Abtak Media Google News

જૂનાગઢ કૃષિ યુનિ.ના 18મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ અને ચાન્સેલર આચાર્ય દેવવ્રતજી વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહ્યા

ગુજરાતના રાજ્યપાલ અને ચાન્સેલર આચાર્ય દેવવ્રતજી જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના 18માં વાર્ષિક દીક્ષાંત સમારોહમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેમણે દીક્ષાંત ઉદબોધનમાં  વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, જે વિદ્યા ભણ્યા છો તેનો સમાજના કલ્યાણમાં-પરોપકારમાં ઉપયોગ કરજો. કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને તેમણે પ્રાકૃતિક ખેતીમાં વિશેષ સંશોધનો કરવા આહ્વાન કર્યું હતું અને કહ્યું હતું કે, વર્તમાનની તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતીમાં છે. તેનાથી ભૂમિનું ઓર્ગેનિક કાર્બન વધશે. ભારતની ધરતીની ખુશ્બુ પાછી આવશે. અનેક રોગોમાંથી મુક્તિ મળશે. પ્રાકૃતિક ખેતી જ વૈજ્ઞાનિક માર્ગ છે.

Advertisement

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કૃષિ ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે, ખેત ઉત્પાદન વધે છે, જમીનની ગુણવત્તા સુધરે છે, પાણીનો ઉપયોગ ઓછો થાય છે, પર્યાવરણનું સંરક્ષણ થાય છે અને ગુણવત્તાયુક્ત અન્ન મળે છે. ગુજરાતમાં અત્યારે ત્રણ લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અનુરોધ કર્યો છે કે, પ્રત્યેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે. ગુજરાતમાં આગામી 15 મી ઓગસ્ટ સુધીમાં દરેક ગામમાં ઓછામાં ઓછા 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કૃષિ વૈજ્ઞાનિકોને પણ પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત સંશોધનો કરીને તેના લાભો લોકો સુધી લઈ જવા તેમણે અનુરોધ કર્યો હતો.

આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, 1960 ના દાયકામાં ભારતને કૃષિક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા અને ઉત્પાદન વધારવા જે તે વખતે કૃષિ વૈજ્ઞાનિકોએ રાસાયણિક ખાતર વાપરવાનું સૂચન કર્યું હતું. તે વખતે ભારતમાં કૃષિ હેતુ માટે બહુ ઓછી જમીન ઉપલબ્ધ હતી. ખેતી બળદ આધારિત હતી. વૈજ્ઞાનિક સાધનો પણ ન હતા. તે વખતે તે જરૂરી હતું, પણ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધારે પડતા ઉપયોગથી ભારતની ભૂમિમાં તે વખતે ઓર્ગેનિક કાર્બન બેથી અઢી ટકા હતું તે અત્યારે 0.3 કે 0.4 ટકા થઈ ગયું છે. સંશોધનો કહે છે કે, જો રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ આ પ્રકારે જ થતો રહેશે તો 50 વર્ષ પછી ભારતની ધરતી ફર્શ જેવી થઈ જશે, એટલે આપણે વૈજ્ઞાનિક ઢબે વિચારવાની આવશ્યકતા છે.

આ સાથે વિશ્વના કૃષિ વૈજ્ઞાનિકોને પડકાર ફેંકતા  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સાબિત કરો કે યુરિયા, ડીએપી કે કીટનાશક દવાઓ ધરતીનું ઓર્ગેનિક કાર્બન વધારે છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી એક વર્ષમાં ભૂમિનું ઓર્ગેનિક કાર્બન બમણું થઈ જાય છે. આ દિશામાં સંશોધનો કરવા તેમણે કૃષિ વૈજ્ઞાનિકોને અનુરોધ કર્યો હતો.

આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, કૃષિ ઉત્પાદનોથી લોકોનું માત્ર પેટ ભરવાનું આપણું કામ નથી, પ્રત્યેકને ગુણવત્તાયુક્ત આહાર આપવો આપણી જવાબદારી છે. જે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે એ પ્રસન્ન છે. કૃષિના વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોએ વિચારસરણી બદલવી પડશે. પ્રાકૃતિક ખેતી જ સફળ પ્રયોગ છે.

આ દિશામાં વિશેષ સંશોધનો થશે તો દેશની મોટી સેવા થશે. તા સાથે છાત્રોને શીખ આપતા આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, મન, વચન અને કર્મથી સદાય સત્યનું આચરણ કરજો. કર્તવ્યપરાયણ બનજો. જીવનમાં માતા-પિતા અને ગુરુ પ્રત્યે હંમેશા સામાજિક જવાબદારી નિભાવજો. તેમનું શ્રદ્ધાપૂર્વક આદર સન્માન કરજો અને શિક્ષકોએ-ગુરુજનોએ જે શિક્ષણ આપ્યું છે તેનો પરોપકાર માટે ઉપયોગ કરજો.

ડો. ગિરીશ. પ્રજાપતિને કૃષિ ઉચ્ચ અભ્યાસમાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

ડો. ગિરીશ વી. પ્રજાપતિ અને ડો. કલ્પિત ડી. શાહ  ને વર્ષ ર0ર0-ર1 માટે કૃષિ ઉચ્ચ અભ્યાસમાં ’શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ડો. વી.ડી.તારપરા, ડો. બી. સ્વામીનાથન અને ડો. એચ. એમ. ગાજીપરા લિખિત પુસ્તક Objective Agricultural Economicsનું  તેમજ અન્ય એક પુસ્તક કપાસમાં અસરકારક પાક સંરક્ષણનું વિમોચન કરવામાં આવ્યું હતું.

578 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત

જૂનાગઢ કૃષિ યુનિ.ના 17 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ સહિત 578 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ  રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 578 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. 17 છાત્રોનું 61 ગોલ્ડ મેડલથી સન્માન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.