Abtak Media Google News

લોકસભાની ચૂંટણીને રાષ્ટ્રીય મહાપર્વ-ઉત્સવ ગણી ચૂંટણી પ્રક્રિયામાં સ્વયંશિસ્ત, જાગૃતિ, ઉમંગ-ઉત્સાહ દાખવી વધુ મતદાન કરનાર વિશેષ કરી મહિલાઓ સહિત સર્વેનો આભાર માનતા ભાજપ મહિલા મોરચાનાં પ્રભારી અંજલીબેન રૂપાણી

સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજકોટ લોકસભા બેઠકો પરથી શાંતિપૂર્ણ રીતે સરેરાશ કરતા વધુ મતદાન થતા ભાજપ મહિલા મોરચાનાં પ્રભારી શ્રીમતિ અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું કે. મતદાનનાં દિવસે વહેલી સવારે સાત વાગ્યાથી જ મતદારો મત આપવા મતદાન મથક પર પહુચી ગયા હતા અને છેક મોડી સાંજે ૬ વાગ્યા સુધી મતદારોની લાંબી કતારો મતદાનમથક પર જોવા મળી હતી.

ખાસ કરીને મહિલાઓ અને પ્રથમવાર મત આપનારા યુવા મતદારોએ વિશેષ જાગૃતિ દાખવી ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. આથી ગુજરાતમાં સરેરાશ કરતા વધુ મતદાન થયું છે જે ભાજપની તરફેણમાં છે. ઉનાળાની અસહ્ય ગરમી અને તાપમાં જંગી પ્રમાણમાં મતદાન થવું એ સૂચવે છે કે, ગુજરાતની તમામ બેઠકો પરથી કમળ ખીલશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં ગુજરાતની ૨૬માંથી ૨૬ બેઠકો પરથી ભાજપનાં તમામ ઉમેદારો જંગી બહુમતી સાથે વિજયી થશે.

રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી થી લઈ પ્રદેશ પ્રમુખ, લોકસભા બેઠકનાં ઉમેદવારો, તેમની બેઠકોનાં પ્રભારીઓ, ધારાસભ્યો, ભાજપ અગ્રણી નેતાઓ-કાર્યકર્તાઓ તથા ભાજપ ના પેજપ્રમુખ બુથ- વોર્ડ-મંડલ સહિત સંગઠન ની તમામ શ્રેણી-સ્તર ના સૌ કોઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારની પાંચ વર્ષની કામગીરીને જન-જન સુધી પહોચાડવાનું કાર્ય સફળતાપૂર્વક કર્યું હતું પરિણામે મતદારોએ ફિર એક બાર મોદી સરકારનાં નારાને સાર્થક કરવા જંગી પ્રમાણમાં મતદાન કર્યું છે.

લોકશાહીનાં મહાપર્વને સફળ બનાવવામાં ભૂમિકા ભજવનાર સર્વેનો આભાર વ્યક્ત કરતા શ્રીમતિ અંજલીબેન રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, શાંતિપૂર્ણ રીતે સફળતાપૂર્વક થયેલી મતદાન પ્રક્રિયામાં શિસ્ત,જાગૃતિ, ઉત્સાહ દાખવનાર તમામ મતદારો, ચૂંટણી તંત્રનાં વહિવટી અને વ્યવસ્થાપક અધિકારીઓ, પોલીસ તંત્રનાં અધિકારીઓ, પક્ષનાં અગ્રણી નેતાઓથી લઈ બૂથનાં નાનામાં નાના કાર્યકરો તેમજ મીડિયાનાં મિત્રોનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.

સંગઠન સાથે સંકળાયેલા પક્ષનાં લોકોએ પણ મહિલા, વૃદ્ધ કે યુવાનોને મતદાન કરતા સમયે કોઈપણ પ્રકારની અડચણ કે મુશ્કેલી ન પડે તે માટે મહેનત કરી હતી અને મીડિયા મિત્રોએ પણ ખૂબ જ સુંદર કવરેજ કરીને મતદાન દિવસ અગાઉથી આજ દિન સુધી પળેપળની ખબરથી લોકોને માહિતગાર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તેમનાં કાર્યોને કેન્દ્રમાં રાખીને મતદાન કરનારા મતદારો સહિત મતદાન પ્રક્રિયામાં આરંભ થી આજ સુધી જોડાયેલા સૌ કોઈનો આભાર અંજલીબેન રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.