Abtak Media Google News

જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની ચૂંટણી પહેલા અને ભાજપ દ્વારા કરવામાં આવેલી વરણી પછી મહાનગરપાલિકા વર્તુળમાં તેમજ શહેરમાં અનેક રાજકીય અટકળો સાથેની ચર્ચા ચાલી રહી છે.

ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ નેતાગીરીએ આ વખતે પદાધિકારીઓના નામ નક્કી કર્યા જ નથી અને સ્થાનિક નેતાગીરીએ અને તેમાંય નવી ઉદ્ભવેલી નેતાગીરીએ પોતાનું ધાર્યું કરવામાં સંપૂર્ણ સફળતા મેળવી છે.

આ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે અને સાથે સાથે કેટલાંક સભ્યો દ્વારા નારાજગી પણ વ્યક્ત થઈ રહી છે, પણ ભાજપમાં આ પ્રકારના અંદરખાને ચાલતા ઘૂંઘવાટ કાયમના છે, પણ આ ’શિસ્તબદ્ધ’ પક્ષમાં કોઈ કાર્યકર કે ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાની નારાજગી કે રોષ વ્યક્ત કરવાની હિમ્મત કરતું નથી.

ભાજપના જ કેટલાંક લોકોનું કહેવું છે કે આ વખતની નામોની પસંદગીમાં કોઈ જુથે ધાર્યું કર્યું છે તે અમારા માટે કોઈ નવી બાબત નથી. કારણ કે આ અગાઉ લગભગ દોઢ દાયકા સુધી એક જુથના વર્ચસ્વ સાથે ચૂંટણી થઈ જ હતી અને જે તે સમયે પોતાના મળતિયાઓને હોદ્દાની લ્હાણી કરી આપીને તે જુથે એકહથ્થું કબજો કર્યો હતો.

હવે… તે જુથનું વર્ચસ્વ ઓસરી જતાં નવા જુથનો જન્મ થાય તે સ્વાભાવિક છે, અને આ જુથ પણ લાંબી ગણતરી સાથે ચોગઠાં ગોઠવે તે તેમની રાજકીય કુનેહ છે, અને આવી જ રાજકીય વ્યુહબાજીને પ્રદેશ નેતાગીરીએ પણ જાણે પડદા પાછળથી ટેકો આપ્યો હોય તેમ પદાધિકારીઓની પસંદગી કરવાની સત્તા આ સ્થાનિક જુથને આપી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ભાજપમાં ચૂંટણી સમયે ટિકિટની ફાળવણી હોય કે કોઈ પદ માટેની પસંદગી હોય, કોઈને અન્યાય થતો હોય, કોઈ નારાજ થયું હોય, કોઈ સાઈડલાઈન થયું હોય તેવા અનેક કિસ્સાઓ છે પણ તેમ છતાં પક્ષ સામે પોતાનો અવાજ રજૂ કરવાની લગભગ કોઈ હિમ્મત કરતું નથી, અને કદાચ કોઈ રજૂઆત કે ફરિયાદ થાય તો તેને પક્ષ સામેનો બળવો કે પક્ષમાં અશિસ્તના નામે જે તે વ્યક્તિનું સાવ ’પંચનામું’ જ થઈ ગયાના પણ કિસ્સાઓ છે. આવી ઘટનાઓ પરથી એટલું જરૃર સ્વીકારવું પડે કે ભાજપ જેને ધારે તેને હીરો અને જેને ધારે તેને ઝીરો બનાવી શકે તેટલો શક્તિશાળી પક્ષ તો બની જ ગયો છે. સત્તા માટે ગમે  તેવા સમાધાન કરે અને  તેનો ભોગ નિષ્ઠાવાન અને પક્ષમાં વરસો સુધી વફાદાર સૈનિક તરીકે જહેમત કરનારને અન્યાય કરવામાં પક્ષના નિર્ણયને મને-કમને પક્ષના સૌએ સ્વીકારવો પડે છે તે પણ આ પક્ષની કાર્યપદ્ધતિની બલીહારી છે અથવા આજના સત્તાલક્ષી રાજકારણની કમનસીબી છે!

જામનગર મહાનગરપાલિકામાં પદાધિકારીઓની વરણી પછી ઘૂંઘવાટ ચાલી રહ્યો છે અને આ નારાજગીની ચોરે-ચૌટે ચાલી રહેલી ચર્ચા જો ગરમી પકડે તો કંઈક નવા-જુની થઈ શકે તેમ છે… ’પણ બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે?’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.