા હોશિયાર બને અને આગળ રહે તેમ જ ઉંચી અને અઘરી ફેકલ્ટી જ પસંદ કરે એ અપેક્ષાએ પેરેન્ટ્સ પોતે જ બાળકનો ભાર વધારી રહ્યા છે એનું શું??

બાળકને  સૌથી આગળ અને સૌથી ઊંચું જોવાની ઝંખનામાં પેરેન્ટ્સ એનું બચપણ છીનવી રહ્યા છે. શાળાનો ભાર બાળકની ઉંમર અને ક્ષમતા મુજબ જ નક્કી થાય છે પરંતુ શાળાઓ ખુલતાં જ બાળક સામે  અવનવી રેફરન્સ બુક્સનો ઢગલો કરી એને રીફર કરાવતા પેરેન્ટ્સ બાળકનો માનસિકભાર ક્યારે ઓછો કરશે?  શિક્ષણ અત્યારના સમયમાં કમાણીનો સર્વોત્તમ સ્ત્રોત છે. પાઠ્યપુસ્તક સિવાયની અલગ અલગ રેફરન્સ બુક્સ અને જનરલ નોલેજ બુક્સના નામે સ્કૂલ કેમ્પસમાં હાટડી ખુલી જ જતી હોય છે.

શાળા ઉપરાંત અલગ અલગ વિષયના અલગ અલગ ટ્યુશન અને દરેક ટ્યુશનનું હોમવર્ક પણ ખરું જ. રમવું-કુદવું, તોફાન-મસ્તી અને નિર્દોષ હાસ્ય હવે કોઈ શાળામાં ભાગ્યે જ જોવા મળે છે. બાળક બાળક મટીને મશીન બનીને રહી ગયું છે.

માતાપિતા પોતાના બાળક માટે જોયેલા સપનાં પુરા કરવા અને પોતાના અધૂરા રહી ગયેલા સપનાંને બાળકોમાં રોપી એ પુરા કરવાની ધૂનમાં એ ભૂલી રહ્યા છે કે એમની ધૂન કે જીદ એના બાળકને શારીક,માનસિક નુકશાન પહોંચાડી રહ્યું છે.

ટેકનોલોજીના વિકાસ સાથે નોલેજ મેળવવાની વિશાળ તક ઉભી થઇ છે એ હકીકત છે પરંતુ પાઠ્યપુસ્તકના ભારથી બેવડું વળી ગયેલું બાળક નોલેજને પણ ભણતર સમજી એનાથી ભાગી રહ્યું છે. અદ્યતન ટેકનોલોજી અને ઈન્ટરનેટ દ્વારા વધુ સારી રીતે સમજી અને શીખી શકતા બાળકને પુસ્તકના થોથાંમાંથી કાઢી વિશાળ ફલક પર ખુલ્લું મુકવામાં આવશે તો જ એ પ્રેક્ટિકલી વધુ સારું અને સમજણ પૂર્વકનું બહેતર પરફોર્મન્સ આપી શકશે.

કેન્દ્રસરકારે લીધેલ નિર્ણય સરાહનીય છે જ અને એ નિર્ણયથી વિદ્યાર્થીના ’ખભાનું વજન’ ચોક્કસ હળવું થશે જ પરંતુ એના ’મન-મગજનો બોજો’ તો પેરેન્ટસે જ હળવો કરવો રહ્યો.

સ્કૂલબેગ: બાળપણની એકમાત્ર જણસ

નાનકડી પેટીમાં ચાર પુસ્તક

ઠીકરાંની પાટી

પાણી-પોતા ની ડાબલી

કોરું પોતું અને એક પેન

બસ, આ જ મારો ખજાનો..

બહુ ચિવટપૂર્વક વાસેલું

નાનકડું તાળું અને

ગળામાં પહેરેલા

કાળા દોરમાં લટકતી ચાવી   આહા.!!

એવા વટથી ટટ્ટાર ચાલતાં કે જાણે

આખાય રજવાડાના ખજાનચી ન હોઈએ..!!!

પણ હાય રે સમય..!!!!

ઝુકેલી ગરદન

વજનથી બેવડાયેલી કમર

કરમાઈ ગયેલા ફૂલ જેવો

નિસ્તેજ ચહેરો

સાઈડ પોકેટમાં રહેલી બોટલના

ઠંડા પાણીથી પણ

તાજગી ન મેળવી શકતી

ધીમી માંદલી ચાલ

જાણે અનાજની ગુણ ઊંચકીને

જઇ રહેલો અશક્ત આધેડ મજૂર….!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.