Abtak Media Google News

લોકોમાં એક વાત અનેક ટાણે થાય છે કે, ખાખી વર્ધીની પહેર્યા પછી કડકાઈ વધુ આવી જાય પણ જૂનાગઢના  વિભાગીય પોલીસ વડાની ખાખી ડ્રેસની જવાબદારી ભરી ફરજ સાથે પ્રદીપસિંહ જાડેજા એ જાણે સેવાનો ભેખ ધારણ કરી લીધો છે, કોરોનાની મહામારીના સમયમાં અનેકના ઘરમાં તાવડી ટેકો લઇ ગઈ છે, તેવા સમયે જૂનાગઢના ડી.વાય.એસ.પી. જાડેજા નિરાધારનો આધાર બનીને “અડધી રાતનો હોંકારો” બની ચુક્યા છે.

જૂનાગઢના  વિભાગીય પોલીસ વડા પ્રદીપસિંહ જાડેજા એ કોરોના કાળમાં જરૂરિયાતમંદ વ્યક્તિ, દર્દી, નાના વેપારીઓ, નિરાધાર બહેનો માટે અગણિત, અવિરત મદદ કરી, જૂનાગઢ પોલીસ અને ખાસ કરીને “હું તમારી સાથે છું”, એવું પ્રતીત કરાવ્યા બાદ પોતાના અંગત, પરિવારજનો કે મિત્ર પાસે હૈયું ખોલી પોતાની તકલીફો વર્ણવાય તે રીતે લોકો સંકટ સમયના સાથી બની ગયેલ જૂનાગઢના ડી.વાય.એસ.પી. જાડેજા પાસે દોડી જાય છે, અને હસતા મુખે જાડેજાની ચેમ્બર બહાર નીકળે છે, કારણ કે, તેનું મોટા ભાગની તકલીફો ત્યાં જ પૂર્ણ થઈ ગઈ હોય છે.

જિલ્લામાં એક કડક અધિકારીની છાપ ધરાવવા છતાં અડધી રાત્રે જરૂરિયાતમંદ લોકો માટે જરૂરી તમામ વ્યવસ્થા કરી આપનાર ડી.વાય.એસ.પી. પ્રદિપસિંહ જાડેજાની એક સામે આવેલ સેવા કામગીરીની વાત કરીએ તો, એક પરિવારના મોભી કેન્સર સામે જંગ હારી જતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું. અને પરિવારની સ્થિતિ એવી બની કે, 11 સાયન્સમાં અભ્યાસ કરતી એક તેજસ્વી દીકરીને આર્થિક પરિસ્થિતિ સાવ ડામાડોળ બની જતા હવે અભ્યાસ કેવી રીતે કરાવવો તેેે બાબત ચિંતાનો વિષય બની હતી. બહેનના આગળના ભવિષ્યની ચિંતામાં મોટા ભાઈની પણ ઉંઘ હરામ થઈ ગઇ. પણ કહેવાય છે ને કે, કપરા સમયે કોઈ આંગળી ચીંધવાવાળું  મળી જાય તેમ રાજકોટના પરિવર્તન કરિયર એકેડમી વાળા  કરસન ગઢવી દીકરી અને ભાઈને સાથે લઇ તાબડતોડ જૂનાગઢ પહોંચ્યા અને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળ્યાં.

લાચાર બનેલી દીકરીના ભાઈએ પરિવાર પર આવી પડેલી આખી ઘટના વર્ણવતા આ અધિકારીની આંખ પણ ભીની થઈ ગઇ. અને તુરંત જ જ્યાં આ દીકરી અભ્યાસ કરતી હતી તે સ્કૂલનો સંપર્ક કરી, વ્યવસ્થાપક સાથે વાત કરી, શક્ય તેટલી ફી માફ કરવાની ભલામણ કરી 2 વર્ષની કુલ ફી રૂ. 1.72 થતી હતી તેમાંથી રૂ. 1.22 લાખ માફ કરાવી દીકરીના આગળના અભ્યાસની વ્યવસ્થા કરાવી આપી હતી. અને એ વાત સાંભળી દીકરી ખુશીના આંસુએ હીબકે હીબકે રડી પડી હતી, ભાઈ પણ હર્ષનો માર્યો ચોધાર આંસુ એ રડી રહ્યો હતો અને સાથે લાવનાર રાજકોટના પરિવર્તન કરિયર એકેડમી વાળા ગઢવીભાઈ ગદગદિત થઈ ગયા હતા, ત્યારે પણ પ્રદીપસિંહ જાડેજા એ વાત્સલ્ય ભર્યો હાથ દીકરી અને તેના ભાઈ પર મૂકી હું તમારી સાથે છું, ગામે ત્યારે જરૂર પડે, મને કોલ કરજો હો ને… તેવા ભાલભર્યા શબ્દો સાથે પાણી પીવડાવી શુભેચ્છા અને આશીર્વાદ આપી દીકરી અને તેના ભાઈને વિદાય આપી હતી.

કદાચ જો આ પરિવારને ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજાનો સહકાર ન મળ્યો હોત તો એ અભ્યાસુ દીકરીને અભ્યાસથી અળગા કરવાની ફરજ પડી હોત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.