Abtak Media Google News

જામનગરના હાપા રેલવે સ્ટેશનમાં મિકેનિકલ વિભાગના વર્ગ-૩ના અધિકારીએ એક કોન્ટ્રાકટર પાસે તેના બીલ આગળ મોકલવા માટે રૃા.ર૦ હજારની લાંચ માગતા એસીબીમાં ફરિયાદ કરાઈ હતી. એસીબીએ રાજકોટમાં છટકું ગોઠવી આ અધિકારી વતી લાંચ લેવા આવેલા રેલવેના જ એક કલાર્કને પકડી પાડયો છે. જામનગર નજીકના હાપાના રેલવે સ્ટેશનના મિકેનિકલ વિભાગમાં વર્ગ-૩ ના અધિકારી તરીકે વર્કશોપ ડેપોમાં મેનેજરની ફરજ બજાવતા જીતેન્દ્રકુમાર આર. નામના અધિકારીએ રેલવેના વાતાનુકૂલિત કોચમાં ચાદર, ધાબળા, ઓછાડ આપવાનો કોન્ટ્રાકટ કરાવતા એક આસામી પાસે તેના બાકી રહેલા બીલ પોતાની સહી કરી આગળ મોકલવા માટે રૃા.ર૦ હજારની લાંચની માગણી કરી હતી.

Advertisement

પોતાના કાયદેસરના બીલ માટે ટેબલ નીચેથી રકમ આપવાની માગણી કરાતા ડઘાયેલા આસામીએ ઉપરોક્ત બાબતની જામનગર સ્થિત લાંચ-રૃશ્વત વિરોધી શાખામાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે એસીબી પીઆઈ એન.કે. વ્યાસે રાજકોટ એસીબી એકમના મદદનીશ નિયામક એ.પી. જાડેજાને તેનાથી વાકેફ કર્યા પછી સ્ટાફને છટકા માટે સાબદો બનાવ્યો હતો.

છટકાના ભાગરૃપે ગઈકાલે આ આસામીએ જીતેન્દ્રકુમાર આર. સાથે કરેલી વાતચીત મુજબ એસીબી દ્વારા આપવામાં આવેલી રૃા.ર૦ હજારની પાવડરવાળી ચલણી નોટો મેળવી તે રકમ આપવા માટે તજવીજ કરતા તેને રાજકોટ સ્થિત રેલવે મિકેનિકલ ડીપાર્ટમેન્ટની કચેરી પાસે બોલાવવામાં આવ્યો હતો. આથી આ આસામી અને એસીબીનો ટ્રેપીંગ સ્ટાફ રાજકોટ પહોંચ્યો હતો.જ્યાં વર્ગ-૩ના અધિકારી જીતેન્દ્રકુમાર આર. વતી રૃા.ર૦ હજાર સ્વીકારવા આવેલો જામનગરના હાપા રેલવે સ્ટેશન પર કલાર્કની ફરજ બજાવતો રમેશ બાબુભાઈ પરમાર નામનો શખ્સ રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

વધુમાં જાણવા મળ્યા મુજબ જે આસામીએ લાંચની ફરિયાદ નોંધાવી હતી તેનો રાજકોટથી દોડતી ચાર ટ્રેનોમાં ધાબળા, ચાદર સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ છે. એસીબીએ જીતેન્દ્રકુમાર આર. અને રમેશ પરમાર સામે ગુન્હો નોંધ્યો છે. જ્યારે રમેશ પરમારની ધરપકડ કરવામાં આવી છે અને જીતેન્દ્રકુમાર આર.ની શોધ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.