Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજીત પદ્મશ્રી અભિવાદન અને મારી કલાયાત્રા કાર્યક્રમમાં  700થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

હેમંત ચૌહાણ, પરેશ રાઠવા અને મહિપત કવિનું  સન્માન કરાયું

ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજરોજ દિનાંક : 03 ઑગસ્ટ , 2023 ના રોજ ત્રણ કલાસાધક પદ્મશ્રીઓ  મહિપત કવિ, માન . હેમંત ચૌહાણ અને પી . પરેશ રાઠવાના અભિવાદનનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે અખિલ ભારતીય સહસંયોજક (સામાજિક સમરસતા ગતિવિધિ ) માન. રવીન્દ્રજી કિરકોડે ઉપસ્થિત રહ્યા હતા . સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પી . કુલપતિગિરીશ ભીમાણીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આશરે 700 જેટલાં વિદ્યાર્થીઓ , જુદા જુદા ભવનોના અધ્યક્ષ, અધ્યાપકો અને નગરના પ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિમાં યોજાયેલો આ કાર્યક્રમ ખૂબજ ગૌરવશાળી રહ્યો.

ત્રણેય કલાસાધક પદ્મશ્રીઓએ પોતાની કલાયાત્રા અને કલાસાધના વિશે વક્તવ્યો આપેલા અને પોતાને પદ્મશ્રીથી પુરસ્કૃત કરવા બદલ ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર માનેલો . સાથે સાથે પોતાનું અભિવાદ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આભાર પણ માનેલો  હતો.

કાર્યક્રમના મુખ્ય અતિથિ રવીન્દ્રજી કિરકોડેએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ ઉપક્રમ બદલ પ્રસન્નતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આપણા અવતારી ઈશ્વરીય તત્ત્વોએ, સાધુસંતોએ, રાજપુરુષોએ આ દેશને અને સમાજને જોડવાનું કામ કર્યું છે. આપણો દેશ આવા કલાસાધકોથી શોભે છે અને કલાસાધકોએ પણ પોત પોતાની કલાઓ દ્વારા, પછી એ ચિત્ર હોય, સંગીત હોય, સાહિત્ય હોય, શિલ્પ હોય કે અન્ય કોઈ પણ કલા હોય, એ કલા દ્વારા આ દેશને અને સંસ્કૃતિને ઉજળા મુકામ

પર પહોંચાડવાનું સ્તુત્ત્વ કામ કર્યું છે. સાથે સાથે તેમણે દેશવાસીઓને જાતિ – જ્ઞાતિના ભેદભાવથી મુક્ત થઈને – સમરસ થઈને દેશને વિશ્વગુરુની પ્રતિષ્ઠા અપાવવા પ્રતિબદ્ધ બનવાની શિખ આપેલી.

કાર્યક્રમના અધ્યક્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણીએ પદ્મશ્રીઓના અભિવાદન કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણ પ્રત્યે તો પ્રતિબદ્ધ છે જ, સાથે સાથે સામાજિક સમરસતા સ્થાપવા પણ યુનિવર્સિટી પ્રતિબદ્ધ છે તે વાત દોહરાવી હતી. તેમણે આ તકે આપણાં કલાવારસાથી વિદ્યાર્થીઓ અવગત થાય તે માટે પરિસંવાદ, વર્કશોપ, શિબિર વગેરેના આયોજનો કરવાની નેમ પણ વ્યક્ત કરી હતી . તેમણે આ રામ અને કૃષ્ણનો દેશ , કરૂણામૂર્તિ ભગવાન બુદ્ધનો દેશ , અહિંસા અને પ્રેમની કરૂણામૂર્તિ ભગવાન મહાવીરનો દેશ જણાવી સૌને ’ રાષ્ટ્રપ્રથમ’નું સૂત્ર આપેલું. સમગ્ર કાર્યક્રમનું આયોજન ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક ડો જે.એમ.ચંદ્રવાડિયા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવગ્ની ડો. હરેશ રૂપારેલિયાએ કરેલું .

વિદ્યાર્થીઓને સંતવાણીનો અભ્યાસ કરવા અનુરોધ કરતા હેમંત ચૌહાણ

પદ્મશ્રી હેમંત ચૌહાણે પોતાની બાલ્યાવસ્થાથી માંડીને પદ્મશ્રીની પ્રાપ્તિ સુધીની પોતાની યાત્રાની ઝાંખી કરાવી હતી . પોતાના દાદા પાસેથી મળેલા સંગીત અને સંતવાણીના વારસાનું સ્મરણ કરાવી પોતે કરેલી કલાસાધનાની વાત કરેલી હેમંતભાઈએ 10,000 (દસ હજાર) જેટલી સંતોએ રચેલી રચનાઓ પોતાના કંઠે પ્રસ્તુત કરી તેનું રેકોર્ડિંગ પણ સાચવ્યું છે એ જણાવી પોતાની સાધના અંગે સંતોષ માન્યો હતો અને વિદ્યાર્થીઓને પણ સંતવાણીનો અભ્યાસ કરવા અનુરોધ કર્યો હતો.

શિક્ષણના અસરકારક માધ્યમ તરીકે પપેટકલા આવશ્યક: મહિપત કવિ

પદ્મશ્રી મહિપત કવિ 93 (ત્રાણું ) વર્ષની ઉંમરે પણ ભારતની આશરે 1000 (એક હજાર) વર્ષ જૂની કઠપૂતળી-પપેટકલાની સાધના કરી રહ્યા છે. યુરોપના લગભગ બધા જ દેશોમાં કઠપૂતળી – પપેટકલા વિશે વ્યાખ્યાનો આપી ને આ કલાનું મહત્ત્વ સમજાવનાર મહિપત કવિએ 93 વર્ષની ઉંમરે પદ્મશ્રી મળવા બદલ ભારત સરકારનો આભાર માનેલો 156 જેટલી પપેટકલાની સ્ક્રીપ્ટ લખનાર મહિપત કવિએ શિક્ષણના અસરકારક માધ્યમ તરીકે પપેટકલાની આવશ્યકતા સમજાવી હતી.

મારી કલા જ નહીં આદિવાસી સંસ્કૃતિનું સન્માન: પરેશ રાઠવા

પદ્મશ્રી પરેશ રાઠવાએ જણાવ્યું હતુ કે ભારત સરકારએ મારી કલાનું નહીં પણ આદિવાસી સંસ્કૃતિ અને કલાનું સન્માન કર્યું છે . બારસો વર્ષ જૂની પીઠોરા બાબા પ્રત્યેની આસ્થા અને પીઠોરાકલાનો વારસો જાળવવા માટે પોતે અને પોતાનો પરિવાર કઈ રીતે કલાસાધના કરી રહ્યો છે તેની વાત કરેલી .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.