Abtak Media Google News

વર્ષોથી ખાલી પડેલી સફાઈ કામદારોની જગ્યા ભરાશે : ચીફ ઓફિસર સરૈયાની દરમિયાનગીરી બાદ માજી ધારાસભ્ય સહિતના આગેવાનો સાથે સફાઈ કામદારોની બેઠક સફળ

મોરબી : મોરબીમાં છેલ્લા ૧૩ દિવસથી પગાર વધારા સહિતની વિવિધ માંગણી મુદ્દે હડતાલ પર ઉતરી ગયેલા સફાઈ કામદારોની હળતાલનો અંત લાવવા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની દરમ્યાનગિરી બાદ માજી ધારાસભ્ય, પ્રમુખ, ઉપપ્રમુખના અગ્રણીઓએ બેઠક યોજતા લઘુતમ પગાર ધોરણ સહિતની માંગણીઓ સ્વીકારવામાં આવતા હડતાલ સમેટાઈ છે અને આજથી જ સફાઈ કામદારો કામે ચડી જવાની ખાતરી આપતા હળતાલનો સુખદ અંત આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને ૨૩૦ રૂપિયા રોજ લેખે પગાર મળતો હોય તેમજ અકસ્માત જેવા કેસોમાં વળતર કે અન્ય લાભો ના મળતા હોય જે લાભો આપવાની માંગણી સાથે ૨૦૦ થી વધુ કર્મચારીઓ કામકાજથી અળગા હતા અને ૧૩ દિવસથી હડતાલ ચાલતી હોય આ મામલે તાજેતરમાં મોરબી પાલિકાનો ચાર્જ સંભાળનાર ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ સફાઈ કર્મચારીઓ સાથે વાતચીત કરી હળતાલનો અંત લાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. અને આ મામલે  માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા અને પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના અગ્રણીઓએ સાથે સફાઈ કર્મચારીઓ સાથે બેઠક યોજતા લઘુતમ પગાર ધોરણ સહિતની માંગણીઓ સ્વીકારવામાં આવતા હડતાલ સમેટાઈ છે.

આ બેઠકમાં સફાઈ કામદારોને પગાર ૩૦૦ રૂપિયાથી વધુ કરવા ઉપરાંત કર્મચારીઓને વિમાનો પણ લાભ અપાશે તો કાયમી કરવાની માંગ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીને કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવતા આખરે કર્મચારીઓએ સંતોષ માન્યો હતો અને હડતાલ સમેટી લીધી હતી.

૧૩ દિવસથી સફાઈ કર્મચારી કામકાજથી અળગા રહેતા શહેરમાં ગંદકીમાં વધારો થયો હતો ત્યારે આજે માજી ધારાસભ્ય અને ચીફ ઓફિસર દ્વારા દરમિયાનગીરી કરીને કર્મચારીઓના પ્રશ્નનો ઉકેલ લાવવા પ્રયત્ન કરીને સંતોષી શકાય તેવી માંગો માની લીધી છે જયારે અન્ય માંગ અંગે યોગ્ય કરવાની ખાતરી આપતા કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી છે અને કર્મચારીઓને આખરે ન્યાય મળતા રાહતનો શ્વાસ લીધો છે.

સફાઈ કર્મચારીઓની હડતાલ સમેટાઈ જતા તંત્ર તેમજ મોરબીના નાગરિકોએ પણ રાહત અનુભવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.