Abtak Media Google News

ભેંસાણના સુખપુર અને ભાટ ગામે ગેરકાયદે ધમધમતા 13 ધોલાઇ ઘાટ પર બૂલડોઝર ફેરવી દેવાયુંજૂનાગઢ જિલ્લામાંથી પસાર થતી ઉબેણ, ઓઝત સહિત અન્ય નદીઓમાં સાડીઓ ધોઇને કેમિકલયુક્ત પાણી છોડતા ઘાટ તોડી પાડવા જૂનાગઢ જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીની સૂચના મુજબ વિસાવદર પ્રાંત અધિકારીએ ટીમની રચના કરી કડક કાર્યવાહી શરૂ કરી છે. જેના ભાગરૂપે ભેંસાણના સુખપુર અને ભાટ ગામે 13 જેટલા ઘાટ તોડી પાડવામાં આવ્યા છે. જેને લઇને જેતપુરના સાડીના કારખાનેદારો અને જેની જમીનમાં ઘાટ બનાવયા છે તેવા ખેડૂતો અને જમીન માલિકોના પગ તળે રેલા આવી ગયા છે.

જૂનાગઢ જિલ્લાના સુખપુર અને ભાટ ગામે 13 જેટલા ઘાટ તોડી પાડવાની આ કાર્યવાહીમાં પ્રાંત અધિકારીની કચેરી, ગુજરાત પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ, મામલતદાર કચેરી, પીજીવીસીએલ, તાલુકા પંચાયત કચેરી અને પોલીસને સાથે રાખી સર્વગ્રાહી કાર્યવાહી કરવામાં આવી હતી.

દરમિયાન વિસાવદર પ્રાંત અધિકારી ડી.વી.વાળાએ જણાવ્યું હતું. ઘાટ ક્યાં સર્વે નંબરમાં છે. જમીન કોની માલીકીની છે. તેમાં જીપીએસ સીસ્ટમ ઉપયોગ કરી અક્ષાંશ રેખાંશના આધારે જમીન માલિકો સામે કાર્યવાહી કરાશે. જનહિતને વ્યાપક નુકશાન પહોંચાડી પ્રદૂષણ યુક્ત પાણી નદીઓમાં છોડી પાણી સાથે જમીન બગાડતા ઘાટ માલિકો સામે કડક કાર્યવાહી કરવા સાથે ઘાટ જો સરકારી જમીન ઉપર કાર્યરત હશે તો તેમની સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળની પણ કાર્યવાહી જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ કરવામાં આવશે.

ગેરકાયદેરસ ધોલાઇ ઘાટ તોડી પાડવા સાથે પોલીસ ફરિયાદ, જમીન શરત ભંગના કેસ, અન અધિકૃત વિજ જોડાણના કેસ તથા ટ્રીટમેન્ટ પ્લાન્ટ સિવાય જો અન્ય જગ્યાએ પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં આવ્યો હશે. તો તેમની વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરવા પણ તંત્ર કટીબધ્ધ છે. ઉપરાંત ભવિષ્યમાં પણ ગેરકાયદેસર ઘાટ તોડી પાડવાની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ પ્રાંત અધિકારી વાળાએ વધુમાં જણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે, જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ સોરઠની નદીઓને પ્રદૂષિત કરતા સાડીઓના ઘાટ મુદ્દે ચાર બેઠક અગાઉ  ફરિયાદ સમિતિમાં પ્રશ્ન મૂક્યો હતો અને પ્રદૂષણ બોર્ડ દ્વારા આ મુદ્દો છેલ્લી ચાર બેઠકથી પેંદિંગ રખાતો હતો ત્યારે ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ આ બાબતે ફરી રજુઆત કરતા આ અંગે  જિલ્લા કલેકટર આકરા પાણી એ આવી ગયા હતા અને પ્રદૂષણ બોર્ડના રિઝીઓનલ મેનેજરને તાકીદ કરી હતી કે, પ્રાંત અધિકારી વિસાવદરને સાથે રાખી, 2 દિવસની અંદર તોડી પાડેલા ઘાટની જગ્યા એ ફરી પાછા ઘાટ બાંધેલા જોવા મળે તો એમના પર પોલીસ ફરિયાદ કરો અને આ કામગીરી કરવામાં જો રિઝીઓનલ ઓફિસર બેદરકારી રાખશે તો એમના પર પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવું સાફ શબ્દોમાં જણાવી દેવામાં આવ્યું હતું, અને તેના ભાગરૂપે આ કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરાતા જેતપુરના સાડીના કારખાનેદારો અને જેની જમીનમાં ઘાટ બનાયા છે તેવા ખેડૂતો અને જમીન માલિકોના પગ તળે રેલા આવી ગયા છે.

જો કે, ભાટ ગામના અમુક લોકો માંથી ઉઠેલ ફરિયાદ મુજબ અમુક નાનાં ઘાટ તો, અમે જાતે જ તોડી પાડયા છે. જ્યારે તંત્ર દ્વારા તોડવામાં આવ્યા છે તે ઘાટ ભાટ ગામવાળા ના જ તોડવામાં આવ્યા છે, મોટા માણસો કે જેતપુર ડાઈંગ એસોસિયેશન ના એકેય ઘાટ તોડાતા જ નથી. અને વ્હાલા દવલાની નીતિ હજુ પણ તંત્ર દ્વારા અપનાવાય રહી છે, અથવા તંત્ર મોટા માથાથી ડરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.