Abtak Media Google News

Screenshot 7 33 અબતક,જામનગર-સાગર સંઘાણી :
અષાઢી બીજ નિમિતે અમદાવાદમાં બાલ્કની તૂટતા એક વ્યક્તિનું મોત થયું હતું ત્યારે જામનગરના મોટા થાવરિયા ગામનાં એક પટેલ યુવાનનો અષાઢી બીજે માર્ગ અકસ્માતમાં ભોગ લેવાતાં પરિવારમાં  શોકનું મોજું પથરાઈ ગયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર નજીકના મોટા થાવરિયા ગામની છે જ્યાં રહેતા અને વેલ્ડીંગનો વ્યવસાય કરતાં દિપકભાઈ ચોવટિયાનો ૨૦ વર્ષનો પુત્ર યશ પોતાનાં મિત્ર જય અજુડીયા સાથે કાલાવડના રણુંજામાં આવેલાં શ્રી રામદેવપીર મંદિરે અષાઢી બીજ ભરવા ગયો હતો ત્યારે બાઈક વીજપોલ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.

આ બંને મિત્રો અષાઢી બીજનાં ધર્મોત્સવની મોજ માણી ૨૦મી જૂને રાત્રે અંદાજે દસેક વાગ્યે, નાના થાવરિયા-હડમતિયા રોડ પરથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે ફાચરીયાના પાટીયા નજીક સામેથી આવતા વાહનની લાઈટમાં બાઈકચાલક જયની આંખો અંજાઈ જતાં બાઈક રોડ પર નમીને વીજપોલ સાથે ધડાકાભેર અથડાતા બાઈક અને બંને મિત્રો રોડ પર ફેંકાઈ ગયા હતાં.અકસ્માતમાં બાઈકચાલક જયને સામાન્ય ઈજા થઈ હતી જયારે પાછળ બેઠેલા યશનુ માથું ધડાકાભેર વીજપોલ સાથે અથડાતાં તેનું મોત નીપજ્યું હતું.

અકસ્માત આ બનાવ અંગે મૃતકના પિતા દિપકભાઈ ચોવટિયાએ બાઈકચાલક જય રમેશભાઈ અજુડીયા સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બેદરકારીથી વાહન ચલાવવા અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બનાવ અંગે જય અજુડીયા વિરૂદ્ધ આઈપીસીની કલમ ૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ) તથા એમવી એકટની કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો દાખલ કર્યો છે.

પીજીવીસીએલની બેદરકારી પણ બહાર આવી

અત્રે નોંધનીય છે કે અકસ્માતનો આ બનાવ બન્યો તેની પાછળ બાઈકચાલક ઉપરાંત વીજતંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી છે. આ રસ્તા પર તાજેતરનાં ભારે પવન અને વરસાદના કારણે વીજપોલ રોડ સાઈડ નમી જતાં વીજવાયરો અને વીજપોલ રોડ પરનાં વાહનવ્યવહાર માટે અવરોધરૂપ બની ગયા હોવા છતાં આટલાં દિવસોથી વીજતંત્રનાં અધિકારીઓ અને કર્મચારીઓએ આ વીજપોલ તથા વીજવાયરો પૂર્વવત્ કર્યા નથી ! જેને કારણે આ ઘાતક અકસ્માત સર્જાયો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.