Abtak Media Google News

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર લલિત કગથરાએ અચાનક ઉમેદવારી પાછી ખેંચી લેતા કોંગ્રેસને મરણતોલ ફટકો: અપક્ષ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને પણ ફોડી ભાજપ રાજકોટ બેઠક બિનહરીફ કરવાના મુડમાં: મોહનલાલ માટે મજાનો માહોલ

તાજેતરમાં યોજાયેલી રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૩ની પેટાચુંટણીમાં ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના સતાવાર ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા રાજયભરમાં કોંગ્રેસની આબરૂ ધુળ ધાણી થઈ ગઈ હતી. મહાપાલિકાની પેટાચુંટણીમાં મળેલી સજામાંથી પણ કોંગ્રેસે સબક ન લેતા હવે લોકસભામાં પણ પક્ષને મોટી કિંમત ચુકવવી પડી છે.

Advertisement

રાજકોટ બેઠક માટે કોંગ્રેસે ઉમેદવાર તરીકે જાહેર કરેલા ટંકારા-પડધરી વિધાનસભાના ધારાસભ્ય લલિત કગથરાએ આજે ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપ અને સાંસદ મોહનભાઈ કુંડારિયા માટે મજાનો માહોલ સર્જાઈ ગયો છે. હવે રાજકોટ બેઠક પર એક પણ અપક્ષ ઉમેદવાર ઉમેદવારી ન નોંધાવે તેવા પ્રયાસો ભાજપે શરૂ કરી દીધા છે અને મોહનલાલને બિનહરીફ બનાવવા તોડજોડ શરૂ કરી દેવામાં આવી છે.

રાજકોટ બેઠક માટે ભાજપે સીટીંગ સાંસદ મોહનભાઈ કુંડારિયાને રિપીટ કરતા આ બેઠક પર બરાબરની ફાઈટ જામે તે માટે કોંગ્રેસે ટંકારા-પડધરીના ધારાસભ્ય અને કડવા પટેલ સમાજના અગ્રણી લલિતભાઈ કગથરાને ટિકિટ આપી હતી. કગથરાએ ૩ દિવસ પૂર્વે અખબારોની મુલાકાત દરમ્યાન એવી પણ જાહેરાત કરી દીધી હતી કે તેઓ બુધવારે ઉમેદવારી નોંધાવશે.

દરમિયાન આજે સવારે કાગવડ ખાતે ખોડલધામમાં માં ખોડલને શીશ ઝુકાવ્યા બાદ લલિતભાઈ કગથરાએ એવી સતાવાર જાહેરાત કરી હતી કે, તેઓને લોકસભાની ચુંટણી લડવામાં રતિભાર પણ રસ નથી. તેઓ માત્ર ધારાસભ્યપદે રહેવા માંગે છે. રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોતાનું નામ પાછું ખેંચે છે. આ જાહેરાત થતાની સાથે જ કોંગ્રેસમાં સ્થાનિકથી લઈ દિલ્હી દરબાર સુધી ખળભળાટ મચી જવા પામ્યો છે. લલિતભાઈ કગથરાને મનાવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે પરંતુ તેઓ લોકસભા લડવા માટે સ્પષ્ટ ઈન્કાર કરી રહ્યા છે.

વિશ્ર્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ૪ દિવસ પૂર્વે ટંકારા ખાતે એક બેઠક યોજાઈ હતી જેમાં સિરામિક ઉધોગના માંધાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા અને કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાની પણ સુચક હાજરી જોવા મળી હતી. આ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે મોહનલાલ ફરીથી સાંસદ તરીકે ચુંટાઈ આવે તે માટે લલિત કગથરાએ સામેથી ઉમેદવારી પાછી ખેંચી લેવી અને આ માટે લલિતભાઈ પોતે તૈયાર પણ થઈ ગયા હતા.

રાજકોટમાં કોંગ્રેસના એક પણ નેતાનું ગજુ ભાજપની વ્યુહરચના સામે જાક ઝીલી શકતુ નથી. વોર્ડ નં.૧૩ની પેટાચુંટણીમાં પણ ભાજપે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સહિતના નેતાઓને અંધારામાં રાખી કોંગ્રેસના સતાવાર ઉમેદવારને છેલ્લી ઘડીએ ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચી લીધું હતું. આ ઘટના ફરી જાણે પુનરાવર્તન કર્યું હોય તેવું લાગી રહ્યું છે. શહેર ભાજપના માંધાતા નેતાઓ આમ પણ કોંગ્રેસના નેતાઓને ફોડવામાં ભારે માહીર છે.

આ વખતે ખુદ મોહનલાલે ચોકઠા ગોઠવી કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાને ઉમેદવારી પાછી ખેંચાવી લેવામાં રસ લીધો હતો અને તેને સફળતા પણ મળી છે. હાલ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે ત્યારે કોંગ્રેસ જો અન્ય કોઈ ઉમેદવારને મેદાનમાં ઉતારે તો ઉમેદવારને પ્રચાર-પ્રસાર માટે પુરતો સમય ન મળે અને તે ભુંડી રીતે હારે તે વાત ફાઈનલ છે.

આવામાં ભાજપ હવે કોંગ્રેસ કે અન્ય કોઈ અપક્ષ ઉમેદવાર મોહનલાલ સામે ફોર્મ ન ભરે તેવી વ્યુહરચના ગોઠવવામાં મશગુલ થઈ ગયું છે. ગુજરાતની ૨૬ પૈકી રાજકોટ લોકસભા બેઠક બિનહરીફ કરવાની વેતરણમાં ભાજપ પડી ગયું છે. જો તેમાં સફળતા મળશે તો ખરેખર ઈતિહાસ રચાઈ જશે.

અનેક દાવેદારો હોવા છતાં કોંગ્રેસે લલિત કગથરા પર પસંદગી ઉતારી હતી છતાં તેઓએ શા માટે ઉમેદવારી પાછી ખેંચી લીધી તે અંગે પણ અનેક તર્ક-વિતર્કો ચાલી રહ્યા છે. હાલ કોંગ્રેસના નેતાઓ કગથરાના મનામણા કરી રહ્યા છે પણ તેઓ એકના બે થતા નથી. બીજી તરફ ભાજપમાં ચુંટણી પૂર્વે જ વિજયોત્સવ જેવો માહોલ સર્જાય ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.