Abtak Media Google News

લેન્ડગ્રેબિંગ કમિટીની ગત બેઠકમાં 8 કેસમાં ફરિયાદ નોંધવાનો નિર્ણય થયો છતાં હજુ સુધી અમલાવરી ન થઈ

રાજકોટ જિલ્લામાં લેન્ડગ્રેબિંગના કાયદાના અમલમાં સંકલનનો અભાવ હોવાનું ધ્યાને આવ્યું છે. લેન્ડગ્રેબિંગ કમિટીએ નિર્ણય લીધા બાદ એફઆઈઆર નોંધવામાં વિલંબ થઈ રહ્યો છે. ત્યારે કમિટીએ હવે જુના કેસોનું પણ ફોલોઅપ લેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

દસેક દિવસ પૂર્વે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિન્ગ કમિટીની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં રજૂ કરાયેલા 41 કેસો પૈકી 8 કેસમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં શહેર વિસ્તારના 4 અને ગ્રામ્ય વિસ્તારના 4 કેસનો સમાવેશ થાય છે

ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એક્ટ-2020 અન્વયે રજૂ થયેલ અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે આજે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં તપાસનીશ અધિકારીઓએ તપાસ કરીને અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ રજૂ કરાયેલા કુલ 41 કેસો પૈકી 27 કેસો દફતરે કરવામાં આવ્યા હતા. તથા 6 કેસો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. આ બેઠકમા પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ,જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર એસ. જે. ખાચર, પ્રાંત અધિકારી  સંદિપ વર્મા, તેમજ  પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉચ્ચ અધિકારીઓની કમિટીએ લીલિઝંડી આપ્યા બાફ પણ 8 કેસોમાં હજુ સુધી એફઆઈઆર નોંધવામાં આવી નથી. જેને લઈને ફરિયાદીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ એફઆઈઆર નોંધવાનો કમિટીએ આદેશ આપ્યો છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા તંત્રમાં સંકલનનો અભાવ હોવાનું દર્શાઈ રહ્યું છે.

હવે આવતીકાલે ફરી જિલ્લા કલેકટર અને પોલીસ વિભાગના અધિકારીઓની લેન્ડગ્રેબિંગ કમિટી બેઠક યોજવાની છે. તેમાં આ 40 કેસો મુકાવાના છે. હવે આ કેસોમાં એફઆઈઆર નોંધાવી કે નહીં તેના નિર્ણય સાથે અધિકારીઓએ જુના કેટલા કેસમાં એફઆઈઆર નોંધવાની બાકી છે તે મામલે પણ ફોલોઅપ લેવું પડશે તેવી સ્થિતિ સર્જાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.