Abtak Media Google News

તહેવારોની વિધીના નામે કુ-રિવાજો, બદીની વિકૃતિ સામાજીક ધર્મ-સંસ્કૃતિને ‘ઠેસ’ ન પહોંચાડે તેની સજાગતા પ્રત્યેક તહેવારોની ઉજવણીમાં જળવાવવી જોઇએ…..

ભારતીય સમાજ જીવનમાં તહેવારનું ખૂબ મહત્વ છે. વિવિધતામાં એકતા સાથે વિવિધ ધર્મના લોકો વચ્ચે તહેવારોની ઉજવણીનું મહત્વ એક સમાન જોવા મળે છે. તમામ તહેવારો સાથે ધર્મ સંસ્કૃતિ અને સામાજીક પરિવર્તનના સંદેશાઓ રહેલાં હોય છે. તહેવાર માત્ર ધાર્મિક માન્યતા અને સાંસ્કૃતિક વિરાસતના વિકાસના માધ્યમ તરીકે ઉજવાતા નથી તહેવાર ધાર્મિક ઉપરાંત સામાજીક અને મનોવૈજ્ઞાનિક ધોરણે પણ ખૂબ જ મહત્વ રહેલું છે. તહેવારોનો મુખ્ય ઉદ્ેશ માનવ સમાજમાં પેઢી દર પેઢી સંસ્કારો, સંસ્કૃતિ અને સદ્વિચારોને નવારૂપમાં ઢાળી માનવીને સમાજ અને રાષ્ટ્ર પ્રતિ સમર્પણના ભાવ ઉજાગર કરવાનો હોય છે.

Advertisement

ભારતને તહેવારોનો દેશ ગણવામાં આવે છે. અહીં દરેક ધર્મના તહેવારોની  વિધી અલગ-અલગ છે પરંતુ તમામ ધર્મનો ઉદ્ેશ એક સમાન જોવા મળે છે જેમાં સામાજીક એકતા, એકબીજા પ્રત્યે ભાતૃ ભાવના, ધર્મ-કર્મ નિષ્ઠા, પારિવારિક ઉત્તરદાયિત્વ, સંઘભાવના, ગરીબ દરિદ્રનારાયણ અને નબળાં માનવ બાંધોને મદદરૂપ થવાની સાથેસાથે ધર્મ, સમાજ, સંસ્કૃતિ, રાષ્ટ્રભાવના, પર્યાવરણ જાળવણી જેવા મૂળભૂત મર્મ જળવાયેલા રહે છે. તહેવારને સામાજીક સંસ્કૃતિ અને પરંપરાની વિરાસત જાળવવાનાં અવસર સાથેસાથે સામાજીક, નવસર્જન અને માનસિક થાક ઉતારવાના અવસર તરીકે પણ જોવાઇ રહ્યું છે.

માનવ જીવનની રોજીંદી, વટમાળ, વ્યવસાયિક પરિશ્રમથી વિરામ આપી તહેવાર સોશિયલ રિફ્રેશમેન્ટ એટલે કે સામાજીક સ્ફૂર્તિ માટે પણ જળવાઇ રહે છે. દરેકને તહેવારોની ઉજવણીમાં જોડાવવું જ જોઇએ. તહેવારની પરંપરાથી જ માનવ સંસ્કૃતિનો પેઢી દર પેઢી નિરંતર બદલાવ સાથે વહન થતું રહે છે. તહેવાર માત્ર ધર્મ અને સામાજીક ઉત્તરદાયિત્વ અને આનંદનો અવસર ઉપરાંત અનેક મર્મસ્પર્શી હેતુ ધરાવે છે. તહેવારોની ઉજવણી દરેક વર્ગ, સમાજ અને વ્યક્તિને નવસર્જન અને વિચારોની ઉન્નતિની તક આપે છે.

અલબત્ત આનંદના પર્યાય તહેવારોની ઉજવણીમાં ક્યારેય કુ-રિવાજો, સમાજની બદીને જાણે અજાણે હવા ન મળી જાય તેની પણ ખેવના રાખવી પડે. વિધી અને રિવાજના નામે માનવ સમાજ જેને બદી, કુ-સંસ્કાર અને સંસ્કૃતિ વિરૂધ્ધ ગણે છે તેવાં દારૂ, જુગાર, જીવ હિંસા પર્યાવરણને નુકશાન થાય તેવી પ્રવૃતિઓને તહેવારની સંસ્કૃતિમાં ભળવા ન દેવાય તેવી દરેકને સાવચેતી રાખવી જોઇએ. તહેવાર માનવ સમાજને સામાજીક, વ્યવસાયિક, આર્થિક પ્રવૃતિ અને રોજીંદા જીવનના ઘટમાળની વ્યસ્તતામાંથી સમય કાઢીને આવનાર સમય માટે માનસિક, શારીરીક રીતે ધર્મ અનુસંધાન અને પરંપરાની આધિન રહી પુન:સ્વસ્થ અને શક્તિના સંચેય સાથે જીવનને આગળ વધારવાની શીખ આપે છે.

તહેવાર આવે ત્યારે આવતો હર્ષ તહેવાર પૂરો થાય પછી આનંદ અને આત્મસંતોષ આપનારો બનવો જોઇએ. તહેવારની ઉજવણી ક્યારેય સંતાપ, અધોગતિ, આર્થિક નુકશાન અને પર્યાવરણના અપરાધ સાથે ન જોડાઇ ત્યારે જ તહેવારોની સાચી ઉજવણી ગણાય. તહેવાર એટલે સામાજીક, ધાર્મિક, અને આધ્યાત્મિક નવસર્જન તરફની સફરનો અધ્યાય તહેવાર દરેકે ઉજવવા જોઇએ. કારણ કે તહેવાર મનુષ્ય, સંસ્કૃતિને પલ્લવીત રાખે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.