Abtak Media Google News

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.

Advertisement

Vlcsnap 2020 05 07 17H13M47S135

ઔદ્યોગિક એકમોમાં સ્ટીલ ઉદ્યોગોનું પણ આગવું મહત્વ છે કેમકે આ ઉદ્યોગ પ્રત્યક્ષ અને પરોક્ષ રિતે કૃષિ, ઓટોમોબાઈલ સહિતના ક્ષેત્ર સાથે સંકળાયેલું છે તો સ્ટીલ ઉદ્યોગોની હાલ શુ પરિસ્થિતિ છે તે વિશે જૈન ગ્રુપ ઓફ કંપનીના મેનેજીંગ ડિરેકટર જયેશભાઇ વસાએ જણાવ્યું હતું

જે રીતે આંશિક છુટછાટ આપવામાં આવી છે તે ખૂબ જ સરાહનીય બાબત છે અને તે અંતર્ગત અમે હાલ ઉદ્યોગ શરૂ પણ કરી દીધા છે. અમારો મોટા ભાગનો કર્મચારીવર્ગ અમારા ક્વાર્ટરસમાં જ રહે છે અને લોક ડાઉન દરમિયાન તેમની તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી હાલ કર્મચારીવર્ગમી કોઈ ઘટ્ટ નથી પરંતુ જે રીતે પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પરત ફરવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેનાથી જો શ્રમિકો હિજરત કરશે તો આગામી દિવસોમાં ખૂબ જ મોટી અસર ઔદ્યોગિક એકમોને થનારી છે અને તેમાં પણ સ્ટીલ.ઉદ્યોગને તો ખૂબ માઠી અસર થશે તેવું મારુ માનવું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા પણ ગંભીર છે કેમકે સ્ટીલ ઉદ્યોગમાં રો.મટીરીયલનો સ્ટોક હોય છે પણ પ્રોડક્શન થયા બાદ સપ્લાય માટે ટ્રાન્સપોર્ટેશનની તાતી જરૂરિયાત હોય છે પણ તેની કોઈ ખાસ વ્યવસ્થા નહિ હોવાને કારણે સપ્લાયમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તે ઉપરાંત સ્મોલ સ્કેલ ઉદ્યોગ અને ખજખઊ ના ઉદ્યોગોમાં નાણાકીય ખેંચતાણ ઉભી થઇ છે તો જો પેમેન્ટ સાઇકલ અટકશે તો બધું જ થંભી જશે તે બાબત પણ સ્પષ્ટ છે.તેમણે કહ્યું હતું કે હાલ લોક ડાઉન દરમિયાન બેંક દ્વારા ૩ માસ સુધી ઇન્સ્ટોલમેંટ નહીં ભરશો તો પણ ચાલશે તેવી છૂટછાટ આપવામાં આવી છે પરંતુ ૩ મહિના બાદ વ્યાજ સાથે ઉદ્યોગ સાહસિકોએ ઇન્સ્ટોલમેન્ટ ભરવું પડશે તો લોક ડાઉનના સમયગાળા દરમિયાન બેંક વ્યાજ માફી આપે તો ઉદ્યોગોને રાહત થશે અને તેઓ રાબેતા મુજબ ધમધમી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.