Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની ઇસ્ટ ઝોન કચેરીના ડેપ્યુટી ઇજનેર પરેશ જોષીએ કોન્ટ્રાક્ટર તથા ઉપરી અધિકારીઓના ત્રાસથી કંટાળી ગત મહિને ન્યારી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ઇજનેરના આપઘાત પ્રકરણમાં મૂળ આરોપીઓને છાવરવા માટે પોલીસે 25 લાખનો તોડ કર્યો હોવાનું સનસનીખેજ આક્ષેપ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને શહેર ભાજપના અગ્રણી કશ્યપભાઇ શુક્લ દ્વારા કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યું છે.

સિટી એન્જીનીંયર વાય.કે. ગૌસ્વામીનું નામ આરોપી તરીકે ન દર્શાવવામાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.વી. ધોળાની શંકાસ્પદ ભૂમિકા

નવાગામમાં રોડના કામમાં કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનના ઉપરી અધિકારીઓ દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસથી

કંટાળી ગત મહિને ઇસ્ટ ઝોન કચેરીના નાયબ ઇજનેર પરેશ જોષીએ ન્યારી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં ઇસ્ટ ઝોન કચેરીના તત્કાલીન સિટી એન્જીનીંયર વાય.કે. ગૌસ્વામીની પણ સંડોવણી હોવાની સંભાવના છે. ઇજનેરના આપઘાત પ્રકરણમાં કમિશનર દ્વારા સમિતિની રચના કરવામાં આવી છે. છતાં સમિતિ દ્વારા હજુ સુધી કોઇ રિપોર્ટ આપવામાં આવ્યો નથી.

બીજી તરફ મૃતક ઇજનેરના પરિવારજનો ખુદ ફરિયાદમાં વાય.કે. ગૌસ્વામીનું નામ આપી રહ્યા છે પરંતુ ઇજનેરના આપઘાત પ્રકરણમાં આરોપી તરીકે સિટી એન્જીનીંયર વાય.કે. ગૌસ્વામીનું નામ ન દર્શાવવા માટે પોલીસ દ્વારા 25 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ભાજપ અને બ્રહ્મસમાજના અગ્રણી કશ્યપ શુક્લ દ્વારા કરવામાં આવ્યો છે.

તેઓએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન એવો ખૂલ્લો આક્ષેપ કર્યો હતો કે પોલીસ ઇજનેર પરેશ જોષીને આપઘાત પ્રકરણમાં મૂળ આરોપીઓને છાવરી રહી છે. આ માટે રાજકોટ તાલુકા પોલીસના પી.આઇ. જે.વી. ધોળાની ભૂમિકા શંકાસ્પદ જણાઇ રહી છે. અગાઉ જ્યારે બ્રહ્મસમાજના ત્રણ વ્યક્તિઓએ ઝેરી દવા પી સામુહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પણ તપાસની ધોળાની કામગીરી શંકાસ્પદ રહી હતી. આ ઘટનામાં મૃતક પરેશ જોષીના પરિવારજનોને ન્યાય મળી રહે તે માટે આગામી દિવસોમાં રાજકોટના બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા રાજ્ય સરકારના મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી તથા રાજ્ય સભાના સાંસદ રામભાઇ મોકરિયા સહિતના બ્રહ્મસમાજના અગ્રણીઓને સાથે રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને રજૂઆત કરવામાં આવશે. સમગ્ર ઘટનાની તપાસ કોઇ તટસ્થ અધિકારીને સુપરત કરવાની માંગણી કરવામાં આવશે. તેઓએ ઉમેર્યું હતું કે આ અંગે આજે રાજકોટ બ્રહ્મસમાજ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.