Abtak Media Google News

વિપક્ષે કમિશનર કચેરી સામે કર્યા ધરણા

જુનાગઢ મનપાની ગઈકાલે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં વિરોધપક્ષની તમામ સવલતો પાછી ખેંચાતો એક ઠરાવવા બહુમતીથી પસાર કરવામાં આવતા, જુનાગઢ મનપાની જનરલ બોર્ડની બેઠકમાં ગઈકાલે બઘડાટી બોલી જવા પામી હતી. જો કે, બાદમાં સત્તાના જોરે ભાજપના સતાધીશો એ વિપક્ષની સવલત છીનવી વિરોધ દબાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષના સદસ્યોએ કમિશનર કચેરી સામે ધરણા કર્યા હતા અને બાદમાં આ મામલે કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે તેવો નિર્ણય કરી સાંજે ધરણા સમેટી લીધા હતા.

ગઈકાલે જુનાગઢ મનપાની જનરલ બોર્ડ ની બેઠક મળી હતી. ત્યારે વિરોધ પક્ષને મળતી તમામ સવાલતો અંગેનો એકમાત્ર એજન્ડા લેવાયો હતો. જે બોર્ડની કાર્યવાહી શરૂ થતા માત્ર થોડી મિનિટોમાં શાસક ભાજપ દ્વારા બહુમતીથી ઠરાવ કરી વિરોધ પક્ષને મળતી કાર્યાલય, ઓફિસ, ફોન, સ્ટાફ, વાહન તથા ડ્રાઇવર સહિતની તમામ સવલતો પરત લેવા નિર્ણય કરાયો હતો.

જો કે આ પૂર્વે બોર્ડ શરૂ થતા જ વિપક્ષો દ્વારા આ બાબતે ભારે વિરોધ કરાયો હતો અને અનેક આક્ષેપો કરાયા હતા. તે સાથે શાસક પક્ષના મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા તથા દંડકને આપવામાં આવેલ વાહનો અને સવલતો કેટલા કાયદેસર છે ? તે અંગે પણ સવાલો ઉઠાવાયા હતા. ત્યારે જનરલ બોર્ડમાં ભારે ગરમી આવી ગઈ હતી. બાદમાં ઠરાવ પસાર થતા વિપક્ષે વોક આઉટ કર્યું હતું. અને ઠરાવની નકલ માંગવામાં આવી હતી પરંતુ ઠરાવની નકલ ન મળતા વિપક્ષોએ કમિશનર કચેરી સામે ગાદલા પાથરી ધારણા શરૂ કર્યા હતા.

બાદમાં વિપક્ષને ઠરાવની નકલો મળતા વિપક્ષ દ્વારા આ મુદ્દે અદાલતના દ્વાર ખખડાવવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું અને આ મામલો સાંજે પૂર્ણ થયો હતો.

તળાવમાં બે કરોડની માટી ક્યાંથી આવી ? તે અંગે સવાલ કરતાં જૂનાગઢ મનપાના ભાજપના સતાધિશોએ વિપક્ષનો અવાજ દબાવવા માટે વિપક્ષને મળતી સવલતો બંધ કરી હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષના નેતા અદ્રમાનભાઈ પંજા એ જણાવ્યું હતું કે, શાસક પક્ષના મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા તથા દંડક ને પણ મનપા દ્વારા કાર્યાલય અને વાહન સહિતની સવલતો આપવામાં આવી છે. ત્યારે આ શરતો કેટલી કાયદેસર છે ? તે અંગે તથા મનપા એ સતાના જોરે વિપક્ષની સવલતો છીનવી વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે તેમની સામે અદાલતના દ્વાર ખખડાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

જ્યારે સામે પક્ષે જૂનાગઢના મેયર ગીતાબેન પરમારે જણાવ્યું હતું કે, મનપામાં વિપક્ષની 10 % સીટ નથી. તથા હાલમાં જે વિપક્ષના 6 સભ્યો છે. તેમાંના ત્રણ એનસીપીના અને ત્રણ કોંગ્રેસના છે. ત્યારે કોઈ એક પક્ષને વિપક્ષના નેતા તરીકે કાયદેસર રીતે સ્વીકારી ન શકાય અને તેમને મળતી સવલતો ન આપી શકાય. આ માટે મનપાના જનરલ બોર્ડમાં બહુમતીથી નિર્ણય લેવામાં આવ્યો છે.

જુનાગઢ મનપામા હાલ 60 સભ્યો નું પ્રતિનિધિ મંડળ બેસે છે. જેમાં 54 સભ્યો ભાજપના અને 3 સભ્યો કોંગ્રેસ તથા 3 સભ્યો એનસીપી.ના મળી વિરોધ પક્ષના કુલ 6 સભ્યો છે. જો કે, કોંગ્રેસ દ્વારા હાલના વિરોધ પક્ષના નેતા અદ્રેમાંનભાઈ પંજાને વિરોધ પક્ષના નેતા તરીકે સ્વીકાર્યાની સહમતિ મનપા કમિશનરને આપવામાં આવી હતી. પરંતુ માત્રને માત્ર વિપક્ષનો અવાજ દબાવવા માટે આ સહમતિ સ્વીકારવામાં ન આવી હોવાનો તથા બહુમતીના જોરે ભાજપે સવલતો આંચકી લીધા હોવાનો આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટર લલિત પરસાણા દ્વારા કરવામાં આવ્યો છે.

ગઈકાલના જનરલ બોર્ડમાં ફરી એક વખત જૂનાગઢ મનપાના કમિશનર રાજેશ તન્ના ગેરહાજર રહ્યા હતા. ત્યારે એ બાબત જનરલ બોર્ડમાં ચર્ચાનો વિષય બની હતી. ત્યારે આ બાબતે શાસકોએ જણાવ્યું હતું કે કમિશનરને વીસી હોવાથી તેઓ આ જનરલ બોર્ડમાં ઉપસ્થિત રહી શક્યા નથી.

જો કે, એક વાત એ પણ છે કે, આ અગાઉ પણ જ્યારે જોશીપરાના કોમર્શિયલ બિલ્ડીંગની જમીન માટે સરકારમાં મનપા પૈસા ભરશે તેવો નિર્ણય લેવાનો હતો ત્યારે પણ કમિશનર તે વખતના જનરલ બોર્ડમાં ઉપસ્થિત રહ્યા ન હતા. અને ત્યારે પણ કમિશનર સામે અનેક સવાલો ખડા થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.