Abtak Media Google News

રીક્ષા, એક્ટિવા અને મા‚તિ ઝેન જેવા વાહનો મેરેથોનમાં દોડયા અને બીલ બન્યું ઈનોવા એસી કારનું ! ઓડિટ શાખાની તપાસમાં ભ્રષ્ટાચાર ખુલ્યો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત ફેબ્રુઆરી માસમાં યોજાયેલી મેરેથોનમાં થયેલો રૂ.૯૯ લાખનો ખર્ચ મંજુર કરવાની વિવાદાસ્પદ દરખાસ્ત પેન્ડીંગ રાખ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે ઓડિટ શાખાને મેરેથોનના ખર્ચની તપાસના આદેશ આપ્યા હતા જેમાં મેરેથોનમાં વાહન ભાડે રાખવામાં મસમોટુ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

રીક્ષા, એકટીવા અને મા‚તી ઝેન જેવા વાહનો દોડયા હતા અને ઈનોવા એસી કારનું તોતીંગ બિલ મુકવામાં આવ્યું હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. દરમિયાન સ્ટેન્ડિંગ ચેરમેને તમામ શાખાઓને છેલ્લા બે વર્ષમાં વાહન ભાડે રાખવામાં આવ્યા હોય તેની વિગતો આપવા કડક તાકીદ કરી છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, મેરેથોનમાં થયેલો રૂ.૯૯ લાખના ખર્ચ મંજુર કરવાની દરખાસ્ત તપાસ અર્થે પેન્ડીંગ રાખવામાં આવી છે. દરમિયાન ઓડિટ શાખા દ્વારા અલગ-અલગ ખર્ચની હાલ જીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

જેમાં વાહન ભાડે રાખવામાં આવ્યા હતા તેમાં મસમોટુ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. શ્રીરામ કૃપા ટુલ્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા મેરેથોનમાં ૪ દિવસ માટે અલગ-અલગ વાહનો ભાડે આપવામાં આવ્યા હતા જેના ૩ બિલ રજુ કરવામાં આવ્યા છે. એક બિલમાં જે વાહન ભાડે આપવામાં આવ્યા હતા તે પ્રમાણે બિલ બનાવવામાં આવ્યું હતું તેવું માલુમ પડયું છે જયારે બે બીલમાં ઈનોવા એસી કારનું બીલ રજુ કરાયું છે પરંતુ આ કાર ભાડે આપવામાં આવી ન હોવાનું ખુલ્યું છે.

ઓડિટ શાખા દ્વારા આરટીઓની વેબસાઈટ પર વાહનના રજીસ્ટ્રેશન નંબર નાખી ચેક કરવામાં આવ્યું હતું જેમાં જી.જે.૩ ઈઈ ૨૦૭૬ નંબરનું જે બીલ રજુ કરાયું છે તે વાસ્તવમાં આવા નંબરનું કોઈ વાહન આરટીઓમાં રજીસ્ટર થયું જ ન હોવાનું માલુમ થયું છે. જયારે જીજે-૩ બીટી ૦૦૮૩ નંબરની ઈનોવાનું બીલ રજુ કરાયું છે. વાસ્તવમાં આ નંબર રીક્ષાના છે. જો વાહન નંબર જી.જે.૩ બીટી ૦૦૮૭ હોય તો તે પણ ઈનોવાના નથી પરંતુ એક થ્રી વ્હીલરના હોવાનું માલુમ પડયું છે.

આ ઉપરાંત જી.જે.૩ એચ.એચ.૭૩૯૭ નંબરની ઈનોવાનું બીલ રજુ કરાયું છે વાસ્તવમાં આરટીઓમાં આ નંબરનું એકટીવા વાહન બોલે છે. જો જીજે૩ને બદલે જીજે ૫ એચ.એચ.૭૩૯૭ નંબર હોય તો તે એક ઈલેકટ્રીક સ્કુટરના નંબર છે. આટલું જ નહીં રામકૃપા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા જી.જે.૩ સી.આર. ૨૪૫૭ નંબરની ઈનોવાનું ૪ દિવસનું બીલ રજુ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં આ નંબરનું વાહન ઈનોવા કાર નહીં પરંતુ મા‚તી ઝેન છે અને મા‚તી ઝેન કાર છેલ્લા ઘણા સમયથી રાજમાર્ગો પર ખુબ જ ઓછી દેખાય છે.

તેઓએ ઉમેર્યું હતું કે, મેરેથોનમાં વાહન ભાડે રાખવામાં મસમોટુ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પ્રથમ નજરે જ દેખાય આવે છે. રીક્ષા, સ્કુટર કે મા‚તી ઝેન જેવી કાર દોડાવવામાં આવી છે અને બીલ ઈનોવા એસી કારના બનાવવામાં આવ્યા છે. જે વાહન નંબર બીલમાં બતાવવામાં આવ્યા છે તે ઈનોવા કારના નથી અન્ય વાહનોના છે. આ વાહનો પણ મેરેથોનમાં એક કે ચાર દિવસ સુધી દોડયા છે કે કેમ ? તેની સામે શંકા જણાઈ છે. આટલું જ નહીં મેરેથોનનું અલગ અલગ પ્રકારના તમામ ખર્ચની જીણવટભરી તપાસ કરવામાં આવશે અને આ અંગે કમિશનરને રીપોર્ટ કરાશે.

ગેરરીતિ આચરનાર સામે ખાતાકીય કાર્યવાહી કે ફોજદારી પગલા લેવાશે

મેરેથોનમાં વાહન ભાડે આપવામાં મસમોટુ કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે આજે પત્રકાર સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કોર્પોરેશનમાં ઝીરો ટોલરન્સની દિશામાં આગળ વધવામાં આવશે. બે-પાંચ ટકા અપ્રમાણિક કર્મચારીઓના કારણે નિષ્ઠાવાન કર્મચારીઓનું મોરલ ન તુટે તેનું પુરતું ધ્યાન આપવામાં આવશે.

ભાજપના શાસકો પ્રામાણિકતાપૂર્વક વહિવટ ચલાવી રહ્યા છે. કમિશનર પણ ખંતથી પોતાની ફરજ બજાવે છે ત્યારે મેરેથોનમાં કૌભાંડ આચરનાર કોઈપણ કર્મચારી કે અધિકારીઓને છોડવામાં આવશે નહીં. આ ખુબ જ ગંભીર બાબત છે. જવાબદાર સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે અને જ‚ર પડશે તો ફોજદારી પગલા પણ લેવામાં આવશે. શ્રીરામકૃપા ટુલ્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા વાહન ભાડેના જે બીલ રજુ કરવામાં આવ્યા છે તે આસીસ્ટન્ટ કમિશનર સાંસ્કૃતિક વિભાગના નામે બનાવવામાં આવ્યા છે.

જરૂર પડયે જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરાશે અને વાહન પુરા પાડતી એજન્સીને બ્લેક લીસ્ટ કરવા સુધીના આકરા પગલા લેવામાં આવશે. શહેરીજનોના પરસેવાની કમાણીનો એક પણ રૂપિયો ગેરવલ્લે ન જાય અને શુદ્ધ વહિવટ થાય તે માટે અમે કટીબઘ્ધ છીએ. ચુંટાયેલી અને વહિવટી પાંખ વચ્ચે કોઈ મતભેદ નથી પરંતુ ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને કૌભાંડને કયારેય ચલાવી લેવામાં આવશે નહીં.

મેરેથોનના ખર્ચમાં હજી મોટો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તેવા એંધાણ

મેરેથોનમાં પાણીની જેમ પૈસા વાપરવામાં આવે છે. ૯૯ લાખનો ખર્ચ મંજુર કરવાની દરખાસ્ત પેન્ડીંગ રાખ્યા બાદ ઓડિટ શાખા દ્વારા કરવામાં આવેલી પ્રાયમરી તપાસમાં જ વાહન ભાડે રાખવામાં કૌભાંડ હોવાનું પ્રકાશમાં આવ્યું છે

ત્યારે હજી જેમ-જેમ તપાસ આગળ વધશે તેમ-તેમ મોટો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે અને અનેકના તપેલા ચડી જાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે. મેરેથોનમાં પ્રથમ નજરે જ ગળે ન ઉતરે તેટલો મોટો રૂ.૨.૬૫ લાખનો ખર્ચ તો માત્ર સેફટી પીનનો છે. જયારે મંડપ સર્વિસનો ખર્ચ પણ લોકોની આંખ ચાર થઈ જાય તેટલો રૂ.૪૩ લાખનો છે જેમ-જેમ તપાસ આગળ વધશે તેમ-તેમ કડાકા ભડાકા થશે.

છેલ્લા બે વર્ષમાં કેટલા વાહનો ભાડે રાખ્યા ? તમામ શાખાઓને હિસાબ આપવા ચેરમેનની તાકીદ

મેરેથોનમાં વાહન ભાડે રાખવામાં કૌભાંડનો પર્દાફાશ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે મહાપાલિકાની તમામ શાખાઓના વડાઓને એક પત્ર લખ્યો છે જેમાં તેઓએ છેલ્લા બે વર્ષ દરમિયાન કેટલા વાહનો ભાડે રાખ્યા તેની વિગત આપવા તાકીદ કરવામાં આવી છે.

અલગ-અલગ શાખાઓ દ્વારા ભાડે રાખવામાં આવેલા વાહનોની વિગતો આવ્યા બાદ ચેરમેનતેનું ક્રોસ વેરીફીકેશન કરશે. જરૂર જણાશે તો વાહનોના નંબર આરટીઓની સતાવાર વેબસાઈટ પર ઓનલાઈન ક્રોસ ચેકિંગ પણ કરવામાં આવશે.

મેરેથોન થશે જ: રાજકોટવાસીઓને ધરપત આપતા સ્ટે.ચેરમેન

મેરેથોનમાં થયેલો ખર્ચ મંજુર કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પેન્ડીંગ રાખવામાં આવ્યા બાદ મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ ફાઈલમાં એવી નોંધ કરી છે કે આવતા વર્ષથી મેરેથોન બંધ કરી દેવી જેના ઘેરા પડઘા પડયા છે.

દરમિયાન આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે રાજકોટવાસીઓને એવી ધરપત આપી છે કે શહેરીજનો ચિંતા ન કરે મહાપાલિકા દ્વારા આ વર્ષે પણ મેરેથોનનું આયોજન કરવામાં આવશે. કોર્પોરેશનના ભાજપના શાસકો શુદ્ધ અને પારદર્શક વહિવટ આપવા માટે કટીબઘ્ધ છે.મેરેથોનનું આયોજન કરવામાં આવશે જ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.