Abtak Media Google News
  • ખૂનની કોશિષ લૂંટ, હથિયાર, મારામારી અને રાયોટીંગ સહિત ગુના નોંધાયા
  • ડીવાયએસપી પ્રદિપસિંંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી. ડિવિઝન પોલીસ મથકના  પી.આઈ. જે.જે. ગઢવીએ કરી કાર્યવાહી

જૂનાગઢ   શહેરના ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા  શખ્સો સામે ગુજસીટોકના કાયદા હેઠળ ગુન્હો દાખલ કરી, પાંચ આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. જુનાગઢ પોલીસ દ્વારા ગુજસીટોકના કાયદા હેઠળ આ બીજો ગુન્હો દાખલ થયેલ છે,  5 શખ્સોની ગેંગ વિરૂદ્ધ જૂનાગઢ સિટીમાં ગુજસીટોકના કાયદા હેઠળ પ્રથમ ગુન્હો નોંધાયો છે.

જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહાઉદીન કોલેજ પાસે ફરિયાદી અફરોઝ  અહેમદ  માલકાણી  પાસેથી બળજબરીથી રૂપિયા કઢાવવા, ગેર કાયદેસર મંડળી રચી, છરી જેવા ઘાતક હથિયારો સાથે બુલેટ અને બર્ગમેન મોટર સાયકલ ઉપર ફરિયાદીનો પીછો કરી, ફરિયાદીને આંતરી, રૂ. 10 લાખની ખંડણી માંગી, છરીઓ બતાવી, નહિ આપે તો મારી નાખવાની ધમકીઓ આપી, રૂપિયા કઢાવવા સારું અપહરણ કરી, સરદાર બાગ ખાતે અવાવરૂ જગ્યાએ ગોંધી રાખી, મૂઢમાર તથા છરીનો એક ઘા થાપાના ભાગે મારી, ઈજા કરી, જીવતો છોડાવવા માટે સાહેદ ઈમ્તિયાઝ પાસેથી રૂ. 2 લાખ કઢાવી, ફરિયાદીની ગેરકાયદેસર અટકાયત કરી, અલગ અલગ જગ્યાએ લઈ જઈ, રૂ. 5 લાખ સવાર સુધીમાં પહોંચાડી દેવાની શરતે છોડી, માથાકૂટ કરવા બાબતે આરોપીઓ મોહસીન ઉર્ફે હોલે હોલે, સોહિલ શેખ, અકરમ પટેલ, સરફરાઝ ઉર્ફે ડાબરો, શાહરૂખ બાપુ સહિત કુલ 5 આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગ, ખંડણી ઉઘરાવવા અપહરણ, ગેરકાયદેસર અટકાયત, મારામારી, ઈજા, ધાક ધમકી આપવા બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાતા, પોલીસ સબ ઈન્સ. જે.જે.ગઢવી તથા સ્ટાફ દ્વારા આ ગુન્હાના કામે આરોપીઓની ધરપકડ કરી, રોકડ રકમ તથા ગુન્હામાં વાપરેલ વાહનો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી, તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

પકડાયેલા પાંચેય આરોપીઓ એકબીજા સાથે અનેક ગુન્હાઓમા ભૂતકાળમાં પકડાયેલ હતા અને એક ગેંગ સ્વરૂપે જણાઈ આવતા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટી દ્વારા પકડાયેલ તમામ આરોપીઓના ગુન્હાહિત ઇતિહાસ બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ હરેન્દ્ર સિંહ ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, પીએસઆઈ જે.જે.ગઢવી મારફતે તપાસ કરાવતા, પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી સરફરાઝ ઉર્ફે ડાબરો ભૂતકાળમાં કુલ 14 ગુંહાઓમાં, આરોપી અકરમ પટેલ 20 ગુન્હાઓમાં, આરોપી સોહિલ શેખ 21 ગુન્હાઓ માં, મોહસીન ઉર્ફે હોલે હોલે 27 ગુન્હાઓમાં તેમજ આરોપી શાહરૂખ ઉર્ફે બાપુ 9 ગુન્હાઓમાં પકડાયેલ હોવાનું ખુલ્યું હતું.

આમ, પાંચેય આરોપી વિરુદ્ધ રાયોટિંગ, ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ, આર્મ્સ એકટ, મારામારી, મિલકતને નુકશાન, ધાક ધમકી આપવાના, હથિયાર ધારા ભંગ, જુગાર સહિતના ગુન્હાઓમા સંડોવાયેલ હોવાનું જણાતા, આ પાંચેય આરોપીઓની ગેંગ વિરુદ્ધ લોકોને આ ગેંગના ભય અને ત્રાસ માથી છોડાવવાના ભાગરૂપે તથા આ ગેંગ વિરુદ્ધ ખાનગીમાં પણ જાણ્યા મુજબ અસંખ્ય ફરિયાદો હોઈ, જેઓ વિરુદ્ધ ફરિયાદ કરવા લોકો જાહેરમાં આવતા ના હોય, આ ગેંગનાં અસ્તિત્વને નાશ કરવાના ભાગરૂપે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુન્હામાં તમામ પાંચ આરોપીઓની ગેંગ વિરુદ્ધ ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઇમ   એકટ મુજબ કલમ ઉમેરો દાખલ કરવા નામદાર કોર્ટ તરફથી મંજૂરી આપવામાં આવતા, આ ગુજસીટોક કાયદા હેઠળ નોંધાયેલ ફરિયાદની તપાસ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા હાથ ધરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સૌ પ્રથમ વિસાવદર ખાતે આરોપી નાસીર ગેંગના નાસીર સહિત પાંચ આરોપીઓ વિરૂદ્ધ સૌપ્રથમ ગુજસી ટોકના કાયદા હેઠળ ગુન્હો દાખલ કરી, જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેલ હતા. જે તમામ આરોપીઓ હાલ જેલ હવાલે જ છે. ત્યારબાદ જૂનાગઢ શહેરમાં આ બીજો ગુજસી ટોકના કાયદા હેઠળ ગુન્હો દાખલ કરી, પાંચ આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, હજુપણ જૂનાગઢ પોલીસ અમુક માથાભારે ઈસમો અને ગુન્હાહિત ઇતિહાસ ધરાવતી ગેંગ બાબતે માહિતી એકત્ર કરી રહેલ છે અને જરૂર પડ્યે ભવિષ્યમાં પણ ગુજસી ટોકના કાયદા હેઠળ ગુન્હો દાખલ કરી, કડક કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.