Abtak Media Google News

હાર્દિકને જામનગર લોકસભાના બદલે ઉંઝા વિધાનસભા બેઠક પરથી ચુંટણીજંગમાં ઉતારવામાં આવે તેવી સંભાવના

જામનગર લોકસભા બેઠક ફરી કબજે કરવા માટે સતાધારી પક્ષ ભાજપે હકુભા જાડેજાને મંત્રી પદ આપી ક્ષત્રિય સમાજને પોતાના તરફે કરી લીધો છે જયારે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો કેશરીયો ખેસ ધારણ કરી લેતા ભાજપે પટેલ સમાજને પોતાના તરફી કરી લેવામાં સફળતા મેળવી લીધી છે.

આ ઉપરાંત આ બેઠક પર વધુ વસ્તી ધરાવતા સતવારા સમાજ અને આહિર સમાજને પોતાની તરફ લાવવામાં પણ ભાજપને સફળતા મળી રહી છે. આ જોતા એવું લાગી રહ્યું છે કે, લોકસભાની જામનગર બેઠક પાસના ક્ધવીનર હાર્દિક પટેલ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે. બીજી તરફ જામનગરમાંથી હાર્દિકની જીતના ચાન્સ ખુબ જ ઓછા જણાતા હવે કોંગ્રેસે હાર્દિકને સલામત બેઠક પરથી ચુંટણી લડાવવાનો નિર્ણય લીધો છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિના ક્ધવીનર હાર્દિક પટેલે તાજેતરમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. હાર્દિકને આગામી લોકસભાની ચુંટણીમાં જામનગર બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવે તેવી વાત અત્યાર સુધી ચાલી રહી હતી જોકે કોંગ્રેસે હવે હાર્દિકને સલામત બેઠક પરથી મેદાનમાં ઉતારવાનું મન બનાવી લીધું છે. હાર્દિકને જામનગરના બદલે ઉંઝા વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડાવવામાં આવે તેવી સંભાવના હાલ જણાઈ રહી છે.

જામનગર બેઠક પર પટેલ સમાજ ઉપરાંત આહિર સમાજ, સતવારા સમાજ અને ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા વધારે છે. ભાજપ આ બેઠક પર જીત હાંસલ કરવા માટે આહિર સમાજમાંથી આવતા કોઈ ઉમેદવારને ઉભો રાખે તેવી પ્રબળ સંભાવના છે.

આ બેઠક પર સતવારા સમાજના દોઢ લાખ મતોને અંકે કરવા માટે ભાજપે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાને કોંગ્રેસમાંથી ભાજપમાં ખેંચી લીધા છે. આ ઉપરાંત ક્ષત્રિય સમાજને રાખી કરવા માટે હકુભા જાડેજાને પણ મંત્રીપદ આપવામાં આવ્યું છે. જામનગર બેઠક પર પ્રભુત્વ ધરાવતા આહિર, સતવારા અને ક્ષત્રિય એમ ત્રણેય જ્ઞાતિને ખુશ કરવા માટે ભાજપે બરાબરના ચોકઠા ગોઠવ્યા છે. હાલ આ બેઠક માટે કોંગ્રેસ પાસે કોઈપણ વોટ બેન્ક હાથવગી નથી.

જો હાર્દિક પટેલને કોંગ્રેસ જામનગર બેઠક પરથી મેદાનમાં ઉતારે અને હાર્દિક પટેલનો પરાજય થાય તો તેની રાજકિય કારકિર્દીનું બાળમરણ થઈ જાય તેવું મનાઈ રહ્યું છે બીજી તરફ હાર્દિકના પ્રવેશ સાથે લોકસભા લડાવવાની કોંગ્રેસની તૈયારી સામે અનેક સીટીંગ ધારાસભ્યોએ અંદર ખાને વાંધો પણ ઉઠાવ્યો છે. આવામાં કોંગ્રેસે હાર્દિકને સલામત બેઠક પરથી ચુંટણી જંગમાં ઉતારવાનો અંદર ખાને નિર્ણય લઈ લીધો છે.

આશાબહેન પટેલના રાજીનામા બાદ ઉંઝા વિધાનસભાની બેઠક ખાલી પડી છે જયાંથી હાર્દિકને ચુંટણી જંગમાં ઉતારવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. ઉંઝામાં ભાજપના વરીષ્ઠ નેતા નારાયણભાઈ પટેલ પોતે આશાબહેન પટેલના ભાજપના પ્રવેશથી ભારોભાર નારાજ છે જેનો સીધો લાભ કોંગ્રેસને મળી શકે તેમ છે.તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ હાર્દિકની ઉગતી રાજકીય કારકિર્દીનું બાળમરણ અટકાવી ઉગારી લેવા માટે કોંગ્રેસે સલામત બેઠક પરથી હાર્દિકને ચુંટણી જંગમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.

એક રીતે જોવામાં આવે તો જામનગર લોકસભાની બેઠક ભાજપ માટે સલામત માનવામાં આવી રહી છે. આવામાં આ બેઠક પરથી હાર્દિક પટેલને ન લડાવવાનું કોંગ્રેસે મન બનાવી લીધું છે અને હાર્દિકને આશાબેન પટેલના રાજીનામાથી ખાલી પડેલી ઉંઝા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવાનો તખ્તો કોંગ્રેસે તૈયાર કર્યો છે જોકે હાર્દિક પટેલ પર અનેક કેસો ચાલી રહ્યા હોય તે ચુંટણી લડી શકશે કે કેમ ? તે વાત પર પણ ઘેરું રહસ્ય સર્જાર્યું છે. આજે અદાલતમાં આ કેસ પર ફેંસલો આવનાર છે જોકે એક વાત ફાઈનલ થઈ ગઈ છે કે કોંગ્રેસ હાર્દિક પટેલને કોઈ કાળે લોકસભાની ચુંટણી લડાવવા માંગતી નથી અને વિધાનસભાની પેટાચુંટણી લડાવવા માંગે છે.

હાર્દિક પટેલ લોકસભાને બદલે વિધાનસભા લડશે કે કેમ ? તે વાત પર પણ હજી સસ્પેન્શ યથાવત છે. જો કે ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એવું નિવેદન આપ્યું હતું કે, હાર્દિકે કોઈપણ શરત વિના કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. હાર્દિકને કદ મુજબ વેતરવા માટે કોંગ્રેસે ચોકઠા ગોઠવી લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.