Abtak Media Google News

બે માસ પહેલા 9 શખ્સોએ યુવકનું અપહરણ કરી 13 ચેક અને ખેતરના સોદાખત કરાવી લીધા હતા

જામનગર શહેરમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને બે માસ પહેલા યુવાનનું 9 શખસો અપહરણ કરીને કોરા 13 ચેક સહી કરાવી અને જમીનના સોદાખત કરાવી લીધા હતાં. તેમ છતાં છેલ્લા 2 માસથી ત્રાસ આપતા હોવાથી વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવાને ઝેરી દવા પી આપઘાતની કોશિષ કરતાં ચકચાર મચી જવા પામી છે. હાલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

વિગતો મુજબ જામજોધપુરના મેઘપર ગામના વતની અને હાલ નવાનગર વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ રૂડાભાઈ પાથરના પુત્ર ચેતન (ઉ.વ.27) નામના યુવાને આરોપી સંદિપ પુંજાભાઈ પાસેથી રૂા.6 લાખ વ્યાજે લીધા હતાં. તેનું વ્યાજ કે મુદલ નિયમીત ભરી શકતો ન હતો. જેથી ગત તા.13 નવેમ્બરના રોજ આરોપીઓ સંદિપ પુંજાભાઈ, દીનેશ પુંજાભાઈ સોલંકી, હમીર પીપરોતર, જયસુખ કારેણા, પુંજાભાઈ જેસાભાઈ સોલંકી, નીતીન પુનાભાઈ કારેણા, પુંજા સોલંકીનો મોટો દિકરો, કારનો ચાલક સંદિપનો કાકા સસરા અને રમેશ કારેણા નામના શખસો કાર લઈને ઘરે આવ્યા હતાં અને યુવાન પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને અપશબદો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને કારમાં બેસાડીને પોતાના ગામ લઈ ગયા હતાં.

જ્યાં કોરા 13 ચેકમાં સહી કરાવી લીધા હતાં અને ખેતરના વેચાણ સોદાખત પુંજા જેસાભાઈ સોલંકીના નામે કરાવી લીધા હતાં. તેમ છતાં છેલ્લા 2 માસથી આરોપીઓ વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને માનસીક ત્રાસ આપતા હતાં. જેથી આજે યુવાને જામજોધપુર તાલુકાના મેઘપર ગામની સીમમાં પોતાની વાડીએ ઝેરી દવા પી લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભીર ગણાવાય રહી છે. પીઆઈ. એમ.એન. ચૌહાણે 9 શખસો સામે મની લેન્ડર્સ એકટ, અપહરણ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.