Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અષાઢીબીજ નિમિત્તે પરબધામ ખાતેથી રાજ્યનાં નાગરિકોને પાઠવેલી શુભેચ્છાઓ

રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અષાઢી બીજનાં પાવન પર્વ નિમિત્તે ધર્મદંડ આધારીત રાજ્ય વ્યવસ્થા સ્થાપવાની રાજ્ય સરકારની કૃતનિશ્ચયાત્મકતા દોહરાવી છે. જૂનાગઢ જિલ્લાનાં ભેસાણ તાલુકાનાં વાવડી ગામ નજીક પ્રસિધ્ધ યાત્રાધામ પરબધામ ખાતે ઊપસ્થિત વિશાળ ભક્તસમુદાયને સંબોધતા મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ તમામ ઉપસ્થિતોને અષાઢીબીજનાં પર્વની શુભકામના

પાઠવી હતી. ટુંક સમયમાં જ “સૈાની” યોજનાનાં માધ્યમથી નર્મદાનીર વેરાવળ-સોમનાથ સુધી પહોંચાડવાની  રૂપાણીએ ખાત્રી ઉચ્ચારી હતી.

ગરવા ગિરનારના સાંનિધ્યમાં આવેલી સત્  દેવીદાસબાપુ અને માં અમરમાંનાં સામાજીક સત્કાર્યોનું મુખ્યમંત્રીશ્રીએ નતમસ્તકે સ્મરણ કર્યુ હતુ, તથા જીવથી શિવ અને વ્યક્તિથી સમષ્ટિ સુધીના રાજ્ય સરકારનાં વલણને પ્રસ્થાપિત કર્યુ હતુ.

મુખ્યમંત્રીશ્રીએ પ્રત્યેક તાલુકામાં નંદીઘર સ્થાપવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી હતી. જેનાથી રાજ્યભરના દરેક ગામડામાં ગીર અને કાંકરેજ ઓલાદની ગાયની મુલ્યવર્ધીત ચીજવસ્તુઓ નાગરિકોને મળી શકશે.

ગૈાવંશ અધિનીયમ-૨૦૧૭ની વિગતો ટાંકતા મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આ અધિનિયમ રાજ્યનાં વિકાસમાં સીમા ચિહ્નરૂપ સાબિત થશે.

મુખ્યમંત્રીએ સાફ શબ્દોમાં તેમનાં હ્રદયની વાત જણાવી હતી કે, તેમનાં હેયામાં ખેડુતોનું હિત પ્રથમ સ્થાને છે.

માટે જ રાજ્ય સરકારે મગફળી અને તુવેરદાળની ટેકાનાં ભાવે ખરીદી કરી છે. તથા તાજેતરમાં જ ડુંગળી અને બટેટાના ઘટતા જતા ભાવ સામે રક્ષણ માટે ખેડુતોને  ૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

રાજ્યભરમાં ખેડુતોનાં હિતથી ગામડુ શહેર રાજ્ય ક્રમશ: સુખી બનશે એવા વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કૃયો હતો. પાણી મળે તો રાજ્યનો ખેડુત દુનિયાની ભુખ ભાંગવા સક્ષમ છે, એમ પણ મુખ્યમંત્રીએ આત્મવિશ્વાસના રણકા સાથે જણાવ્યુ હતુ.

“સૈાની” યોજના થકી રાજ્યનો ખેડુત રૂપિયાને બદલે ડોલરમાં કમાણી કરશે તથા વૈશ્વિક કક્ષાની મુલ્યવર્ધિત વસ્તુઓ વસ્તુઓનું ઉતપાદન ઘર આંગણે કરી શકાશે એવી ખાત્રી માન.મુખ્યમંત્રી રૂપાણીએ પરબધામ ખાતે ઉપસ્થિતોને પાઠવી હતી.

મુખ્યમંત્રીના હસ્તે દીપ પ્રાગટ્ય વિધિ સંપન્ન થયા બાદ તમામ આમંત્રિતોનું પુષ્પથી સ્વાગત કરાયુ હતુ. ચાંપરડા શિક્ષણધામનાં સંત મુક્તાનંદજી મહારાજે સ્વાગત પ્રવચન કર્યુ હતુ. ઉપસ્થિત ધાર્મિકસંતોએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને ફુલોનાં વિશાળ હારથી પરબધામ ખાતે આવકાર્યા હતા.

પરબધામનાં સંત કરશદાસબાપુ અને રાજેન્દ્રદાજી સાથે મુખ્યમંત્રીએ સતદેવીદાસબાપુ અને માં અમરમાંનાં સમાધી સ્થાને જઇને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સાથે ઉપસ્થિત ભાવિકોનું અભીવાદન જીલી પરબધામની ધર્મસંસ્કારીતાની વિગતો જાણી હતી.આ પ્રસંગે અન્ન અને નાગરીક પુરવઠામંત્રી જયેશભાઇ રાદડીયા, સંસદ સભ્ય રાજેશભાઇ ચુડાસમા, ભાજપ મહિલા મોરચાનાં અધ્યક્ષા  અંજલીબેન રૂપાણી, પરબધામનાં સંત કરસનદાસજી બાપુ, લઘુ મહંત રાજેન્દ્રદાજી,  લાલબાપુ,  ભેસાણ તાલુકાનાં અગ્રણીઓ, તથા પરબધામનાં ધર્મમેળામાં પધારેલ વિશાળ ભક્ત સમુદાય અને ગામેગામથી પધારેલ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીનાં આગમનને વધાવતા વરસતા વરસાદમાં પણ વીશાળ જનસમુદાય જ્યાં નજર ઠરે ત્યાંથી હાથ ઉંચા કરીને વિજયભાઇને આવકાર્યા હતા. જિલ્લા કલેકટરશ્રી ડો. રાહુલ ગુપ્તા , પોલીસ અધિક્ષક નિલેષ જાજડીયા, રેન્જ આઇ.જી.શ્રી તથા વરીષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સ્થાનિક લોકોએ મુખ્યમંત્રીનાં આગમનની સાથે થયેલ વરસાદને શુકનનાં સંભારણા સાથે મુલવી વિજયભાઇને અભિનંદન પાઠવતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.